મહેસાણા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાતના પ્રારંભે સૂર્યમંદિર માટે વિખ્યાત મોઢેરાને સૌરઉર્જાથી ઝળહળતું દેશનું પ્રથમ ગામ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દુનિયા જ્યારે પણ સોલાર એનર્જીની વાત કરશે ત્યારે સહુના મુખે પહેલું નામ મોઢેરાનું હશે.
આ પ્રસંગે વડા પ્રધાને મહેસાણા જિલ્લાના રૂ. 3092 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાને મહેસાણની સિવિલ હોસ્પિટલ, પાણ, ગોઝારિયા નેશનલ હાઈવે, દૂધસાગરડેરી પાવડર પ્લાન્ટ અને યુએચટી મિલ્ક પ્લાન્ડ અને ઓએનજીસીના નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ સાબરમતીથી જગુદણને જોડતી રેલવેલાઈનનું ગેજ કન્વર્વઝન પ્રોજેક્ટ, ઓએનજીસીના નંદાસણ પ્રોજેક્ટ, સુજલામ સુફલામમાંથી તળાવ ભરવાનો પ્રોજેક્ટ, ધરોઈ ડેમ આદારિત પ્રોજેક્ટ, બેચરાજી-મોઢેરા- ચાણસ્મા ચાર માર્ગીય પ્રોજેક્ટ, સ્પીપા છાત્રાલય તેમજ ઊંઝા દાસજ-ઉપેરા-લાડોલ રોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક બીઇએસએસ સોલાર પાવર વિલેજ જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે મોઢેરાના ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી. નરેન્દ્ર મોદીના આગમન સમયે મોઢેરા ગામમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો તેમજ ગામના અલગ અલગ સ્થળે રંગોળી તેમજ ઘેર ઘેર તોરણ પણ બંધાયા હતા. પ્રોજેક્ટ માટે રૂ. 80.66 કરોડનો ખર્ચે કરાયો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મહેસાણાના સુજાણપરા ખાતે મોઢેરા સૂર્યમંદિર અને નગરનું સોલરાઈઝેશ શરૂ કર્યું હતું.
મોઢેરા સૂર્યમંદિર ખાતે થ્રી-ડી લાઈટ શોનો પ્રારંભ
વડા પ્રધાને મોઢેરા સૂર્યમંદિર ખાતે થ્રી-ડી લાઈટ શોનું ઉદ્ઘાટન કર્યું હતું અને લાઇટિંગ શો નિહાળ્યો હતો. આ હેરિટેજ લાઇટિંગ્સ અને થ્રી-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે મંદિરની મુલાકાત લઈ શકશે.
સભા બાદ વડા પ્રધાન મોદીએ રોડ શો દ્વારા કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિર પહોંચી દર્શન કરી પૂજાઅર્ચના કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને તે પણ મારી જાતિ જોયા વિના જ, મારી રાજકીય પૃષ્ઠભૂમિ જોયા વિના મને મત આપ્યા છે.
દેલવાડા ખાતે વડા પ્રધાને પોતાના આગવા અંદાજમાં વિરોધીઓને જવાબ આપતાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર ભુક્કા કાઢી નાંખશે. લોકોએ પહેલા પણ મને અને મારી ટીમને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે, આ વખતે પણ આશીર્વાદ આપવાના છે. વડા પ્રધાને પોતાના વતન વડનગરના વિકાસ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, પહેલા ધોરણ 11 પછી ક્યાં ભણવા જવું તે પ્રશ્ન થતો પરંતુ આજની સ્થિતિએ વડનગરમાં મેડિકલ તેમજ આઈટીઆઈ અને એન્જિનિયરીંગ કોલેજ ધમધમી રહી છે.