મોલબોર્નઃ અમદાવાદના ૨૫ વર્ષીય સ્ટુડન્ટ મૌલિન રાઠોડની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તેની ગર્લફ્રેન્ડે તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. ડોક્ટરોએ મૌલિનની જે પ્રાથમિક તપાસ કરી તેમાં મૌલિનને મલ્ટિપલ ફ્રેક્ચર, માથામાં ગંભીર ઇજાઓ અને તેનું ગળું દબાવ્યું હોવાની વાત સામે આવી છે. આના આધારે પોલીસને શંકા છે કે માત્ર ૧૯ વર્ષની યુવતી કોઇ યુવકને આટલી હદે ગંભીર ઇજાઓ પહોંચાડીને તેની હત્યા ના કરી શકે. તેથી જ મૌલિનની હત્યામાં આ યુવતીને અન્ય સશક્ત લોકોએ મદદ કરી હોવાની શંકા છે. મૌલિનના વાસણામાં રહેતા પરિવારને ઘરે જઈને એમ્બેસીના માણસે સમાચાર આપ્યાં હતાં કે તેમનાં પુત્રને ઈજા થઈ છે. મૌલિનનો પિતરાઇ ભાઇ નીરજ ચાવડા પણ મેલબોર્નમાં જ રહે છે. મેલબોર્ન પોલીસે નીરજને જાણ કરતાં તે હોસ્પિટલમાં મૌલિન પાસે પહોંચી ગયો હતો અને તેણે અંતે મૌલિનના મોતનાં સમાચાર પરિવારને મોકલાવ્યાં હતા.
ગુજરાતી સમાજની મદદ
મૌલિનના મૃતદેહને અમદાવાદ પહોંચાડવા પાછળ અંદાજિત રૂ. ૨૦ લાખનો ખર્ચ થાય તેવી આશંકાના પગલે નીરજ દ્વિઘામાં મુકાઇ ગયો હતો. જોકે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમાજ દ્વારા મૃતદેહને ભારત મોકલવા ૮ હજાર ડોલર એકઠા કરાયા હતા.