નવી દિલ્હી: મુંબઈ આતંકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં ૨૩મીએ જીવલેણ હુમલો થયો હતો. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શિકાગોની નોર્થ અવેસ્ટન હોસ્પિટલમાં તેને દાખલ કરાયો છે. તેને સીસીયુમાં રાખવામાં આવ્યો છે. જેલમાં બે કેદીઓએ હેડલી પર ૮ જુલાઈના રોજ હુમલો કર્યો હતો. હુમલો કરનાર બંને ભાઈઓ છે અને પોલીસ કર્મચારીઓ પર હુમલાના આરોપ હેઠળ હાલમાં જેલમાં છે. અમેરિકી નાગરિક હેડલી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે કામ કરતો હતો.
૩૫ વર્ષની સજા
હેડલી લશ્કર-એ-તોઈબાના અંડર કવર એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે આતંકી હુમલા માટે ભારતમાં ઘણા સ્થળોએ ફરીને રેકી કરી હતી. ઘણી માહિતી પણ મેળવી હતી. હેડલી સપ્ટેમ્બર ૨૦૦૬થી જુલાઈ ૨૦૦૮ દરમિયાન ૫ વાર ભારત આવ્યો હતો.
હુમલાના સ્થળોના ફોટો લઈને તેણે પાકિસ્તાન જઈને તેની ચર્ચા કરી હતી. પાકિસ્તાનમાં લશ્કરના ટ્રેનિંગ કેમ્પમાં પણ હિસ્સો લીધો હતો. ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ અમેરિકી કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે તેને ૩૫ વર્ષની સજા થઈ છે.