લૂઇસવિલે (કેન્ટકી)ઃ યુએસના કેન્ટકી સ્ટેટના લૂઇસવિલે સિટીમાં કેટલાક તોફાની તત્વોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશીને તોડફોડ કરતાં હરિભક્તોમાં આક્રોશ સાથે ચિંતાની લાગણી ફરી વળી છે. તોફાનીઓ જે પ્રકારે મંદિરમાં તોડફોડ કરીને અંદર પ્રવેશ્યા છે અને અંદરની દિવાલ પર ‘જિસસ એ જ એકમાત્ર ઈશ્વર છે’ લખાણ લખ્યું છે તે જોતાં સ્થાનિક પોલીસ આ હુમલાને રિલિજિયસ હેટક્રાઇમ સાથે સાંકળે છે. પોલીસ ડિપાર્ટમેન્ટે સ્થાનિક સમુદાયને હુમલાખોરોને પકડી પાડવામાં મદદરૂપ થવાની અપીલ કરવાની સાથોસાથ મંદિરમાં થયેલા નુકસાનના સમારકામ અને સાફસફાઇમાં પણ મદદરૂપ થવા અપીલ કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ તોફાની તત્વો મંદિરની બારી-દરવાજા તોડી નાખીને અંદર પ્રવેશ્યા હતા અને દીવાલ પર પણ અભદ્ર સંદેશા લખવાની સાથે આપત્તિજનક ચિત્ર પણ બનાવ્યા હતા. તોફાનીઓએ ગર્ભગૃહમાં પ્રવેશીને પ્રતિમાના ચહેરા પર કાળો રંગ લગાવીને અંદરની દિવાલ પર ‘જિસસ એ જ એક માત્ર ઈશ્વર છે’ લખાણ લખ્યું છે. મંદિરના તમામ કબાટ પણ ખાલી મળી આવ્યા છે. મુખ્ય સભાગૃહમાં રાખવામાં આવેલી ખુરશી પર પણ ચાકુના ઘા કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રિથી મંગળવારે સવાર દરમિયાન આ ઘટના બની હોવાનું નોંધાયું છે.
લૂઈસવિલેમાં બાર્ડ્સટાઉન રોડ પર પાંચ વર્ષ પૂર્વે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઇ છે. હુમલાની આકરા શબ્દોમાં વખોડતાં મંદિરના પ્રવક્તા રાજ પટેલે કહ્યું કે, રવિવાર મોડી સાંજથી મંગળવાર વહેલી સવાર દરમિયાન આ હુમલો થયો છે. જોકે, તે સમયે કોઈ મંદિરમાં હાજર નહોતું. દર રવિવારે આ મંદિરમાં ૬૦થી ૧૦૦ હિન્દુ શ્રદ્ધાળુઓ પ્રાર્થનામાં હાજરી આપતા હોય છે.
તેમણે કહ્યું હતું કે આ એક નિંદનીય ઘટના છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં મંદિર પરના હુમલા વધી રહ્યા છે. ટેક્સાસમાં એપ્રિલ ૨૦૧૫માં હિન્દુ મંદિરમાં આપત્તિજનક પેમ્ફલેટ્સ ફેંકાયા હતા. દીવાલો પર પણ રંગ ફેંકાયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૫માં કેન્ટ અને સિએટલના મંદિરોમાં તોડફોડ કરાઈ હતી.
લુઈસવિલેમાં રહેતા ભારતીય અમેરિકનોમાં આ ઘટનાના રોષનું મોજું ફરી વળ્યું છે તો સાથોસાથ દહેશતની લાગણી પણ પ્રવર્તે છે. કેન્ટકી પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ આ કિસ્સાને રિલિજિયસ હેટક્રાઇમ માનીને તપાસ કરી રહી છે. લુઈસવિલેના મેયર ગ્રેગ ફીશરે લોકોને આવી ઘટનાનો ઉગ્ર વિરોધ કરવા જણાવ્યું છે.
લુઇસવિલે મેટ્રોપોલીસના વડા સ્ટીવ કોનરોડે કહ્યું કે અહીં આ પ્રકારની ઘટના વધી રહી છે. અગાઉ ઇસ્લામિક સેન્ટર અને ગુરુદ્વારા પર પણ હુમલા થઈ ચૂક્યા છે. ૨૦૧૨માં વિસકોન્સિનમાં મંદિરમાં ગોળીબાર થયો હતો.
કેન્ટકીની જનરલ એસેમ્બલીમાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ ભારતીય-અમેરિકન નીમા કુલકર્ણીએ આ હુમલાને ભાગલાવાદી કૃત્ય ગણાવ્યું હતું. કોંગ્રેસમેન જ્હોન યારમથે ટ્વિટ કરીને એવો પ્રતિભાવ આપ્યો હતો કે, આ હુમલો એ એક કાયરતાપૂર્ણ ઘટના છે અને આપણા સમાજમાં હજુ પણ ધર્માંધ લોકો મોજુદ છે તેનો પુરાવો છે.