મેઇડ ઇન ગુજરાત વેક્સિન ZyCOV-D

Thursday 26th August 2021 04:59 EDT
 
 

અમદાવાદઃ કોરોના મહામારીના અજગરભરડામાંથી છૂટવા ઝાવાં મારી રહેલા વિશ્વસમસ્ત માટે ગાંધીના ગુજરાતમાંથી રાહતજનક સમાચાર છે. અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ વિશ્વની સૌપ્રથમ ડીએનએ આધારિત વેક્સિન વિકસાવી છે. ભારત બાયોટેક નિર્મિત કોવેક્સિન પછી ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ઝાયકોવ-ડી (ZyCOV-D) દેશમાં બનેલી બીજી સંપૂર્ણ સ્વદેશી કોરોના વેક્સિન છે. ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઝાયકોવ-ડીને દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઇ છે.
કેડિલા હેલ્થકેર લિમિટેડ મેને. ડિરેક્ટર ડો. શર્વિલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઝાયકોવ-ડી એવી વેક્સિન છે કે જે ૧૨ વર્ષની ઉંમરનાં બાળકોથી માંડીને, યુવાનો અને વૃદ્વોને પણ આપી શકાશે.

વળી, બાળકો માટે રાહતજનક વાત એ છે કે તે નીડલલેસ છે. તે સોય વગર અપાશે. અલબત્ત, તેને પોલિયો ડ્રોપની જેમ મોં વડે નહીં, પણ શરીરમાં ઇન્જેક્ટ કરાશે. આમ તેમને પીડાનો ડર રહેશે નહીં. ૨૮-૨૮ દિવસના અંતરે તેના કુલ ત્રણ ડોઝ અપાશે. જોકે હાલમાં બે ડોઝવાળી વેક્સિન માટે પણ પ્રયત્ન ચાલી રહ્યાં છે.

ડીએનએ આધારિત વેક્સિન
વિશ્વની આ પ્રથમ ડીએનએ બેઝ્ડ વેક્સિન છે. જ્યારે અન્ય વેક્સિન્સ એમ-આરએનએ આધારિત છે. ઝાયકોવ-ડી વેક્સિન સિરિન્જ વગર ફાર્માજેટ ટેક્નિકથી આપશે. જેમાં સિરિન્જ વગરના ઇન્જેક્શનમાં દવા ભરી દેવાય છે. પછી તેને એક મશીનમાં લગાવીને બાવડા પર અપાય છે. મશીન પરનું બટન ક્લિક કરવાથી વેક્સિન કોઇ જ દુખાવા કે આડઅસર વિના વ્યક્તિના શરીરમાં પહોંચી જાય છે.

૬૬.૬ ટકા અસરકારકતા
ડો. પટેલે કહ્યું હતું કે ૧૦થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સરકારનો બાળકોને રસી આપવાનો શું કાર્યક્રમ છે તે સરકાર પર નિર્ભર છે. અમારું લક્ષ્ય ઓક્ટોબરથી દર મહિને ૧ કરોડ વેક્સિનનું ઉત્પાદન કરવાનું છે. જ્યારે જાન્યુઆરીના અંતે દર મહિને ૫ કરોડ વેક્સિન ઉત્પાદનનું લક્ષ્યાંક હાંસલ કરાશે. આ વેક્સિનની એફિકસી રેટ – અસરકારકતા ૬૬.૬ ટકા જોવા મળી છે. વેક્સિનની ડિસ્ટ્રિબ્યુશન પોલિસી અને વેક્સિનની કિંમત અંગે સરકાર સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે. આગામી એક – બે સપ્તાહમાં તેના ભાવ લોકોને પરવડે એ રીતે નક્કી કરાશે.

ટીનેજર્સ માટે સુરક્ષિત
તેમણે જણાવ્યું હતું કે, આ વેક્સિન ૧૨થી ૧૮ વર્ષના ટીનેજર્સ માટે સંપૂર્ણ સુરક્ષિત છે. ZyCOV-D વેક્સિન પ્રથમ દિવસે, પછી ૨૮મા દિવસે અને પછી ૫૬મા દિવસે લગાવવાની રહેશે. વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અંગે વિચારણા કરી રહ્યા છીએ.

કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિનની અસરકારકતા અંગે ડો. પટેલે જણાવ્યું હતું કે આ વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ પર પણ ૬૬ ટકા અસરકારક છે. અમે અત્યારે ૨થી ૧૨ વર્ષનાં બાળકો માટે અભ્યાસ શરૂ કર્યો નથી, પણ રેગ્યુલેટર સાથે આ માટે સતત સંપર્કમાં છીએ. સુચિત ટ્રાયલ માટે પાંચથી સાત દિવસમાં રેગ્લુલેટરનો સંપર્ક કરીશું. ઉલ્લેખનીય છે કે આ વેક્સિનના ખાનગી વેચાણ માટે હજુ કિંમત જાહેર કરાઇ નથી, પરંતુ સરકારી કેન્દ્ર પર વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે.

સરળ સાચવણી - વ્યાપક નેટવર્ક
તેમણે કહ્યું કે, ઝાયકોવ-ડી વેક્સિન એકથી આઠ ડિગ્રી તાપમાનમાં ત્રણ મહિના સુધી સાચવી શકાય છે તેમજ ૨૫ ડિગ્રી તાપમાનમાં પણ આ વેક્સિન પર કોઈ ખરાબ અસર થતી નથી. દેશના દરેક ખૂણે આ વેક્સિન પહોંચે તે માટે પણ કંપનીએ અલગ નેટવર્ક ચેનલ ઊભી કરી છે. આ રસી મોટા લોકોની જેમ બાળકો માટે પણ એટલી જ અસરકારક છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ૧,૪૦૦ બાળકો પર પરીક્ષણ કરાયું હતું અને કોઈને પણ ખાસ તકલીફ પડી નથી. ટ્રાયલ-થ્રીનું રિઝલ્ટ હજુ બાકી છે.

ઝાયકોવ-ડી વિશે જાણવા જેવું બધું જ...

• ZyCov-D કોને અપાશે?ઃ ૧૨ વર્ષની વધુની ઉંમરની કોઇ પણ વ્યક્તિને આ વેક્સિન અપાશે એટલે કે બાળકોને પણ આ વેક્સિન આપી શકાશે. દુનિયામાં હાલમાં અન્ય બે વેક્સિન - ફાઇઝર અને મોર્ડના ૧૨ વર્ષની ઉંમરની વ્યક્તિને અપાય છે. ભારતમાં અત્યાર સુી માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ હતી.
• ક્યારથી અપાશે? આ વેક્સિન સપ્ટેમ્બર મધ્ય સુધીમાં ઉપલબ્ધ થશે. શરૂઆતમાં ૩૦થી ૪૦ લાખ ડોઝ બનશે. ઓક્ટોબર સુધીમાં ૧ કરોડ ડોઝ અને જાન્યુઆરી સુધીમાં ૫ કરોડ ડોઝના ઉત્પાદનનું લક્ષ્ય. ઝાયડસે દર વર્ષે ૧૦થી ૧૨ કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
• વેક્સિનના કેટલા ડોઝ? આ ત્રણ ડોઝવાળી વેક્સિન છે. દરેક ડોઝ વચ્ચે ૨૮ દિવસ રહેશે. પહેલા ડોઝના ૨૮ દિવસ પછી બીજો અને ૫૮ દિવસ પછી ત્રીજો અપાશે. અત્યાર સુધીમાં ભારતમાં જે વેક્સિન છે તેમાં બે ડોઝ અપાય છે.
• કિમત કેટલી? હાલ તે અંગે કોઇ જાહેરાત થઇ નથી, પણ દેશમાં વેક્સિનેશનનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી હોવાથી આ વેક્સિન પણ લોકોને ફ્રીમાં મળવા આશા છે. જોકે, ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લો તો તેનો રેટ અન્ય વેક્સિન્સની સરખામણીએ કોમ્પિટિટિવ રહેવાની શક્યતા છે. વિવિધ વેક્સિનની કિંમત હાલ રૂ. ૭૦૦થી ૧૫૦૦ની રેન્જ છે. એવામાં ઝાયકોવ-ડીની કિંમત પણ લગભગ તેટલાની જ આસપાસ હોઇ શકે છે.
• ડેલ્ટા વેરિયન્ટ સામે અસરકારક્તા? ભારતભરમાં ૨૮ હજાર લોકો પર આ વેક્સિનની ટ્રાયલ કરાઇ છે, જે મુજબ વેક્સિન ૬૬.૬ ટકા અસરકારક છે. ઝાયડસ કેડિલાનો દાવો છે કે તેની વેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે પણ અસરકારક છે. ડીએનએ આધારિત આ વેક્સિન વાયરસના મ્યુટેશનની જલદી ઓળખ કરી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter