અમદાવાદઃ તાજેતરમાં યુકેની મુલાકાતે ગયેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦ની જનમેદની સમક્ષ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી અને ડાયરેક્ટ ફ્લાઈટ અભિયાનના પ્રણેતા સી. બી. પટેલના નામોલ્લેખ સાથે કરેલી લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાતના પગલે ભારતની એકતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણદિન ૧૫ ડિસેમ્બરથી લંડનથી ઉપડેલી ફ્લાઈટ બુધવાર, ૧૬ ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ૧૫ ડિસેમ્બરે જ એક ફ્લાઈટે અમદાવાદથી લંડન માટે ઉડ્ડયન કર્યું હતું. ડાયરેક્ટ ફ્લાઈટ અભિયાનમાં સાથ અને સહકાર આપનારા મહાનુભાવો અને સમર્થકોનું સન્માન કરવાનો કાર્યક્રમ ૧૬મી ડિસેમ્બરની સાંજે ગાંધીનગરમાં ઈમ્પિરિયલ બેન્ક્વેટ હોલ (ફોર્ચ્યુન ઈન હવેલી) ખાતે યોજાયો હતો. આ સમારંભમાં આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સિદ્ધહસ્ત ગાયિકા માયાબહેન દીપકના મધુર સ્વરમાં પ્રાર્થના અને ગુરુવંદના સાથે સન્માન કાર્યક્રમનો આરંભ થયો હતો. તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી અને હિન્દી રચનાઓ સંભળાવી ઉપસ્થિત આમંત્રિતોના દિલના તાર ઝંકૃત કર્યા હતા. તેમની સાથે ઉદ્ઘોષક તુષાર જોષીના ઘેઘૂર અવાજે કાર્યક્રમ વિશે માહિતી આપવા સાથે લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટના વર્ષોથી ચાલતા અભિયાન અને તેની પાછળના પરિબળોનો ખયાલ પણ આપ્યો હતો. તુષારભાઈએ અભિયાન વિશે જણાવ્યું હતું કે ‘મૈ તો અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’ સીબી પટેલના અભિયાનનો આરંભ પણ આ જ રીતે થયો હતો. લોકો તેમાં સામેલ થતા ગયા અને અભિયાન વટવૃક્ષ બની ગયું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી તેમજ ધ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના યુકેસ્થિત કો-ઓર્ડિનેટર અને અભિયાનના પ્રણેતા સી. બી. પટેલના હસ્તે અભિયાનની સફળતામાં સાથ અને સહકાર આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સી. બી. પટેલે જણાવ્યું હતું કે,‘હું ૫૫ વર્ષથી પરદેશમાં રહું છું. મારે મન ભારતીય સંસ્કૃતિ મહત્ત્વની છે. મારા-તમારા ગ્રાન્ડચિલ્ડ્રનને ભારતીય સંસ્કૃતિની ઓળખ થવી જોઈએ. નરેન્દ્ર મોદી સમક્ષ ડાયરેક્ટ ફ્લાઈટની વાત મેં રજૂ કરી હતી. નરેન્દ્ર મોદી એવા માણસ છે, જે સાચી વાત સમજી જાય છે. ડાયરેક્ટ ફ્લાઈટ અભિયાનની સફળતાથી કેટલાક તત્વો નારાજ પણ છે. ડાયરેક્ટ ફ્લાઈટની સામે કેટલાક સ્થાપિત હિતો પણ કાર્યરત છે. યુકેમાં સરકારે વોટફર્ડમાં હરેકૃષ્ણ મંદિર બંધ કરાવ્યું ત્યારે પણ હિન્દુઓએ એક થઈ તેનો વિરોધ કર્યો હતો. મંદિર ફરી શરૂ કરાવવાના અભિયાનને સફળ બનાવવા ૩૫,૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ અભિયાનમાં અમને મોટી સંખ્યામાં માણસોએ મદદ કરી છે. હજારો લોકોએ પિટિશનમાં સહીઓ કરીને પણ મદદ કરી છે.’
યુકેમાં કોર્પોરેટ સોલિસિટર અને ધ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના યુકેસ્થિત સભ્ય મનોજ લાડવાનું સન્માન કરતા સી. બી પટેલે જણાવ્યું હતું કે મનોજ લાડવા મારા પુત્ર સમાન છે. તેમણે કહ્યું હતું કે શું મનોજ લાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ છે તેવો પ્રશ્ન પણ કરાય છે. મારે કહેવાનું છે કે મોદીના વિશ્વાસુઓ ઘણા છે અને કોઈ નથી. મોદી યોગી જેવા છે. તેમના દુશ્મનો પણ ઘણા છે. જોકે, હકીકત એ છે કે બાયલાના મિત્રો ઘણા હોય છે, જ્યારે શુરવીરના મિત્રો ઓછા હોય છે. તેમણે મનોજભાઈને કહ્યું હતું કે લંડન-અમદાવાદ ફ્લાઈટ પછી હવે ભુજ-રાજકોટનું કાંઈક કરો. સૌ પહેલા મસ્કત-ભુજની ફ્લાઈટની વાત હાથ પર લેવી જોઈએ.’
મનોજભાઈએ સન્માનનો પ્રત્યુત્તર વાળતા કહ્યું હતું કે, ‘યુકે અને ગુજરાતમાં વસતા ગુજરાતીઓના પાર્થસારથી સી. બી. પટેલ છે. સીબી મારા પિતા સમાન છે. જ્યાં જ્યાં સંઘર્ષ થાય છે ત્યાં સીબી પહોંચી જાય છે. સીબીએ મને પ્રશ્ન કર્યો પણ જવાબ આપવાનું મારા હાથમાં છે. મારી પ્રથમ ભારત મુલાકાત ૧૧મા વર્ષે થઈ હતી. અમે લંડનથી મસ્કત અને મુંબઈ આવ્યા હતા. મુંબઈથી બે દિવસ પછી પોરબંદરની ફ્લાઈટ હતી. આમ, અમે ચાર દિવસે પોરબંદર પહોંચ્યા હતા. લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ અંગે અમારા મનમાં આર્થિક નહિ, પરંતુ સમાજ, વૃદ્ધો, અશક્તો અને બાળકોની સેવાનો મુદ્દો મુખ્ય હતો. આ તો અમારી કર્મભૂમિ અને માતૃભૂમિ વચ્ચે સંપર્ક જાળવવાની વાત છે. અમારે લોકો વચ્ચે સંપર્ક-કનેક્ટિવિટી વધારવા છે. ગુજરાતી અને ભારતીય તરીકે સમગ્ર દેશ અને વિશ્વ વચ્ચે સંપર્ક ઉભો કરવો જોઈએ. આ અભિયાન હજી પૂર્ણ થયું નથી. દેશના ઘણા શહેરો સાથે ડાયરેક્ટ ફ્લાઈટ ચલાવાય તેવી અમારી ઈચ્છા છે.’
અમદાવાદના ભાજપના પૂર્વ સાંસદ હરિન પાઠકનું સન્માન કરતા સી. બી. પટેલે જણાવ્યું હતું કે હરિનભાઈએ અમદાવાદ એરપોર્ટ અને રેલવે સહિતના મુદ્દાઓ અંગે લોકસભામાં વારંવાર રજૂઆતો કરી છે. સન્માનના પ્રત્યુત્તરમાં હરિનભાઈએ જણાવ્યું હતું કે,‘આપણે હરિન પાઠકનું નહિ, પરંતુ સીબી પટેલનું સન્માન કરવું જોઈએ. ભૂપતભાઈએ મને કહ્યું હતું કે સીબી લંડનમાં બેઠા બેઠા ડાયરેક્ટ ફ્લાઈટનું અભિયાન ચલાવી રહ્યા છે. અમદાવાદ-લંડન ફ્લાઈટ શરૂ કરાયા પછી બંધ થઈ ગઈ. ખરેખર, ડાયરેક્ટ ફ્લાઈટની સામે સ્થાપિત હિતો કાર્યરત હોવાની વાત સાચી છે. હવે પરિસ્થિતિ બદલાઈ છે. કહેવત છે કે ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’. ડાયરેક્ટ ફ્લાઈટ બાબતે વડા પ્રધાન નરેન્દ્રભાઈનો મોટો ફાળો છે. આપણે કહી શકીએ કે ગુજરાતમાં બાપ પીરસનારા બેઠા છે. હું અત્યારે ભલે સાંસદ નથી પણ તેથી મારું કાર્ય બંધ થયું નથી. સંસદસભ્ય અને સમાજસેવક સાથે હોવા જોઈએ. સત્તા ભલે જાય પણ સમાજસેવા ચાલુ રહેવી જોઈએ.’
વેજાભાઈ રાવલિયા, રાજકોટની સીઝન્સ હોટેલ્સના ચેરમેનનું સન્માન કરતા સીબીએ કહ્યું હતું કે, ‘આમના જેવો નિખાલસ માણસ મેં જોયો નથી. ધારાસભ્યપદ છોડ્યાના ૩૨ વર્ષ પછી આજે પહેલી વાર તેઓ ગાંધીનગર આવ્યા છે. તેમણે કાળાં-ધોળાં કર્યા નથી.’ સન્માનના પ્રત્યુત્તરમાં વેજાભાઈએ જણાવ્યું હતું કે,‘ હરિનભાઈ અને મનોજ લાડવાએ કહેવાનું કહી દીધું છે. હું ૨૬મા વર્ષે ધારાસભ્ય બન્યો ત્યારે શું કામ કરવાનું હોય તેની પણ ખબર ન હતી. સીબી મારા મિત્ર છે, તેમના પ્રેમ સામે હું હારી જાઉં છું. તેમણે લંડન-અમદાવાદ ફ્લાઈટની લડાઈ ઉપાડી હતી. મારે તેમને કહેવું છે તમે લડો. તમે જેમ જેમ લડતા જશો તેમ વધુ યુવાન થશો.’
