વોશિંગ્ટન: અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને દોષિત જાહેર કર્યો છે. હેરીની સાથે ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શેડને પણ દોષિત જાહેર કરાયો છે. ડર્ટી હેરી અને શેડ જ હ્યુમન ટ્રાફિકિંગના સંચાલનનો હિસ્સો હતાં, જેમણે મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવી હતી. અહેવાલો અનુસાર હેરી અને શેડને 20 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.
ઉત્તર ગુજરાતના ડિંગુચા ગામના પટેલ પરિવારે હેરીને અમેરિકામાં પ્રવેશ કરવા જંગી રકમ ચૂકવી હતી. જયૂરીએ બન્ને આરોપીઓની ટીકા કરતાં જણાવ્યું હતું કે તમારી થોડા ડોલર કમાવાની લાલચે એક સમગ્ર પરિવારને દુઃખદ મોત અપાવ્યું છે.
ડિંગુચાના પરિવારને અમેરિકાના બદલે મોત મળ્યું
અત્રે નોંધનીય છે કે 19 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતના રહેવાસી જગદીશ પટેલ (39વર્ષ) તેની પત્ની વૈશાલીબહેન (30 વર્ષ), પુત્રી વિહાંગી (11 વર્ષ) અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક અમેરિકા અને કેનેડાની સરહદ પાસેના કેનેડાના મેનિટોબા પ્રાંતના એમર્સન શહેર પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતાં. તમામના ઠંડીના કારણે મોત થયાં હોવાનું જાહેર થયું હતું. ગુજરાતનો આ પરિવાર હેરી અને શેડની યોજના અનુસાર જ ભારે ઠંડી વચ્ચે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. અમેરિકામાં વસવાટ કરવાનું સપનું સાચું પડવાના બદલે અકાળ મોત મળ્યું હતું.
જગદીશ પટેલે મદદ માટે ફોન કર્યો હતો
19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતાં ઠંડીમાં ઠુઠવાઈને મોતને ભેટેલાં જગદીશ પટેલ તથા તેમના પરિવારનો મિનેસોટાની ફેડરલ કોર્ટમા ચાલી રહેલાં ખટલાના બીજા દિવસે મંગળવારે માનવ તસ્કરી માટે કસુરવાર ઠરેલાં રાજિન્દરપાલ સિંઘે જુબાની આપતાં જણાવ્યું હતું કે જગદીશ પટેલે તેમને મોકલનાર ફેનિલ પટેલને સહાય કરવા માટે ફોન કરી જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અહીં ભયંકર ઠંડી પડે છે અને અમારા બાળકો આ ઠંડી સહી શકે તેમ નથી, પણ તેમને કોઇ સહાય મળી નહોતી. ઉલ્ટું તમને ફોન પર જણાવાયું હતું કે અમને યુએસ સરહદમાં તેમને લઈ જનારો ડ્રાઈવર મળ્યો નથી તેથી તેમણે યુએસ તરફ જવાને બદલે અન્ય ભારતીય ગ્રૂપ સાથે પાછાં કેનેડા જતાં રહેવું જોઇએ. જગદીશ પટેલ અને વૈશાલીબેન પટેલ તથા તેમના બે સંતાનોનો પરિવાર યુએસ સરહદ માત્ર બાર મીટરના અંતરે ઠંડીમાં થીજી જઈ મોતને ભેટ્યો હતો.