મહેસાણાઃ ગણપત યુનિ.ના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધીમાં રૂ. ૬૦ કરોડ જેવી માતબર રકમનું દાન કર્યું છે. હજુ બીજા રૂ. ૪૧ કરોડનું દાન આપવાની એમની ભાવના છે. આમ કુલ રૂ. ૧૦૧ કરોડ જેવું માતબર દાન દેશના કોઈ એક માણસના વ્યક્તિગત દાન તરીકે મોટું દાન બની રહેશે. ગણપત યુનિ.ના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલના જન્મદિવસને દર વર્ષે યુનિવર્સિટી ‘વિદ્યા સમાજોત્કર્ષ’ દિવસ તરીકે ઊજવે છે. એ જ પરંપરાને અનુસરતાં આ વર્ષે પણ ૧૨ જાન્યુઆરીના દિવસે ગણપતભાઈ પટેલના જન્મદિવસની ઊજવણીના ભાગરૂપે ‘એથિક્સ એન્ડ વેલ્યૂઝ’ વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે વક્તા તરીકે ગાંધીનગર અક્ષરધામના સાધુ આનંદસ્વરૂપદાસ સ્વામી પધાર્યા હતા. ખાસ મહેમાન તરીકે દેશના કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, ગણપતભાઈને સમગ્ર યુનિ. પરિવારના દાદાના લાડકા નામે સંબોધી એમના પ્રત્યેના પ્રેમ અને આદર વ્યક્ત કરે છે. ગણપતદાદાની ભાવના અને પ્રતિબદ્ધતા છે કે ગણપત યુનિ.ને સ્ટેનફર્ડ યુનિ.ની કક્ષાએ વિક્સિત કરવી.