અબુ ધાબીઃ કોરોના વાઈરસ મહામારી શરૂ થયાં પછી દુનિયાના મોટાભાગમાં જાણે કે સમય થંભી ગયો હતો. પરંતુ, યુએઈમાં નવા નવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા હતા. નિર્માણ હેઠળના સ્કાયસ્ક્રેપર્સ વધુ ઉંચાઈએ પહોંચી રહ્યા છે. જમીનોના પ્લોટ ક્લિયર કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વર્ષ મેગા પ્રોજેક્ટસ માટેના વર્ષ તરીકે આકાર લઈ રહ્યું છે. માત્ર દુબઈ અને અબુધાબીમાં જ નહીં, ઉત્તર અમીરાતમાં પણ નવા પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે.
BAPS મંદિર – UAEનું પ્રથમ હિંદુ મંદિર
અબુધાબીમાં અબુ મુરૈખા સાઈટ પર BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણકાર્ય ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આ મંદિરના ફાઉન્ડેશનનું કામ ચાલુ મહિનાના એટલે કે એપ્રિલ ૨૦૨૧ના અંત સુધીમાં પૂરું થવાની આશા છે. તે પછીના મહિનાઓમાં બહારના સ્ટ્રક્ચરનું કામકાજ શરૂ થશે. આ મંદિરના નિર્માણમાં સ્ટીલ અથવા લોહ ધાતુઓનો ઉપયોગ કરાવાનો નથી તેમજ પરંપરાગત ભારતીય સ્થાપત્યકળાને અપનાવી નિર્માણ કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં દુબઈ ઓપેરા હાઉસ ખાતેથી વીડિયો કોન્ફરન્સિંગ મારફત આ મંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૩૦૦૦થી વધુ કારીગરો ૫૦૦૦ ટનના ઈટાલિયન કરારા આરસમાંથી મૂર્તિઓ અને પ્રતિમાઓની કોતરણીના કાર્યમાં જોડાયેલા છે. મંદિરના બહારના હિસ્સામાં ૧૨,૨૫૦ ટન ગુલાબી રેતપથ્થરનો ઉપયોગ કરાશે.
આ મંદિર યુનાઈટેડ આરબ અમીરાતનું પ્રથમ હિંદુ મંદિર છે. ૨૦૨૩માં આ BAPS મંદિર ખૂલશે ત્યારે તે તમામ ધર્મના લોકોને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ વિશે જાણવા અને શીખવા માટે દેશનું સૌથી મોટું કેન્દ્ર બનશે. તેમાં એમ્ફીથિયેટર, પ્રેયર હોલ્સ, લાઈબ્રેરી, કોમ્યુનિટી સેન્ટર, બાળકો માટે પ્લે એરિયા, પાર્ક્સ, વિઝિટર સેન્ટર અને ફૂડ કોર્ટ્સ હશે.
અન્ય નિર્માણાધીન મેગા પ્રોજેક્ટ્સ
આ ઉપરાંત, ૪૫૦થી વધુ સ્ટોર, એક હાઈપર માર્કેટ, બે ફૂડ કોર્ટ અને એક મલ્ટિ પ્લેક્સ સિનેમા તેમજ સ્કી દુબઈ કરતાં ચાર ગણો મોટો સ્નો અબુ ધાબી સાથેનો રીમ મોલ, ૨૩૧ નિવાસસ્થાન અને ૭૯૫ ગેસ્ટ સ્વીટ્સ સાથે જમીનતી ૯૦ મીટરની ઊંચાઈ પરના સ્વિમિંગ સાથેનો રોયલ એટલાન્ટિસ રિસોર્ટ, કલાકના ૮,૫૦૦ મુસાફરોની પ્રોસેસની ક્ષમતા અને ૭૪૨,૦૦૦ ચો.મી.જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું મીડફિલ્ડ ટર્મિનલ સહિતના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે. અન્ય આકર્ષણોમાં મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર, એક્સ્પો ૨૦૨૦ સાઈટ, મેડેન વન મોલ, અલ કાના, ફેરમોન્ટ મરીના અબુ ધાબી, જુબૈલ આઈલેન્ડ, સી વર્લ્ડ અબુ ધાબી, વન ઝાબિલ, યસ બે, સિયેલ દુબઈ, દુબઈ કોમર્સિટીનો સમાવેશ થાય છે.