અમદાવાદઃ દેશભરમાં ગુજરાત જાણે નશીલા પદાર્થો ઘૂસાડવાનું પ્રવેશદ્વાર બની ગયું હોય તેમ એકાંતરા દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. પહેલાં મુન્દ્રામાંથીરૂ. ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડાયું. આ બનાવની તપાસ હજુ પૂરી નથી થઇ ત્યાં ગયા સપ્તાહે દ્વારકાના સલાયામાંથી રૂ. ૩૧૫ કરોડનો જથ્થો ઝડપાયો હતો અને હવે સોમવારે મોરબીમાંથી રૂ. ૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાતા રાજ્ય સરકારમાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે પકડાયેલા ડ્રગ્સના આ તમામ જથ્થામાં પાકિસ્તાન કનેકશન ખૂલ્યું છે.
મોરબીના ઝીંઝુડા ગામમાં એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. મોરબીના ઝીંઝુડામાંથી ૧૨૦ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો હતો. જેની કિંમત અંદાજે ૬૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મોરબીથી ઝડપાયેલા ડ્રગ્સમાં ચોંકાવનારા એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. ૧૫ દિવસ પહેલા હેરોઇન મોરબી પહોંચ્યું હતું. આશરે ૬૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ પાકિસ્તાનથી નીકળી માળીયામિયાણા થઈને મોરબી પહોંચ્યુ હતુ. ડ્રગ પેડલરની નવી ગેંગ એક્ટિવ થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એ.ટી.એસ. દ્વારા ૧૨૦ કિ.ગ્રા. કિંમત રૂ. ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપી શમસુદ્દીન મનવર પીરઝાદા, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર પકડાયા છે.
ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક અઠવાડિયા પહેલા જ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.
દોરા-ધાગા કરનારને ત્યાં ડ્રગ્સનો જથ્થો
ઝીંઝુડા ગામે જેના ઘરમાં ૬૦૦ કરોડના હેરોઈનના ૧૦૦ મોટા બોક્સ ૧૫ દિવસથી પડ્યા હતા એ સમસુદ્દીન ગ્રામજનોની આંખમાં ધૂળ નાંખવા દોરા-ધાગાનું કામ કરે છે. ૧૮૦૦ લોકોની વસ્તી ધરાવતા ઝીંઝુડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને કોળી સમાજની વસ્તી છે. હેરોઈન ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ પોતાના ઘરમાં છુપાવનારો સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના ખીજડિયાનો વતી છે અને ઝીંઝુડા ગામનો ભાણેજ હોઈ છેલ્લા દોઢેક વર્ષથી તે આ ગામમાં રહેવા આવ્યો હોવાનું અને દોરા-ધાગા ઉપરાંત જોવાનું કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું ગામના લોકો જણાવે છે. દોરા-ધાગાનું કામ કરતો હોઈ લોકોની વ્યાપક અવરજવર તેના ઘરે રહેતી હોય લોકોને આવા ગોરખધંધા અંગે કોઈ જાણકારી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઝીંઝુડા ગામે પકડાયેલા ડ્રગ્સ કૌભાંડમાં સમસુદ્દીનને ડ્રગ્સ છુપાવવા માટે ૧૫ હજાર મળ્યા હોવાનું કહેવાય છે. ગત તા. ૩૧ના રોજ ડ્રગ્સનો જથ્થો અહીં લવાયો હતો. ૧૦૦ જેટલા મોટા બોક્સમાં ૪૫૦ છૂટક પડીકા ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
દરિયાઇ માર્ગે હેરાફેરી
જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા અને ગુલામ ભગાડ દ્વારા પાકિસ્તાનથી હેરોઈનનું કન્સાઈન્મેન્ટ દરિયાઈ માર્ગે મંગાવ્યું હતું. હેરોઈનનો જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દહગાહ પાસે આવેલા સમસુદ્દીન સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા મકાનમાં છુપાવ્યું હતું. આ હેરોઈનની ડિલિવરી રાત્રિના અંધારામાં કરી દેવાની હતી પહેલાં એટીએસની ટીમે દરોડા પાડીને મકાનમાં ૬૦૦ કરોડનું હેરોઈન જપ્ત કરી લીધું છે. પોલીસે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજુ નૂર મોહમ્મદ રાવ (જામનગર) અને સમુદ્દીન હુસૈનમીયાં સૈયા (મોરબી) તેમજ ગુલામ હુસૈન ઉંમર ભગાડ (જામનગર)ની ધરપકડ કરી છે.
