અમદાવાદઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાં સંબોધન કર્યું હતું. જોકે, ઉલ્લેખનીય છે કે ટ્રુડોની આ ટ્રીપમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રહીને ગુજરાત દર્શન કરાવી શક્યા નથી બાકી આ અગાઉના છ મહિનામાં જાપાન અને ઈઝરાયેલના વડા પ્રધાનોએ રાજ્યની મુલાકાત લીધી ત્યારે મોદીએ સ્વયં તેમને ગર્વીલા ગુજરાત અને ખાસ તો ગાંધી આશ્રમના દર્શન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકામાં મોદી દ્વારા વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં સ્વાગત કરાયું છે. જેમાં ચાઇનિસ પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનીઝ વડાપ્રધાન શિંઝો આબે, અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી અને સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી જનરલ બાન કી મૂન સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. કાઇટ ફેસ્ટિવલ નિમિત્તે ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૧૦૦ જેટલા દેશના નેતાઓને ગુજરાત આવકારી ચૂક્યું છે.
પતંગ ઉડાડવાની મજા સાથે આધુનિક કરાર
ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ખુદ વડા પ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને નેતન્યાહૂ દંપતીનું સ્વાગત કર્યું હતું. નેતન્યાહૂની ભારત મુલાકાત દરમિયાન ભારત – ઈઝરાયેલ વચ્ચે ૯ કરાર થયા હતા. આ કરારોમાં રોકાણ, અંતરિક્ષ ટેકનિક અંગે કરારો, એવિએશન સેક્ટરમાં સંધિ, આયુર્વેદ-હોમીયોપેથને લઈને કરાર, સોલર-થર્મલ ટેક્નોલોજીને લઈને કરાર પર હસ્તાક્ષર થયાં હતાં.
૧૭મી જાન્યુઆરીએ નેતન્યાહૂ-મોદીએ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સુધીનો (૮ કિમી) રોડ શો કરીને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂ તથા તેમનાં પત્ની સારાએ ચરખો કાંત્યો હતો. સારાએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યાં હતાં. નેતન્યાહૂએ મોદી સાથે પતંગ ઉડાડવાની મજા પણ લીધી હતી. બાવળાના આઈ-ક્રિયેટ સંસ્થાની મુલાકાત તથા પ્રાતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત પણ બંનેએ લીધી હતી. નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે હાઈફાની મુક્તિ દરમિયાન જે ભારતીય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું તેમનાના અનેક ગુજરાતી હતાં.
આ માટે ગુજરાતને ધન્યવાદ. આ સાથે મોદી જેમને તેમના પ્રિય મિત્ર ગણાવે છે તે દોસ્ત નેતન્યાહૂ મોદી માટે ખાસ મોબાઈલ વોટર પ્યુરિફિકેશન જીપ ગિફ્ટ તરીકે લાવ્યા હતા. આ જીપની ખાસિયત એ છે કે તે સમુદ્રના ખારા પાણીને ફિલ્ટર કરીને પીવા લાયક બનાવે છે. જીપની કિંમત અંદાજે રૂ. ૭૨ લાખ છે. જે મોદીએ નડાબેટ સરહદે સાચવવાની જાહેરાત કરી હતી.
ગુજરાતદર્શન સાથે ૧૫ કરાર
જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ તેમનાં પત્ની અકી તથા જાપાની ડેલિગેશન સાથે ૧૩-૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ એમ બે દિવસીય ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે ગુજરાતની મહેમાનગતિ માણી હતી. રાજધાનીના બદલે તેઓ સીધા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યાંથી જ વિદાય લીધી ત્યારે દંપતીએ પૂર્ણ ગુજરાતી શૈલી પહેરવેશ રીત સાથે પ્રવાસ ગુજરાતી વડા પ્રધાનના સાંનિધ્યમાં માણ્યો હતો. ગુજરાતી પહેરવેશમાં આબે દંપતીએ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શોમાં દાંડિયા માણ્યા હતા. આ દંપતીએ પણ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને સીદી સૈયદની જાળી નિહાળી હતી.
અગાશીયાનું ગુજરાતી જમણ હોંશે હોંશે લીધું હતું તો આબે સાથે મોદીની બંધબારણે બેઠક પણ યોજાઈ હતી. બીજા દિવસે (૧૪મીએ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. રાજ્યની સંસ્કૃતિની ઝાંખી સાથે કરારો અને બિઝનેસ સમીટની પરંપરાને જાળવતાં મહાત્મા મંદિરમાં જાપાનના ડેલિગેશન સાથે ચર્ચા હતી. આબેની સાથે ૧૫ જાપાનીઝ કંપનીઓના પ્રમુખોએ ગુજરાતની મહેમાનગતિ માણવા સાથે ૧૫ મહત્ત્વના કરાર કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ભારતમાં સૌ પહેલાં ગુજરાત આવ્યાં હતા અને અમદાવાદ એર પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચીનના રાષ્ટ્રપતિ એ તેમના પત્ની સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ઝૂલા પર બેસીને પડાવેલો ફોટો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને મોદી - જિનપિંગની રિવરફ્રન્ટ પરની ‘વોક ધ ટોક’ થઈ હતી. મોદી અને જિનપિંગે ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી.