મહેસાણા: દૂધસાગર ડેરીમાં 750 કરોડના કૌભાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગાંધીનગર સ્થિત પંચશીલ ફાર્મ હાઉસથી ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરીના ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પડ્યા હતા. અર્બુદા સેનાએ મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર અને મોડાસા ખાતે ધરપકડના વિરોધમાં બેઠક યોજી આક્રોશ સાથે રેલી કાઢી હતી. પાંચેય જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને મુક્ત કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. જ્યાં સુધી વિપુલ ચૌધરી જેલ મુક્ત ન થાય ત્યાં સુધી આંદોલનની ચિમકી ઉચ્ચારતાં આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે. પાલનપુરમાં અર્બુદા સેનાએ 24 કલાકનું એલ્ટીમેટમ આપ્યું હતું.
ભાજપને સંભવિત નુકસાન થતું અટકશે
ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ડેરીમાં કથિત ભ્રષ્ટાચારના કિસ્સામાં ધરપકડ થઈ છે. ચૌધરી છેલ્લાં કેટલાક સમયથી આંજણા સમાજના સંગઠન અર્બુદા સેનાના સર્વેસર્વા થઇ ગયા હતા. આ કારણસર આંજણા સમાજના એક મજબૂત નેતા તરીકે વિપુલ ચૌધરી ઉભરી આવ્યા. તેવા સંજોગોમાં ભાજપના જ આંજણા ચૌધરી નેતાઓને ચિંતા પેઠી હતી. એક તરફ વિપુલ ચૌધરી ભાજપ પાસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હટાવીને વિસનગર બેઠક પરથી ટિકિટની ઇચ્છા રાખતા હતા અને આમ ન બને તો આમ આદમી પાર્ટીમાં સરકી જાય તેવી પણ શક્યતા હતી.
આ સંજોગોમાં વિપુલ ચૌધરી ભાજપના મોવડીમંડળ સામે પડકાર ઊભો કરે તે પહેલા જ તેમની ધરપકડ 14 વર્ષ જૂના કેસમાં કરાઇ છે. આ સંજોગોમાં આંજણા ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય તેની શક્યતા વધુ છે, અને વિપુલ ચૌધરીને કારણે ભાજપને થતું નુક્સાન અટકી જશે.