અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રચંડ બહુમતી સાથે કેસરિયા લહેરાવનાર ભાજપે રાજ્યમાં સાતમી વખત સરકાર રચીને ઇતિહાસ રચ્યો છે. 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા અને 12 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે શાસનધૂરા સંભાળી લીધી છે. પરિણામો જાહેર થયાને સપ્તાહ થવા આવ્યું છે, પણ રાજકીય વિશ્લેષકો હજુ એ વાતે અવઢવમાં છે કે આને મોદી મેજિક ગણવું, ચૂંટણીવ્યૂહની સફળતા સમજવી કે ભાજપ સરકારના કામમાં મતદારોનો ભરોસો સમજવો. નિષ્ણાતો ભલે મૂંઝવણમાં હોય, પણ આમ આદમીના મતે આ મોદી મેજિક છે.
શાસક ભાજપે અભૂતપૂર્વ 156 બેઠકો જીતીને તત્કાલીન મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
182 સભ્યોના વિધાનસભા ગૃહમાં ભાજપે 86 ટકા બેઠકો કબજે કરી છે. વિપક્ષ કોંગ્રેસે તેના ઇતિહાસનો સૌથી ખરાબ દેખાવ કરતાં 17 બેઠક મેળવી છે. અને જે અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓમાં છાતી ઠોકી ઠોકીને સરકાર રચવાના દાવા કરતા હતા તેમની ‘આપ’ માત્ર 5 બેઠક પર સમેટાઇ ગઇ છે.
પ્રધાનમંડળમાં જ્ઞાતિ - જાતિ - પ્રદેશનું સમીકરણ
ગાંધીનગર: સોમવારે રાજ્યની શાસનધૂરા સંભાળનાર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ કોળી સમાજને મળ્યું છે. પટેલે કેબિનેટમાં એક કેબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના કોળી મંત્રીને સમાવ્યા છે. મુખ્યમંત્રી પોતે પાટીદાર છે તે ઉપરાંત કેબિનેટમાં ત્રણ મંત્રીઓ પાટીદાર સમાજના છે, જેમાં બે લેઉવા અને એક કડવા પાટીદાર છે. તે સિવાય અન્ય ઓબીસીમાં આહીર, લુહાર અને ઠાકોર, જ્યારે 2 આદિવાસી તથા દલિત, બ્રાહ્મણ, જૈન અને ક્ષત્રિય સમાજના 1-1 સભ્યને સમાવાયા છે.
આ મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા સભ્ય ભાનુ બાબરિયા છે, જેઓ રાજકોટ ગ્રામ્ય બેઠકથી ચૂંટાયાં છે અને અગાઉ બે ટર્મ માટે ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2017માં તેમને ટિકિટ અપાઇ ન હતી પરંતુ હવે ફરી ચૂંટાતાં તેમને મંત્રી બનાવાયા છે. તે સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 5-5, ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓ અને મધ્ય ગુજરાતના 2 મંત્રીઓ છે. માત્ર સુરત જિલ્લામાાંથી જ 4 મંત્રી છે. કેબિનેટ મંત્રીમાં સૌરાષ્ટ્રના 4, દક્ષિણ ગુજરાતના 1, ઉત્તર ગુજરાતના 2 અને મધ્ય ગુજરાતના એક મંત્રીઓને સમાવાયા છે.
શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ, શુકલ મુખ્ય દંડક
વિસ્તાર અને જ્ઞાતિનું ગણિત સાચવવા વિધાનસભામાં મુખ્ય દંડક (ચીફ વ્હીપ) અને ચાર ઉપદંડક બનાવાયા છે. શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલને મુખ્ય દંડક બનાવાયા છે. આ જગ્યા પર સતત 12 વર્ષ રહેલા નડિયાદના પંકજ દેસાઇને આ વખતે સાઇડલાઇન કરાયા છે. અત્યાર સુધી વિધાનસભામાં ભાજપ દ્વારા મુખ્ય દંડક ઉપરાંત એક પક્ષના દંડક અને એક ઉપદંડકની નિમણૂંક કરવામાં આવતી હતી. આ વખતે વધુ ધારાસભ્યને સમાવવા એક મુખ્ય દંડક ઉપરાંત ચાર ઉપદંડકની નિમણૂંક કરાઈ. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને ઉપદંડક બનાવવામાં આવ્યા છે.
ભાજપનો મતહિસ્સો 52.5 ટકા
ચૂંટણીમાં ભાજપે વોટ હિસ્સો 52.5 ટકા મેળવ્યો છે, જે 2017માં 49.5 ટકા હતો. આમ, ભાજપે છેલ્લે 2017ની તુલનાએ 3.45 ટકા વધુ વોટ હિસ્સા સાથે 57 વધુ બેઠકો મેળવી છે. આ ચૂંટણીમાં 27 વર્ષથી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહેલી કોંગ્રેસ પાર્ટીની દશા મોઢું બતાવવા જેવી પણ રહી નથી, કેમ કે પહેલી વાર 42 યાને 23 ટકા સીટ ઉપર એના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. ગૃહની કુલ 182 બેઠકોમાંથી 10 ટકા બેઠકો પણ કોંગ્રેસને મળી નથી. કોંગ્રેસે અત્યાર સુધી સૌથી ઓછી 33 બેઠકો 1990માં મેળવી હતી. જોકે આ વખતે તે રેકોર્ડ તૂટ્યો છે. 2017 કરતાં વોટશેર પણ 14.12 ટકા ઘટયો છે અને બેઠકો પણ 60 ઘટી છે.
