અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી મોદીને ક્લીન ચીટના કેસમાં ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી ફગાવી દેવાયાના પગલે સુપ્રીમ કોર્ટે કરેલા આકરાં અવલોકનોના સંદર્ભમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તિસ્તા સેતલવાડ, પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર સામે રમખાણોના મામલે બનાવટી દસ્તાવેજો બનાવી, ખોટા પુરાવા ઊભા કરી, સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવા સહિતના ગુનાઓની ફરિયાદ દાખલ કરી. તરત જ ગુજરાત એટીએસની એક ટીમે તિસ્તા સેતલવાડની તેમના જુહુ, મુંબઈ ખાતેના નિવાસેથી અટકાયત કરી છે.
જ્યારે આર.બી. શ્રીકુમારને પાઠવેલા સમન્સના પગલે તેઓ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે હાજર થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ હાલ ડ્રગ્સના બનાવટી કેસમાં પાલનપુર જેલમાં હોવાથી તેમને અમદાવાદ લાવી ધરપકડ કરવાની તજવીજ થઈ રહી છે.
ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણો અને ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિતના મૃત્યુ બાબતે સુપ્રીમ કોર્ટ રચિત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ એસઆઈટીએ પૂર્વ મુખ્યમત્રી નરેન્દ્ર મોદી સહિતનાઓને ક્લિન ચીટ આપી હતી. તેની સામે અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરી અને એનજીઓના વડા તિસ્તા સેતલવાડે કરેલી પિટિશનને ગુરૂવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. એટલું જ નહીં, માત્ર સનસાટી માટે રમખાણોના મુદ્દે 16 વર્ષ સુધી વિવાદ સળગતો રાકવા અને એસઆઈટીએ કરેલી અભૂતપૂર્વ કામગીરી, તપાસને બદનામ કરવાના ઈરાદે તિસ્તા, પૂર્વ આઈપીએસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમારની આકરી ટીકા કરી તેમની સામે પગલાં ભરવા જોઈએ તેવું અવલોકન કર્યું હતું.
કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો
આરોપી તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે યોજનાબદ્ધ કાવતરું રચીને બોગસ દસ્તાવેજો બનાવીને કોઈ નિર્દોષ વ્યક્તિને આજીવન કેદની સજા થાય તે પ્રકારની કલમો લગાવવામાં આવી છે. જેમાં આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી સહિતની કલમો દાખલ કરાઈ છે.
તિસ્તા સેતલવાડની ભૂમિકાઃ સિટિઝન ફોર સોશિયલ જસ્ટિસ એન્ડ પીસ નામની સંસ્થાની વડા તરીકે તિસ્તા સેતલવાડ હતી. તિસ્તા ગોધરાકાંડ બાદ ઝાકિયા જાફરીના સંપર્કમાં આવી અને આર.બી. શ્રીકુમાર સાથે ઝાકિયા જાફરીની મુલાકાત કરાવી હતી. તિસ્તાએ ઝાકિયા જાફરીને ફરિયાદ કરવા માટે તૈયાર કરી હતી અને નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જવાની સલાહ પણ તિસ્તાએ આપી હતી. એટલું જ નહીં, તિસ્તાએ જ 19 સાક્ષીઓના નિવેદન તૈયાર કરીને આપ્યા હતા અને એ જ નિવેદનો કોર્ટમાં રજૂ થયાં હતાં. તિસ્તાએ બોગસ દસ્તાવેજો પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તેણે ઉપજાવેલી હકીકતો કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં દસ્તાવેજોનો છેડછાડનો નહિ, પરંતુ અગાઉથી તૈયાર કરેલા સોગંદનામા કરવા માટે તેને દબાણ કરેલ હતું. તેમજ કોઈ પણ રીતે સરકારને બદનામ કરવાનું ગુનાહિત કૃત્ય તિસ્તા સેતલવાડની મહત્ત્વની ભૂમિકા છે.
સંજીવ ભટ્ટની ભૂમિકાઃ સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. 2002ના રમખાણોની તપાસ માટે નીમાયેલા જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. સંજીવ ભટ્ટે 2011માં એક એફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી 2002માં સીએમ નિવાસે અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવાની વાત કરી હતી. જોકે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા અને જેના કોઈ સાક્ષી કે, પુરાવા પણ નથી. સંજીવ ભટ્ટે પંચ સમક્ષ બનાવટી એફિડેવિટ કરીને મોદી સામે આક્ષેપો કર્યા હતા.
આર.બી. શ્રીકુમારની ભૂમિકાઃ ડીજીપી શ્રીકુમાર 1971ની બેચના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં નવ સોગંદનામા દાખલ કર્યા હતા. 2002માં રાજ્યમાં ગુપ્તચર શાખાના વડા હતા. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવા આદેશ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે હાઈ કોર્ટમાં અપીલ કરીને નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. તેમનો આરોપ હતો કે, પીડીતોને કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ મળ્યું નથી. નાણાવટી કમિશન સમક્ષ શ્રીકુમારે સોગંદનામુ રજૂ કર્યું હતુ. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ હતા. તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.