અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણકાર્ય માટે ભંડોળ એકત્ર કરવા ૧૫ જાન્યુઆરીથી દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ યાત્રા શરૂ થઇ છે. રામભક્તો તેમાં ખુલ્લા હાથે યોગદાન આપી રહ્યા છે. કોઇ કરોડ તો કોઇ લાખ, કોઇ હજાર તો કોઇ વળી એકસો રૂપિયા પણ આપી રહ્યું છે. દાતાઓની યાદીમાં પૂ. મોરારિબાપુ અને પૂ. ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાથી માંડીને ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા, સુરતના બાદશાહ ગ્રૂપના લવજીભાઇ બાદશાહ, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીથી લઇને આમ આદમીના નામો જોવા મળે છે. જોકે આ બધામાં ઉડીને આંખે વળગે તેવું નામ છે ઉત્તર ગુજરાતના મુસ્લિમ દંપતીનું. પટોળા માટે જગવિખ્યાત પાટણના ડોક્ટર હમીદ યુ. મન્સુરી અને મુમતાઝબહેને રામ મંદિર નિર્માણ માટે રૂ. ૧.૫૧ લાખનું દાન આપ્યું છે. જે રામ મંદિર નિર્માણ માટે કોઇ મુસ્લિમ પરિવાર દ્વારા ઉત્તર ગુજરાતમાંથી જ નહીં, રાજ્યભરમાંથી અપાયેલું સૌથી મોટું અનુદાન હોય તો નવાઇ નહીં.
કોમી સંવેદનશીલ રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા રામ મંદિરના નિર્માણ માટે અનુદાન અપાતા બીજા બધાને ભલે આશ્ચર્ય થયું હોય, પણ મન્સુરી દંપતી માટે આમાં કંઇ નવાઇજનક નથી.
ડો. મન્સુરી કહે છે, ‘અમને મુસ્લિમ હોવાનું ગૌરવ જરૂર છે, પરંતુ પહેલાં અમે - આપણે ભારતીય છીએ. ત્રણ - ત્રણ પેઢીથી અમારો ઉછેર આ માહોલમાં થયો છે. આ જ વાતે અમને રામ મંદિર નિર્માણ માટે યોગદાન આપવા પ્રેર્યા છે’.
તેઓ બહુ સહજતાથી કહે છે, ‘અમે મસ્જિદે જઇએ છીએ તો મંદિરે દર્શન કરવા પણ જઇએ છીએ. દિવસમાં પાંચ વાર નમાજ પઢીએ છીએ અને રમજાનમાં રોજા પણ રાખીએ છીએ. દર વર્ષે પહેલી નવરાત્રીએ આરતી પણ અમારી હોય છે અને પ્રસાદ પણ અમારો જ હોય છે એ સહુ કોઇ જાણે છે. અમે તો ગયા વર્ષે અયોધ્યા લઇને રામલલ્લાના દર્શન પણ કરી આવ્યા છીએ, અને ત્યાંના પૂજારી સાથે સત્સંગનો લ્હાવો પણ લીધો છે.’ મુમતાઝબહેન તરત જ આમાં ઉમેરો કરતાં કહે છે, ‘અમે તો તે જ ઘડીએ નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ રામ મંદિરનું નિર્માણ થશે, આપણે યથાશક્તિ યોગદાન આપશું જ.’
ડો. મન્સુરીને ગળથૂંથીમાં જ અન્ય ધર્મનો આદર કરવાના સંસ્કાર મળ્યા છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. સંભવતઃ આ જ કારણસર કોઇએ તેમને સર્વધર્મ સમભાવનું સૂત્ર શીખવવાની જરૂર નથી પડી. અહીં પાટણમાં પૂ. મોરારિબાપુની રામકથા યોજાઇ હતી ત્યારે મારા દાદીમા નિયમિત કથા સાંભળવા જતાં હતાં આમ કહીને ડો. મન્સુરી ઉમેરે છે કે હું તો રામાયણના પ્રસંગો સાંભળીને જ ઉછર્યો છું.
‘આજે લોકો રામાયણનો સંદેશ ભૂલી રહ્યા છે, પણ સાચી વાત તો એ છે કે તેના અનેક પ્રસંગો સહુ કોઇ માટે બોધપાઠ સમાન છે. જો તેનો ઉપદેશ જીવનમાં ઉતારીએ તો જિંદગી બદલાઇ જાય, ઘણી સમસ્યા-પ્રશ્નો ઉગતા પૂર્વે જ દૂર થઇ જાય. ભગવાન શ્રી રામ હોય કે ઇસુ ખ્રિસ્ત હોય કે મોહમ્મદ પયગંબર સાહેબ હોય, સહુ કોઇના જીવનસંદેશનો સાર તો એક જ છે... ભાઇચારો, માનવતા, સૌહાર્દ, એખલાસ.’
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ધ્વંસના મુદ્દા ભલે છાશવારે વિવાદનું કારણ બનતા રહ્યા હોય, પણ મન્સુરી દંપતીનો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ રતિભાર ઘટ્યો નથી. ડો. મન્સુરી કહે છે, ‘જે થવાનું હતું તે થઇ ગયું, જૂની વાતો ભૂલવામાં જ સહુનું હિત છે. કોમી ઐક્યની આપણી સૈકાઓ જૂની સંસ્કૃતિ સાચવીએ અને આગળ વધીએ. જરા કલ્પના તો કરો કે સહુ કોઇ મતભેદ અને મનભેદ ભૂલીને એકસંપ થઇને આગળ વધે તો આપણો (ભારત) દેશ ક્યાંનો ક્યાં પહોંચી જાય.’ તો મુમતાઝબહેન શ્રદ્ધાપૂર્વક કહે છે કે રામ જન્મભૂમિના સ્થળે એવું ભવ્ય અને સુંદર મંદિર સાકાર થવું જોઇએ કે દુનિયા દંગ
રહી જાય.
મુમતાઝબહેન સાથે દુનિયાના અનેક દેશો ફરી ચૂકેલા ડો. મન્સુરી કહે છે, ‘આજે દુનિયાના અનેક દેશોમાં લોકો ભારતીય ખાણીપીણી અપનાવી રહ્યા છે, અને હવે તેઓ હિન્દુ સંસ્કૃતિ તરફ આકર્ષાઇ રહ્યા છે. આ બાબત આપણી ભારતીય સંસ્કૃતિની તાકાત દર્શાવે છે.’
સરળ - સહજ વ્યક્તિત્વ ધરાવતા મન્સુરી દંપતી ઉચ્ચ વિચારો ધરાવે છે એટલું જ નહીં, તેને આચરણમાં પણ મૂક્યા છે. પાટણમાં જ અઢી દસકાથી રિયા હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ ધરાવતા ડો. મન્સુરી (એમડી - મેડિસીન) ઉત્તર ગુજરાતમાં ‘દર્દીઓના મસિહા’ તરીકેની ઓળખ ધરાવે છે. કોરોના લોકડાઉન વેળા દંપતીએ મિત્રો-સ્વજનોની મદદથી જરૂરતમંદ લોકો માટે રાહતકિટનું વિતરણ કર્યું હતું તો ગરીબ દર્દીઓ માટે રાહત ફંડ પણ ચલાવે છે, જેથી કોઇ જરૂરતમંદ દર્દી સારવારથી વંચિત ન રહી જાય. મુમતાઝબહેન ઘરની જવાબદારી સંભાળવાની સાથોસાથ આસપાસના ગામોમાં ફરતા રહીને જરૂરતમંદોને મદદરૂપ થતા રહે છે. કોઇ વિધવા બહેનને સિલાઇ મશીન અપાવી દે તો કોઇ બેરોજગાર યુવકને રીક્ષા ખરીદી માટે આર્થિક ટેકો પૂરો પાડે. જેથી સમયના વહેવા સાથે વ્યક્તિ આર્થિક પગભર બની રહે. પવિત્ર રમઝાન મહિનાની જકાત તો આવા સત્કાર્યોમાં જ વપરાય તેની પૂરતી કાળજી લે છે.