સુરતઃ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા એક મહિનાથી સુરતના ભક્તોને લાભ આપી રહ્યા છે. તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મહંત સ્વામી મહારાજના દર્શન-આશીર્વાદ માટે અક્ષરધામ મંદિરે આવી પહોંચ્યા હતા.
સુરતના ઉપનગર કણાદમાં નિર્માણાધીન અક્ષરધામ મંદિરમાં પ્રથમ વખત પધારેલા મુખ્યમંત્રીનું કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામી તથા મંદિર વ્યવસ્થાપક સંત મુનિવંદન સ્વામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ.પૂ. મહંત સ્વામીના દર્શન કર્યા બાદ ભૂપેન્દ્રભાઈએ સુરત સહિત સમગ્ર ગુજરાતના વિકાસ માટે આશીર્વાદ માગ્યા હતા. મુખ્યમંત્રીએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે સુરતમાં આકાર લઇ રહેલા અક્ષરધામ મંદિરથી ગુજરાતની જનતાને સંસ્કાર પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીની સાથે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વામીના જગવિખ્યાત કાર્યને યાદ કરીને સંસ્થાના શિક્ષણ કાર્યને બિરદાવ્યું હતું. બંને રાજકીય મહાનુભાવોને ગુજરાતના વિકાસ માટે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપી પ્રાર્થના કરી હતી.