સુરતઃ પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં મહારેલી દ્વારા મહાગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષો પર પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં જણાવ્યું હતું કે, વિપક્ષોનું મહાગઠબંધન ભાજપ વિરોધી નહીં, પરંતુ દેશની જનતા વિરુદ્ધનું છે. જે લોકો કોંગ્રેસની ટીકા કરતા રહે છે તેઓ હવે કોંગ્રેસ સાથે એકજૂથ થઈ રહ્યાં છે. આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચાર વચ્ચેની છે.
સાયલીમાં મેડિકલ કોલેજનો શિલાન્યાસ
મોદીએ દાદરા નગર હવેલીનાં સાયલીમાં લગભગ ૧૮ એકર જમીનમાં આકાર લેનારી ૧૫૦ સીટની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજનાં નિર્માણનો પણ ૧૯મીએ શિલાન્યાસ કર્યો હતો. મોદીએ અહીં જણાવ્યું કે, વર્તમાન સરકાર પઢાઇ, કમાઇ, સિંચાઇ, સુનવાઇનાં ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. ભૂતકાળમાં યોજનામાં એક પરિવારને નામની ચિંતા હતી, પણ આજની સરકાર કામ કરે છે. આજે જનધન યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક લોકકલ્યાણકારી યોજનામાં આગળ મોદીનું નામ ક્યાંય નથી.
વજ્ર તોપના નિર્માણ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં મેઈક ઈન ઈન્ડિયાનાં વિચાર હેઠળ ગુજરાતમાં બનેલી વજ્ર તોપ જોડાશે. એવી જાહેરાત સાથે મોદીએ ૧૯મીએ હજીરામાં કે-નાઈન વજ્ર તોપ લોકાર્પિત કરી તેની સવારી પણ કરી હતી.વજ્ર ગન ૪૭ કિલોના ગોળાને ૪૩ કિમી દૂર ફેંકી શકશે અને ગોળાને લક્ષ્યથી ૧૦ મીટર સુધી વાળી શકાશે. સાઉથ કોરિયા સાથે રૂ. ૪૫૦૦ કરોડના કરાર પ્રમાણે ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં આર્મીને વધુ ૯૦ વજ્ર હોવિત્ઝર ગન લોકાર્પિત પણ કરાશે. જેના માટે હજીરાના એલએન્ડટી જેવી સેક્ટરની કંપનીમાં પ્રથમ વખત નિર્માણ થયેલા આર્મ્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું ૧૯મીએ મોદીએ રાષ્ટ્રાર્પણ કર્યું.
આ પ્રસંગે કેન્દ્રીય સુરક્ષા પ્રધાન નિર્મલા સીતારામન અને દ. કોરિયાના ડિફેન્સ મંત્રાલયના પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન મિનિસ્ટર વોન્ગ જંગ હોંગે હાજરી આપી હતી. જોકે મોદી અને નિર્મલા સીતારામન બંનેએ અા પ્રોજેક્ટ વિશે ભેદી મૌન પાળતા હાજર સર્વેમાં ચર્ચા રહી હતી.
લોન્ચર નિર્માણ કરાશે
ઇસરોના પ્રોજેક્ટ માટે એચએએલ સાથે મળીને એલએન્ડટીએ આ કાર્ય શરૂ કર્યું છે. સેટેલાઇટ લોન્ચ કરવાની કામગીરી ઇસરો અને તેના લોન્ચ પહેલાંની તમામ પ્રક્રિયા એલએન્ડટી દ્વારા થશે. એલએન્ડટીના ૭૫૫ એકર પૈકી ૪૦ એકરના એએસસીમાં અત્યાધુનિક મશીનરી અને ઓટોમેશન સહાયક ઉપકરણો તથા આર્મ્ડ વાહનોના ઉત્પાદન સહિત પૂર્ણ કક્ષાના મોબિલિટી ટેસ્ટ ટ્રેક્સ અહીં છે.