ગાંધીનગરઃ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ તબક્કાવાર પરત ફરી રહ્યા છે. જોકે હજુ પણ રાજ્યના 954 વિદ્યાર્થી યૂક્રેનમાં જ ફસાયા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકારે ફસાયેલા લોકોની યાદી કેન્દ્ર સરકારને મોકલી છે. અત્યાર સુધીમાં ૧૧૫ ગુજરાતી સ્વદેશ પરત આવ્યા છે.
અહેવાલ મુજબ યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પોલેન્ડ કે રોમાનિયાની સરહદે પહોંચવા મથી રહ્યા છે ત્યારે કેટલાક પાકિસ્તાની અને નાઈજિરિયન વિદ્યાર્થી તેમની મારપીટ કરી તેમનો સામાન પણ લૂંટી લેતા હોવાની ફરિયાદ તેમના વાલીઓએ સચિવાલયમાં મહેસૂલ મંત્રીને કરી હતી. અન્ય દેશોના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિદ્યાર્થીઓ પાસેથી તિરંગો પણ આંચકી લીધો હતો. વાલીઓએ કહ્યું કે ગુજરાતના 80થી 85 જેટલા વિદ્યાર્થીઓ માઇનસ 10 ડિગ્રી ઠંડીમાં બોર્ડર એરિયામાં ફસાયા છે. જેમને ખાવા-પીવા સહિતની કોઇ સુવિધા મળતી નથી.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે અમે વાલીઓની પીડા સમજીએ છીએ. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને અન્ય અધિકારીઓને બોલાવીને તાત્કાલિક વિગતો મેળવી ભારત સરકારને મોકલવાની સૂચના આપી છે. ગુજરાતના વિદ્યાર્થીઓની માહિતી યૂક્રેનની એમ્બેસીમાં મોકલાવા પ્રયાસ ચાલે છે.
યૂક્રેનથી પરત લવાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પૈકી ૨૭ વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ સોમવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યું હતું. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે રોમાનિયા બોર્ડરની નજીકના વિસ્તારમાં હોવાથી રોમાનિયા પહોંચી શક્યા હતા અને ત્યાંથી અમને પરત લવાયા છે પરંતુ હજુ પણ યૂક્રેનના વિવિધ વિસ્તારો કે જે યુદ્ધગ્રસ્ત છે ત્યાં પણ અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને સમયસર પરત લવાય તે જરૂરી છે.