ત્રીજો પક્ષ આ વખતે પણ ફાવ્યો નહીં
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ત્રીજા પક્ષને બહુ ઓછી સફળતા મળી છે, એ વાત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની બાબતમાં પણ સિદ્ધ થઈ છે. આ ચૂંટણીમાં એના માત્ર 5 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, તો એણે ઊભા કરેલા 181 ઉમેદવારો પૈકી 127 એટલે કે 70 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. જોકે 'આપ' માટે આનંદની ઘટના છે કે ચૂંટણીમાં 12.92 ટકા વોટશેર મેળવતાં તેણે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા મેળવી છે.
‘આંદોલનકારી’ઓનો રાજકીય ઉદય
2017ની ચૂંટણી વખતે આંદોલનોમાંથી ત્રણ નેતા - હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણી ચમક્યા હતા. આમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી મોટી લીડથી જીત્યા છે, તો વડગામથી જિગ્નેશ મેવાણી પાતળી લીડથી જીત્યા છે.
પહેલીવાર ગૃહમાં ભગવાધારી ધારાસભ્ય
સફેદપોશ ધારાસભ્યોની વચ્ચે 15મી વિધાનસભામાં પહેલી વાર ભગવાધારી જનપ્રતિનિધી પણ જોવા મળશે. ભરૂચના જંબુસરથી ચૂંટાયેલા ડી.કે. સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે. તદ્ઉપરાંત ગઢડાથી ચૂંટાયેલા શંભુપ્રસાદ ટુંડિયા પણ સાધુ છે.
બે વેવાઈ ગૃહમાં સામસામે બેસશે
સામાજિક સ્તરે સાથેસાથે બેસનારા બે વેવાઈ 15મી વિધાનસભામાં સામસામે બેસશે. ચૂંટણી પૂર્વે પક્ષપલ્ટો કરી કમળના નિશાને તાલાલાથી જીતેલા ભગાભાઈ બારડ અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા વેવાઈ છે. આથી, આ બંને ધારાસભ્ય તરીકે સામસામે બેસીને રાજકારણનું ગાડુ આગળ ધકેલશે. ઢળતી ઉંમરે કોંગ્રેસમાંથી ભાજપ ભેગા થયેલા માનસિંહ રાઠવાના પુત્ર છોટાઉદેપુરમાંથી જીતી ગયા છે. જ્યારે તેમના સસરા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા છે.
માત્ર ત્રણ બળવાખોર ફાવ્યા
ભાજપમાં ટિકિટ નહીં મળતાં આ વખતે મોટી સંખ્યામાં બળવાખોરો ચૂંટણી લડયા હતા, જોકે એમાંથી માત્ર ત્રણ બળવાખોરોને જ ચૂંટણી ફળી છે. ધવલસિંહ ઝાલા બાયડમાંથી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયામાંથી અને માવજી દેસાઈ ધાનેરામાંથી વટકે સાથ ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણીમાં રૂપાણી સરકારના બે મંત્રી જવાહર ચાવડાને માણાવદરમાં અને દિલીપ ઠાકોરને ચાણસ્મામાં તેમજ ભૂપેન્દ્ર પટેલ સરકારના એકમાત્ર મંત્રી કીર્તિસિંહ વાઘેલાને કાંકરેજમાં પરાજયનો સ્વાદ ચાખવો પડયો છે.
પંદરમી ગુજરાત વિધાનસભામાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયા સીટ ઉપરથી ચૂંટાઈ આવ્યા છે, જ્યારે રાજ્ય વિધાનસભામાં ચૂંટણી જંગમાં ઉતરેલી 139 મહિલાઓ પૈકી ભાજપની 14 અને કોંગ્રેસની એક મહિલાને ધારાસભ્યપદ નસીબ થયું છે.
1985માં કોંગ્રેસે વિક્રમી બેઠક અને વોટશેર મેળવ્યા હતા
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બેઠકો જીતવાનો વિક્રમ નોંધાવ્યો છે. આ અગાઉ 1985માં કોંગ્રેસના તે સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 149 બેઠક જીતી હતી. ત્યારથી આ વિક્રમ અજેય હતો. આ વિક્રમ આઠમી ડિસેમ્બરે તૂટી ગયો છે. જોકે વોટશેરનો વિક્રમ ભાજપ તોડી શક્યું નથી. 149 બેઠક મેળવી ત્યારે કોંગ્રેસનો વોટશેર 60.02 ટકા હતો. ભાજપે ભલે 156 બેઠક મેળવી હોય પણ તેનો વોટશેર 52 ટકા રહેવા પામ્યો છે. જોકે માધવસિંહ સોલંકી સમયે માત્ર બે જ મુખ્ય પક્ષ હતા અને વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી. આથી વોટશેરનું પણ વિભાજન થયું છે. ભાજપને 11, અન્યને 14 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ સાથે જ ભાજપને પહેલીવાર 50 ટકાથી વધુનો વોટશેર પણ મળ્યો છે.
મુસ્લિમ પ્રતિનિધિત્વ ત્રણથી ઘટીને હવે એક ઉપર
ગુજરાતમાં કોંગ્રેસે કુલ છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જે પૈકી માંડ એક જ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જમાલપુર ખાડિયા બેઠક પર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો વિજય થયો છે. છેલ્લે 2017ની ચૂંટણીમાં કુલ ત્રણ મુસ્લિમ ધારાસભ્ય હતા, જેમાં દરિયાપુરમાંથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરમાંથી મોહંમદ જાવિદ પીરઝાદાને હારનો સામનો કરવો પડયો છે. આમ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યનું પ્રતિનિધિત્ત્વ ત્રણથી ઘટીને હવે એક ઉપર પહોંચી ગયું છે.