અમદાવાદઃ ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા.
ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે. ગત વર્ષે અમદાવાદમાંથી ૨૮ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હોવાનો ખુલાસો એક સંસ્થા ‘ડોનેટ લાઈફ’ દ્વારા કરાયો છે. ગત વર્ષે ભાવનગરમાંથી ૨૬ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. ૨૦૧૭ના વર્ષમાં થયેલી કલુ ૧૦૬ કેડેવર કિડની ડોનેશનમાંથી ૫૨ સુરતમાંથી થઈ હતી. આ યાદીમાં ૧૭ કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ ૧૫ સાથે ત્રીજા સ્થાને છે. આવી જ રીતે ૨૦૧૭ના વર્ષમાં ગુજરાતમાં થયેલા ૬૨ લીવર ડોનેશનમાંથી ૨૮ સુરતમાંથી થયા હતા.
ગત વર્ષે ગુજરાતમાંથી કુલ ૧૦ લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી ૯ સુરત અને ૧ ભાવનગરના હાર્ટ ડોનરનો સમાવેશ થતો હતો.