મુંબઇઃ ટીવી સિરિયલ ‘બાલવીર’થી ઘરે-ઘરે જાણીતા થયેલા અમદાવાદના દેવ જોશીની પસંદગીના મૂન ટ્રિપ માટે થઇ છે. ત્રણ વર્ષની ઉંમરથી એક્ટિગ શરૂ કરનારા દેવ જોશીએ અમદાવાદની ખાનગી સ્કૂલમાં અભ્યાસની સાથે કરિયર પણ આગળ વધારી હતી. તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રીમાં દેવનો લીડ રોલ હતો. ‘ડિયરમૂન’ પ્રોજેક્ટમાં પોતાની પસંદગી થઇ હોવાની જાહેરાત દેવે કરી હતી.
ડિયરમૂન પ્રોજેક્ટ 2017ના વર્ષમાં એનાઉન્સ થયો હતો. તેને પહેલા નાગરિક મિશન કરીકે ઓળખવામાં આવે છે. જાપાની બિલિયોનેર યુસાકુ મેજાવાને 2018ના વર્ષમાં ચંદ્રની સફર કરનારા રોકેટમાં તમામ સીટ બુક કરાવી હતી. હવે તેમણે ટ્રિપમાં સિલેક્ટ કરેલા આઠ લોકોનું લિસ્ટ જાહેર કર્યુ છે. આ તમામને તેઓ પ્રાઇવેટ યાનમાં ચંદ્રની ફરતે સફર કરાવશે.
ચંદ્રયાત્રામાં અન્ય સાત કોણ?
આ યાત્રામાં યુસાકુની ટીમમાં દેવ ઉપરાંત ડીજે સ્ટીવ આઓકી, એવરીડે, એસ્ટ્રોનોટ ચેનલના યુટ્યુબ ક્રિએટર ટીમ ડોડ, કોરિયાગ્રાફર યેમી એડી, ફોટોગ્રાફર કરીમ ઇલિયા, ફોટોગ્રાફર રિયાનોન, એડમ, ફિલ્મમેકર, બ્રેન્ડર હોલ, સાઉથ કોરિયન રેપર T.O.P.નના નામ ફાઇનલ થયા છે. ડાન્સર મીયુ અને સ્નોબોર્ડર કેટલિન ફારિંગ્ટને બેકઅપમાં રાખવામાં આવ્યા છે.
ચંદ્રની ચારેતરફે ઊડાન ભરવા માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સના ‘સ્ટારશિપ’ યાનનો ઉપયોગ થશે. યુસાકુનું માનવું છે કે, પૃથ્વીથી ઊડાન ભર્યા પછી ચંદ્રની યાત્રા દરમિયાન દરેક સભ્યને પોતાની જવાબદારીનો અનુભવ થશે. ચંદ્રની પરિક્રમા માટે સ્પેસશિપ આગામી વર્ષે ઉડાન ભરવાનું છે. અલબત્ત, તેમાં વિલંબ થવાની શક્યતા છે. કારણ કે, સ્ટારશિપને પૃથ્વીને ચારો તરફ ઓરબિટલ યાત્રા માટે મંજૂરી મળી નથી.
પ્રોજેક્ટ માટે પસંદગીનું ગર્વઃ દેવ
આ અંગે પ્રોજેક્ટ અંગે દેવ જોશી કહે છે, આ પ્રકારના અસાધારણ અને અવિશ્વસનીય પ્રોજેક્ટનો ભાગ બનવા પર ગર્વ છે. જીવનને હંમેશા નવા અવસરો સાથે આશ્ચર્યચકિત કર્યું છે, અને આ સૌથી મોટો અવસર છે. આ વિશે ક્યારેય વિચાર્યું ન હતું. આ પ્રોજેક્ટમાં વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા પર ગૌરવ છે.
દેવ જોશીએ ટીવી સિરિયલ ઉપરાંત મ્યુઝિક વીડિયો અને એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યું છે. 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘બાલશક્તિ પુરસ્કાર’થી દેવનું સન્માન કર્યું હતું જે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.