શિકાગોઃ અમેરિકાના યુ-કેટેગરીના વિઝા મેળવવા માટે શ્રેણીબદ્ધ સશસ્ત્ર નકલી લૂંટનું નાટક કરનાર ચાર ગુજરાતીઓ સહિત છ જણાની શિકાગો પોલીસે ધરપકડ કરી છે અને ફેડરલ કોર્ટમાં આરોપીઓ સામે આરોપનામું ઘડાયું હતું. આરોપીઓએ પોતે લૂંટનો ભોગ બન્યાં હોવાનું દર્શાવી ગુનાઓનો ભોગ બનેલાં પીડિતોને અપાતા વિશિષ્ટ કેટેગરીના ઈમિગ્રેશન વિઝા લેવા માટે આ સમગ્ર ખેલ કર્યો હતો.
આ ઘટનામાં પકડાયેલા લોકોમાં વૂડરિજમાં રહેતાં પાર્થ નાઈ (26), એલિઝાબેથ ટાઉન- કેન્ટકીના ભીખાભાઈ પટેલ (51), જેક્સન-ટેનેસીના નીલેશ પટેલ (32), રેસિન-વિસ્કોન્સિનના રવિના પટેલ (23), જેક્સનવિલે-ફ્લોરિડાના રજનીકુમાર પટેલ (32) તથા મેન્સફિલ્ડ- ઓહિયોના કેવોન યંગ (31)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ પર વિઝા ફ્રોડનો આરોપ મુકાયો છે. જ્યારે રવિના પટેલ પર વિઝા અરજીમાં ખોટું નિવેદન આપવાનો પણ આરોપ છે.
આરોપીઓએ શિકાગો, લુઈસિયાના તથા ટેનેસી વિસ્તારોમાં આવેલા ગેસ સ્ટેશન, રેસ્ટોરાં તથા લિકર સ્ટોર્સમાં લૂંટનું તરકટ રચવા માટે કેટલાંક લોકોની લૂંટારા તરીકે ભરતી પણ કરી હતી.
સરકારી વકીલના જણાવ્યાં અનુસાર, પાર્થ નાઈ તથા યંગે જુલા-2022થી જાન્યુઆરી-2024 દરમિયાન શ્રેણીબદ્ધ સશસ્ત્ર નકલી લૂંટનું તરકટ રચ્યું હતું. આ તરકટમાં ચાર જણાએ પોતે પીડિત હોવાનું નાટક કર્યું હતું જેથી તેઓ યુ-વિઝા માટે અરજી કરી શકે. યુ-વિઝા એ અમેરિકામાં ગુનાઓનો ભોગ બનેલાં પીડિતો માટે અનામત વિઝાની કેટેગરી છે. આ સમગ્ર ગુનાઈત ષડયંત્રમાં ભાગ લેવા માટે પટેલોએ નાઈને હજારો ડોલર આપ્યાં હતાં. તેમણે તેને ક્યારે, કઈ જગ્યાએ લૂંટનું નાટક કરવાનું છે તેની પણ સૂચના આપી હતી.
આ નકલી લૂંટની ઘટનાઓ દરમિયાન લૂંટારાઓની ભૂમિકામાં રહેલા લોકો, પીડિતની ભૂમિકામાં રહેલાં લોકો સામે બંદૂક તાણી તેમની પાસેથી પૈસા અને વસ્તુઓ છીનવી ભાગી જતાં હતાં. કેટલાંક કિસ્સાઓમાં નાઈ અને યંગને નકલી પીડિતોને માર મારવાની પણ સૂચના અપાઈ હતી, જેથી કોઈને શંકા ના જાય. પોલીસના ચોપડે સમગ્ર ઘટના નોંધાઈ ગયાના થોડાં સમય બાદ તેઓ પીડિત હોવાનું દર્શાવી યુ-વિઝા માટે અરજી કરતાં હતાં.
અમેરિકામાં ગુનાનો ભોગ બનેલાઓ માટે અલગથી યુ-વિઝા આપવામાં આવે છે. જો કોઈ ગુનામાં વ્યક્તિ માનસિક અથવા શારીરિક શોષણનો ભોગ બની હોય તેવા કિસ્સાઓમાં પીડિતને યુ-વિઝા જારી કરાય છે.