મહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાઇ છે. સાગરદાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલી નુકસાનીના કેસમાં આ ધરપકડ થઇ છે. તેમની સામે આક્ષેપ છે કે ડેરીના ૩૦ જેટલા અધિકારીઓને સામેલ કરી ૧૯૩૨ કર્મચારીઓના ખાતામાં ડબલ પગાર જમા કર્યો હતો. તેમાંથી એક પગાર પરત લઈ સંઘમાં નવ કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ ફરિયાદ થયા બાદ સીઆઈડી ક્રાઈમે ૩૦થી ૩૫ જેટલા કર્મચારીઓના નિવેદન લીધા બાદ રવિવારે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
આ કૌભાંડની વિગતો જોઈએ તો ૨૦૧૪માં મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન તરીકે વિપુલ ચૌધરી કાર્યરત હતા. તેમના વિરુદ્ધ મહેસાણા પોલીસમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘને નુકસાન કરવા અંગેની ફરિયાદ દાખલ થઈ હતી. ૨૦૧૩માં મહારાષ્ટ્રમાં વિનામૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દૂધ ઉત્પાદક સંઘને રૂ. ૨૨.૫૦ કરોડનું નુકસાન થયેલું હતું. આ કેસમાં રાજ્યના રજીસ્ટ્રારે ચેરમેનને સહકારી કાયદાની કલમ ૭૬-બી મુજબ જાન્યુઆરી ૨૦૧૫માં નોટીસ આપી હતી. ત્યારબાદ ટ્રિબ્યુનલ કોર્ટે તા. ૨૯-૭-૨૦૧૮ના રોજ રૂ. ૨૨.૫૦ કરોડનું નુકસાન પહોંચાડવા બદલ ૪૦ ટકા રકમ એટલે કે ૯ કરોડ રૂપિયા મહેસાણા જિલ્લા સંઘમાં જમા કરાવાનો હુકમ કર્યો હતો.
આ આદેશ મુજબ રૂ. ૯ કરોડથી વધુ નાણાની ભરપાઈ કરવા હાલના ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ, એમડી એન. જે. બક્ષી તથા માજી ચેરમેન વિપુલ ચૌધરીએ કાવતરુ રચી દૂધ સંઘના કર્મચારીઓ-અધિકારીઓને અગાઉના પ્રતિ વર્ષ એક પગાર બોનસમાં આપ્યો હતો. આમ આરોપીઓએ સંઘના નાણા અંગે આપેલા અધિકારોનો દૂરુપયોગ કરી સંઘે બોનસ પેટે રકમ જાહેર કરી હતી. આ તમામે એકસંપ થઇને ૧૯૩૨ કર્મચારીઓને જે રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં બોનસ પેટે આપી હતી તે રકમ ૩૦ જેટલા અધિકારીઓને ષડયંત્રમાં સામેલ કરી પરત મેળવી હતી. જેની રકમ રૂ. ૧૪,૮૦,૭૦,૦૨૨ થાય છે. આમ, કર્મચારીઓ પાસેથી રોકડ રકમ પરત મેળવીને સંઘમાં જમા કરાવી હતી. આ ફરિયાદ અન્વયે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરે વિપુલ ચૌધરીની અટક કરી હતી.