ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન પદે પ્રથમ વણિક ચહેરા તરીકે બિરાજમાન થવાના પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણીના અરમાન અધૂરા રહી ગયા છે. આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારથી માંડીને બુધવારે સાંજ સુધી વિજયભાઇ મુખ્ય પ્રધાન પદના ખૂબ જ મજબૂત દાવેદાર ગણાતા હતા. જોકે છેલ્લા અહેવાલ પ્રમાણે વિજયભાઇને વિદાય લેતાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ નડી ગયા છે. હવે મુખ્ય પ્રધાન પદની રેસમાં નીતિનભાઇ પટેલનું નામ સૌથી મોખરે ગણાય છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન પદે સવા બે વર્ષ સુધી કાર્યભાર સંભાળનાર આનંદીબહેન પટેલે બુધવારે સાંજે પાંચ વાગે પોતાનું રાજીનામું ગવર્નરને સુપરત કર્યું એ પૂર્વે જ પ્રદેશ પ્રમુખ રૂપાણીને મુખ્ય પદની રેસમાં પોતે નથી એવી ખાતરી ઉચ્ચારવી પડી હતી અને જાહેરાત પણ કરવી પડી હતી.
માહિતગાર સૂત્રોના કહેવા પ્રમાણે, બે મહિના પહેલાં જ આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઇચ્છા રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ કરી હતી. એ વખતે એવી હૈયાધારણ અપાઇ હતી કે તેમના અનુગામી અંગે યોગ્ય ચહેરાની પસંદગી કરીને અનુકૂળ સમયે જાહેરાત કરવામાં આવશે. જોકે, આ દરમિયાન મુખ્ય પ્રધાનના નજીકના મનાતા મનસુખભાઇ માંડવીયાને વગદાર પરષોત્તમ રૂપાલાની સાથે જ કેન્દ્રમાં પ્રધાન બનાવી દેવાયા હતા.
આનંદીબહેન પટેલ માંડવીયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાના મતના હતા. જોકે કોઇ કારણોસર માંડવીયાના મુદ્દે પ્રદેશમાં સર્વસંમતિ સાંધવામાં આનંદીબહેનને સફળતા ન મળે એવા પ્રયાસો અમિત શાહ જૂથ દ્વારા થયા હતા. આમ, મામલો ત્યારથી જ તંગ બની ગયો હતો.
આ પછી આનંદીબહેન દ્વારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નામને આગળ કરાયું હતું. તેમાં પણ સર્વસંમતિનો અભાવ નડી ગયો હતો. આમ, આનંદીબહેન પટેલના અગણમા વચ્ચે અમિત શાહ પોતાના વિશ્વાસુ વિજયભાઇ રૂપાણીને પ્રદેશ પ્રમુખ પદે બેસાડવામાં સફળ રહ્યા હતા. આ સ્થિતિથી સમસમી ગયેલા આનંદીબહેન પટેલ અને રૂપાણી વચ્ચે સતત સંકલનનો અભાવ રહ્યો હતો. તેમાં રૂપાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી ગુજરાતમાં સંગઠનના માળખાને ગોઠવવાની શરૂઆત કરી હતી. કહે છે કે, આ સમયે આનંદીબહેનના સમર્થકોને સિફતપૂર્વક સાઇડલાઇન કરી દેવાયા હતા. શિતયુદ્ધના જ ભાગરૂપે પાટીદાર આંદોલનને ઠારવા માટે પક્ષના અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા અને પક્ષના વડા મથક કમલમમાં બેઠક યોજીને બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા અનામતનો નિર્ણય જાહેર કર્યો હતો.
એક પછી એક પીછેહઠથી સમસમી ગયેલા આનંદીબહેને ઉનાની ઘટના પછી પદ છોડવા માટે દબાણ વધ્યું ત્યારે આડેધડ નિર્ણયો લેવાની શરૂઆત કરી હતી. સામાજિક રીતે લોકરંજક ગણાતા આ નિર્ણયોથી રાજ્યની આર્થિક વ્યવસ્થા પર ગંભીર ફટકો પડે અને જે કોઇ નવો મુખ્ય પ્રધાન બને તેને માર્ગ કાઢવો કઠિન થઇ પડે એવી રીતે પગલાં લેતાં એમને પદ છોડવાની સૂચના અપાઇ હતી.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, મુખ્ય પ્રધાન પદ છોડતાં પહેલાં આનંદીબહેન પટેલે હાઇ કમાન્ડ પાસેથી એવો ભરોસો મેળવ્યો હતો કે, અનુગામીની પસંદગીમાં તેમને વિશ્વાસમાં લેવાશે. આ જ કારણોથી દાવેદારી, દબાણ કે જૂથબંધી થતી રોકવા અધ્યક્ષ અમિત શાહનું નામ વહેતું કરાયું હતું. તેમાં, અનુગામી તરીકે વિજય રૂપાણી જ મુખ્ય પ્રધાન બનશે એવું સર્વવિદિત થતાં જ બહેને પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. આથી નીતિન પટેલના નામને પણ મીડિયામાં વહેતું કરાયું હતું. જોકે વાસ્તવમાં તો વિજય રૂપાણી જ મુખ્ય પ્રધાન બની રહ્યા હોવાનું સ્પષ્ટ થઇ જતાં આનંદીબહેને દુરાગ્રહ રાખ્યો હતો કે, વિજય રૂપાણી તો નહીં જ.
આનંદીબહેને એવી દલીલ કરી હતી કે, પ્રમુખનું નામ પસંદ કરવામાં રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય માન્ય રાખ્યો હતો. હવે અનુગામીના નામ માટે મારી પસંદગીને પ્રધાન્ય આપવું જોઈએ. આથી બુધવારે બપોરે કોલકતા જઇ રહેલા અધ્યક્ષ અમિત શાહ અને સંગઠન મહામંત્રી રામલાલનો પ્રદેશ પ્રભારી ડો. દિનેશ શર્મા તથા સંગઠન સહ મહામંત્રી વી. સતીષ દ્વારા સંપર્ક કરાયો હતો. તેમણે આખી બાબત ધ્યાન પર મુકી હતી.
કોલકતાથી વિજય રૂપાણીનો ફોન ઉપર સંપર્ક કરાયો હતો. તેમણે સાંજે પાંચ વાગે રાજભવન જતાં પહેલાં મીડિયા સમક્ષ હાજર થઇને પોતે મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી એવું સ્પષ્ટ કર્યું હતું. રૂપાણીની જાહેરાત બાદ જ આનંદીબહેન પટેલ રાજીનામાના પત્ર સાથે રાજભવન પહોંચ્યા હતા. એટલું જ નહીં, બહેને પોતે હવે નવા કોઇ હોદ્દાઓ નહીં સ્વીકારવાના હોવાની પોતાના સમર્થકો સમક્ષ જાહેરાત કરીને સમજાવટના માર્ગને બંધ કરી દીધા છે.
આમ, હવે સમગ્ર ગુંચવાયેલા મામલામાં મુખ્ય પ્રધાનનો તાજ ખરેખર કોના શીરે આવશે એના અંગે આખરી નિર્ણય લેતાં પહેલાં અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરશે. ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.