અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હિન્દુ - બિનહિન્દુના ચક્રવ્યૂહમાં અટવાઇ ગયા છે. આ વિવાદ માટે કોંગ્રેસ શાસક પક્ષ ભાજપને જવાબદાર ઠેરવે છે તો ભાજપ સમગ્ર વિવાદ માટે કોંગ્રેસને જ જવાબદાર ઠેરવે છે.
ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે પહેલા દીવ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ ગયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટે બિનહિન્દુના પ્રવેશ સમયે રજિસ્ટરમાં નોંધ કરવાનો નિયમ બનાવ્યો છે. આ રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામ સામે ‘બિન-હિન્દુ’ લખવામાં આવ્યું છે. આ નોંધ સાથેનો ફોટો મીડિયામાં ફરતો થતાં જ વિવાદે વેગ પકડ્યો હતો કે રાહુલ ગાંધી ‘હિન્દુ’ છે કે ‘બિનહિન્દુ’?
જોકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જે મહાનુભાવો આવે તેઓ જાતે આવી કોઈ નોંધ કરતા નથી. તેમના સાથીદારો નોંધ કરે છે. તેમાં ધર્મ વિશે કોઈ ટિપ્પણી કરાતી નથી.
રાહુલ અને અહેમદ પટેલની નોંધ મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ કરાવી હતી. જોકે વિવાદ બાદ ટ્રસ્ટે રજિસ્ટર સિક્યુરિટી પાસેથી લઈ લીધું હતું. રાહુલ ગાંધી અને અહેમદ પટેલની બિનહિન્દુ તરીકે નોંધણી થઈ તે સાથે ભાજપે આક્ષેપ શરૂ કરી દીધા હતા.
કોંગ્રેસે કહ્યું કે ભાજપે રજિસ્ટરની કોપી મીડિયામાં લીક કરી છે. રાહુલ જનોઈધારી હિન્દુ છે. તેઓ શિવભક્ત છે. નિયમિત મંદિરોમાં જાય છે. ભાજપનું ષડયંત્ર છે. ભાજપે કહ્યું છે કે રાહુલની દરેક વાતમાં ભ્રમ હોય છે. તેમના શિક્ષણ, ધર્મ અને કર્મમાં ભ્રમ જોવા મળે છે.
રાહુલના જનોઈવાળા ફોટો મૂક્યા
ભાજપના આક્ષેપ બાદ કોંગ્રેસે રાહુલને હિન્દુ સાબિત કરવા તેમના જનોઈવાળા અનેક ફોટા જાહેર કર્યા હતા. કેટલાક ફોટામાં તેઓ જનોઈ પહેરેલા નજરે પડે છે. રાજીવ ગાંધીના અસ્થિ વિસર્જન સમયે, પ્રિયંકાના લગ્ન પ્રસંગે તથા બાળક રાહુલના ફોટામાં પણ જનોઈ જોવા મળે છે. સોમનાથ મંદિરના વિવાદ બાદ કોંગ્રેસ સતત રાહુલના ધર્મ વિશે બચાવ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દોઢ મહિનાથી રાહુલ ગુજરાતના વિવિધ મંદિરોના દર્શન કરી રહ્યા છે.
કોંગ્રેસને સ્પષ્ટતા કેમ કરવી પડી
છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલના ધર્મને લઈને અલગ અલગ પ્રકારની વાતો થતી રહી છે. થોડા વર્ષ અગાઉ અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા મીરા શંકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી ખ્રિસ્તી છે. તો બીજી બાજુ અમેરિકાના વિખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ પ્રસિદ્ધ થયેલા એક લેખમાં લખાયું હતું કે સોનિયા ગાંધી રોમન કેથલિક છે અને રાહુલ તથા પ્રિયંકા પણ ધર્મ હેઠળ ઉછર્યા છે. હવે કોંગ્રેસે જનોઈના ફોટા જાહેર કરીને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ હિન્દુ છે પરંતુ રાહુલના જનોઈ કાર્ડે ગુજરાતની ચૂંટણીને એક નવી દિશા આપી દીધી છે.