ગાંધીનગર: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક દિવસની ઉડતી મુલાકાત દરમિયાન ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા ગયા છે. તેમણે કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતને આપણે ‘અયોધ્યા’ બનાવીશું, જેમ ત્યાં હરાવ્યા છે તેમ અહીં હરાવીશું. અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયે ગયા સોમવારે મોડી રાત્રે ભાજપના કાર્યકરો દ્વારા થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે આપણું કાર્યાલય તોડ્યું છે, આપણે તેમની સરકારને તોડી પાડશું.
રવિવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધી સીધા જ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ અહીં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રવચન કરવા ઊભા થયા ત્યારે હર..હર.. મહાદેવના નારાં લાગ્યાં. રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆત અયોધ્યાથી કરતાં કહ્યું કે, ત્યાંના લોકો ઘર તૂટતા અને જમીન છીનવાઈ જતાં પરેશાન હતાં. આપણે ત્યાં ભાજપને હરાવી. જેમ અયોધ્યામાં આપણે ભાજપને હરાવી તેમ હવે ગુજરાતમાં પણ તેમને હરાવીશું. મેં સંસદમાં જ તેમને કહ્યું છે, કે લખીને લઇ લેજો - 2027માં ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવીને રહેશે.
તેમણે કહ્યું હતું કે ભાજપની રામમંદિર માટેની યાત્રા અડવાણીએ ગુજરાતથી શરૂ કરી હતી પણ તેમણે માત્ર રામના નામે રાજકારણ કર્યું. કોંગ્રેસની શરૂઆત ગુજરાતમાંથી આઝાદીની લડાઇ થકી થઇ અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે. મોદી અયોધ્યાથી લડવા માગતા હતા. પણ તેમને તેમના લોકોએ કહ્યું કે જો લડશો તો હારી જશો. તેઓએ આપણું કોંગ્રેસ કાર્યાલય તોડયું. હવે આપણે ભેગા મળી ગુજરાતમાં તેમની સરકારને ધ્વસ્ત કરી નાંખીશું. તમે ડરશો નહીં. આખી કોંગ્રેસ તમારી પડખે ઊભી છે.
‘આ અભયમુદ્રા છે’
આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના પંજાનું નિશાન બતાવીને કહ્યું કે, આ અભય મુદ્રા છે. ભગવાન શિવ, ગુરુ નાનક, ઇસુ ખ્રિસ્ત બધાં આ મુદ્રા બતાવે છે. મુસ્લિમ ધર્મમાં બંદગી પણ બે હાથ થકી કરાય છે. કોંગ્રેસ કહે છે ડરશો નહીં, ડરાવશો નહીં. તમે પણ બધાં કામમાં લાગી જાવ અને લોકોને આ સંદેશો આપો કે તેઓ ડરે નહીં અને ડરાવે પણ નહીં. ભાજપના તમામ નેતાઓ મોદીથી ડરે છે. કોંગ્રેસમાં નાના કાર્યકરને મોટા નેતાનો પણ ડર નથી.
હવે રેસના ઘોડા લગ્નના વરઘોડામાં નહીં નાચે...
રાહુલે કહ્યું હતું કે મને અહીંના એક કાર્યકરે કહ્યું કે, રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો અલગ અલગ હોય છે. કોંગ્રેસ ભૂલ કરી લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે અને રેસના ઘોડાને લગ્નમાં નચાવે છે. હવે રેસના ઘોડાને રેસમાં જ ઉતારાશે અને કોંગ્રેસ ગુજરાતમાં યોગ્ય વ્યક્તિની ઓળખ કરી ચૂંટણીમાં ઉતારશે.
પીડિત પરિવારોને મળ્યા
રાહુલ ગાંધીએ કોંગ્રેસ ઓફિસમાં રાજકોટ ટીઆરપી ગેમીંગ ઝોનના અગ્નિકાંડ, મોરબી બ્રીજ કાંડ, વડોદરા હરણી બોટકાંડ, સુરત તક્ષશીલા ફાયરકાંડ સહિતના પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓએ તેમની વાત સાંભળી તેમના મુદ્દા સંસદમાં ઉઠાવાશે તેવી ખાતરી આપી હતી. કોંગ્રેસ ઓફિસ પર થયેલી ધમાલમાં પકડાયેલાં પાર્ટી કાર્યકરોના પરિવારને પણ મળીને હિંમત આપી હતી.
હવે પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે
રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનના સમાપનમાં કહ્યું કે, હવે મારી બહેન પ્રિયંકા અહીં આવશે અને તે પણ ગુજરાતમાં મોરચો સંભાળશે. પક્ષના સૂત્રોના કહેવા પ્રમાણે આવતા માસમાં જ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે.