અમદાવાદ: તાઇવાન સ્થિત મેક્સિસ ગ્રૂપની પેટાકંપની મેક્સિસ રબર ઇન્ડિયા પ્રા. લિ.એ ભારતમાં તેનો પ્રથમ ટાયર પ્લાન્ટ સાણંદમાં શરૂ કર્યો છે. કંપની આ પ્લાન્ટમાં કુલ ત્રણ તબક્કામાં ૪૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે, તેમાંથી અત્યાર સુધીમાં ૩૨૦ મિલિયન ડોલરનું રોકાણ કરી દેવામાં આવ્યું છે. કંપની ભારતીય ટાયર ઉદ્યોગમાં પાંચ વર્ષમાં ૧૫ ટકા બજારહિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
દુનિયામાં ટુ-વ્હીલર ટાયરના સૌથી મોટા ઉત્પાદક મેક્સિસના આ પ્લાન્ટનું ઉદઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેક્સિસ ગ્રૂપના ચેરમેન ત્સાઇ-જેન લો, મેક્સિસ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ચેંગ-યાવ લિયાઓ અને મેક્સિસ ઇન્ડિયાના પ્રવક્તા જિયા-શિઆઓ લિઓયુ (ગેરી)ની ઉપસ્થિતિમાં કર્યું હતું. મેક્સિસ ઇન્ડિયાનો પ્લાન્ટ ૧૦૬ એકરમાં ફેલાયેલો છે, જેમાંથી ૭૦ ટકા વિસ્તારમાં પ્લાન્ટ કાર્યરત કરાયો છે અને બાકીની જગ્યા ભાવી વિસ્તરણ માટે રાખવામાં આવી છે. હાલમાં પ્લાન્ટ દૈનિક આશરે ૨૦,૦૦૦ ટાયર અને ૪૦,૦૦૦ ટ્યૂબનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
મેક્સિસ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ચેંગ-યાઓ લિયાઓએ કહ્યું હતું કે, મેક્સિસ ગ્લોબલ વર્ષ ૨૦૨૬ સુધીમાં વિશ્વના ટોચના પાંચ ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે અને આ લક્ષ્યાંક પાર પાડવા માટે ભારતીય બજાર અતિમહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.