ડ્રગ્સ માફિયાઓએ કબૂલાત કરી છે કે હેરોઈન ગુલામ, જબ્બાર અને ઈસા રાવે પાકિસ્તાનથી ઝાહિદ બશીર બલોચ પાસેથી દરિયાઈ માર્ગે મંગાવ્યું હતું. જેની ઓક્ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં મધદરિયે ડિલીવરી લીધી હતી. ડિલીવરી લઈને હેરોઈન સલાયા બંદરે લાવીને છૂપાવ્યું હતું. પાક. અને ઈરાની દાણચોરોની મોડેસ ઓપરેન્ડી એવી છે કે ઈન્ડો-પાક મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન પર હેરોઈનની ડિલીવરી ગુજરાતના માફિયાઓને કરવામાં આવે છે. ગુજરાતના લોકલ ડ્રગ્સ માફિયાઓ ડિલિવરી કેવી રીતે લેવી અને કેવી રીતે બહાર લઈ જવું તેનું પ્લાનિંગ કરે છે.
યુએઈમાં ડ્રગ્સ માફિયાઓ સાથે મિટિંગ
ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથે મિટિંગ કરવા માટે ગુલાબ અને જબ્બાર અવારનવાર દુબઈ અને યુએઈ જતા હતા અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટના સભ્યો સાથે યુએઈમાં સોમાલી કેન્ટિમાં મિટિંગ કરી હેરોઈનની મધ્ય દરિયામાં ડિલીવરી કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરતા હતા. હાલ ઈન્ડોનેશિયાની જેલમાં કેદ અને પાકિસ્તાનના ઝાહિદ બલોચ દ્વારા ગુજરાતના દરિયાકાંઠે હેરોઈનનું કન્સાઈન્મેન્ટ સપ્લાય કરાયું હતું. તેની સામે ડીઆરઆઈએ ૨૦૧૯માં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં ઝાહિદ વોન્ટેડ છે. ડીઆરઆઈની ટીમે ૨૨૭ કિ.ગ્રા. હેરોઈન જપ્ત કર્યું હતું.
સલાયામાંથી રૂ. ૩૧૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
દ્વારકાના સલાયામાંથી એસઓજીએ બાતમી આધારે રૂ. ૩૧૫ કરોડના ડ્રગ્સ સાથે ત્રિપુટીને ઝડપી લીધા બાદ ૯ દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા આ ડ્રગ્સ કારા બંધુઓએ બે માછીમારો મારફ્તે પાકિસ્તાની બોટનો વાયરલેસથી સંપર્ક કરી જાળ નીચે છૂપાવી મંગાવ્યું હોવાનું જાણવા મળતા પોલીસે સલાયાના બંને માછીમારોને પણ દબોચી લઇ બોટ કબજે કરી છે.
ડ્રગ્સનું એપી સેન્ટર બની રહેલા દ્વારકા જીલ્લાના ખંભાળિયાના સલાયા ખાતેના પોલીસ વડાને મળેલી બાતમીના આધારે મુંબઈના સજ્જાદ સિકંદર ઘોસીને ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો હતો. તેની પુછતાછમાં સલાયાના સલીમ યાકુબ અબ્દુલ્લા કારા અને અલી અસગરભાઈ યાકુબભાઈ અબ્દુલ્લાભાઈ કારાનું નામ ખુલતા તેના ઘરે દરોડો પાડતા ત્યાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા પોલીસે રૂ. ૩૧૫ કરોડની કિમતનું ૬૩ કિલો ૧૯ ગ્રામ ડ્રગ્સ કબજે કરી ત્રીપુટીના ૯ દિવસના રિમાન્ડ મેળવી તપાસ વેગવંતી કરી છે.