ગાંધીનગરઃ રૂપાલ વરદાયિની માતાની પલ્લી પર આ વખતે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. જેની આશરે કિંમત રૂ. ૨૧ કરોડ થાય છે. મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા થાય છે. લોકવાયકા પ્રમાણે પાંડવોએ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે સોનાની પલ્લી કાઢી હતી. આ વર્ષે ૧૫ લાખ જેટલા ભક્તોએ પલ્લીના દર્શન કર્યાં હતાં.
આ પલ્લી પર ચોખ્ખા ઘીના અભિષેકની સાથે સાથે બાળકોને પલ્લીની જ્યોત ઉપરથી ફેરવવાની પણ ધાર્મિક માન્યતા વર્ષોથી ચાલી આવે છે. પલ્લી પરથી નીચે પડેલા ઘીને કોઈ એક જ્ઞાતિ દ્વારા એકઠું કરવામાં આવે છે અને તેને ગરમ કરીને પુનઃ શુદ્ધ કરી પ્રસાદીરૂપે ગ્રહણ કરવામાં આવે છે. ૩૦મી સપ્ટેમ્બરે રાત્રે ત્રણ કલાકે પલ્લીનું પ્રસ્થાન થયું હતું. જે દરમિયાન અલગ અલગ ૨૭ ચકલાએ ફરીને વહેલી સવારે સાડા છ કલાકે નિજમંદિરે પલ્લી પરત ફરી હતી. પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહી હતી. એક લાખ શ્રદ્ધાળુઓએ પલ્લી દરમિયાન પ્રસાદનો લાભ લીધો હતો.
બપોર બાદ પલ્લી બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, પલ્લી ખીજડાના ઝાડમાંથી બનાવવામાં આવે છે. સુથાર ભાઇઓ દ્વારા પલ્લી તૈયાર કરવામાં આવે છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા છે. આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવે છે. લોકવાયકા પ્રમાણે મહાભારતમાં પાંડવોનો વિજય થયા બાદ તેઓ રૂપાલ આવ્યા હતા. સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવોએ સોનાની પલ્લી કાઢી હતી. ત્યારથી આજદિન સુધીમાં દર વર્ષે આસો સુદ નોમના રોજ પલ્લી કાઢવામાં આવે છે. પલ્લી તૈયાર થયા બાદ મોડીરાત્રે ત્રણ કલાકે મોટા માઢથી તેનું પ્રસ્થાન થયું હતું.
પલ્લી પર શુદ્ધ ઘી ચડે એ માટે રૂપાલ અને આસપાસના ગામના પશુપાલકોએ પલ્લીના પચ્ચીસ દિવસ પહેલાંથી ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યું હતું. આ ઉપરાંત છૂટક દૂધ પણ વેચવામાં આવતું નહોતું. દૂધમાંથી શુદ્ધ ઘી બનાવવામાં આવે છે અને તેનો પલ્લીમાં અભિષેક કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો હતો.