કમિટીના ગુજરાતસ્થિત કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખે ડાયરેક્ટ ફ્લાઈટ અભિયાનનો ઈતિહાસ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘અભિયાનની સફળતાના સારથી સી. બી. પટેલ જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેમ્બલી સ્ટેડિયમમાં વિશાલ જનમેદની સમક્ષ સી. બી. પટેલ મિત્ર હોવાનો ઉલ્લેખ સાથે લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ ૧૫ ડિસેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી હતી.’
કાર્યક્રમના સમાપનમાં સી. બી. પટેલે સર્વ ઉપસ્થિત મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગાયિકા માયાબહેનની સાથે તબલાં પર જિજ્ઞેશભાઈ રાવ અને કી બોર્ડ પર વિક્રમભાઈ જાનીએ સંગત કરી હતી. આમંત્રિતોએ મજેદાર ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો અને સમારંભ સમાપ્ત થયો હતો.
અભિયાનની સફળતા માટે સન્માનિત મહાનુભાવો
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી તેમજ ધ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના યુકેસ્થિત કો-ઓર્ડિનેટર સી. બી. પટેલના હસ્તે સન્માનિત મહાનુભાવોમાં • અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસ પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશપ્રમુખ • હરિન પાઠક, અમદાવાદના ભાજપના પૂર્વ સાંસદ • મનોજ લાડવા, કોર્પોરેટ સોલિસિટર અને ધ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના યુકેસ્થિત સભ્ય • વેજાભાઈ રાવલિયા, રાજકોટની સીઝન્સ હોટેલ્સના ચેરમેન • કે. એચ. પટેલ, NRG ફાઉન્ડેશન- GCCI અમદાવાદના ચેરમેન અને ભારતના પૂર્વ હાઈ કમિશનર • એ. કે. શર્મા, અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર • સી. કે. પટેલ, યુએસએના અગ્રણી NRI અને હોટેલિયર • દિગંત સોમપુરા, પોલિટિકલ એડવાઈઝર બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન અમદાવાદ • વિશાલ સેવક, RJ- 94.3 FM - ભાસ્કર ગ્રૂપ • જગદીશ ભાવસાર, સ્કૂલ બોર્ડ ચેરમેન અમદાવાદ • નિશિત વ્યાસ, પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ • યોગેશ મદલાણી, આસિ. મેનેજર (સેલ્સ અને માર્કેટિંગ) એર ઈન્ડિયા • એન. પી. લિવિંગિયા, અધિક સચિવ (NRI), સામાન્ય વહીવટી વિભાગ • પી. વી. અંતાણી, ડિરેક્ટર (અધિક કલેક્ટર) ગુજરાત રાજ્ય NRG ફાઉન્ડેશન • કૈલાસ સિંહ, એર ઈન્ડિયા અમદાવાદ • સુભાષ જોશી, નાગરિક ઉડ્ડયન વિભાગ, ગુજરાત સરકાર • વિજયભાઈ શાહ, NRI સિંગાપુર • માયાબહેન દીપક, ગાયિકા • તુષાર જોશી, ઉદ્ઘોષક અને • ભુપતભાઈ પારેખ, કમિટીના ગુજરાતસ્થિત કો-ઓર્ડિનેટર અને વરિષ્ઠ પત્રકારનો સમાવેશ થયો હતો.
સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો...
વિષ્ણુ પંડ્યા (વરિષ્ઠ પત્રકાર-કટારલેખક), હરિ દેસાઇ (વરિષ્ઠ પત્રકાર-કટારલેખક), ડો. ભાવેશ પારેખ (સિનિયર ઓન્કોલોજિસ્ટ), ડો. ઊર્વિ પારેખ, ડી. જી. ચૌધરી (અંડર સેક્રેટરી - એનઆરજી ફાઉન્ડેશન) રાજેશ ધ્રુવ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), ધારાસભ્ય ભૂષણભાઇ ભટ્ટ પરિવાર, દિલીપભાઇ શાહ (SITC), નિશાત શાહ (SITC), સુરેશ જે. વિભાકર (તિરુપુર ગુજરાતી સમાજના અગ્રણી), જે. સી. પટેલના પરિવારજનો, કૃણાલ ઠક્કર (દાસ ખમણ), મિતેષભાઇ ઠક્કર (સત્યનારાયણ ડ્રાયફ્રુટ), નમ્રતા દવે (ગુજરાત સરકારના અધિકારી), કેતુમાન દવે (મેક્સ પૂઝર મીડિયા ગ્રૂપ), ક્યુએક્સ લિમિટેડના રવિ કુરાની, આલાપ કંસારા, વિશાલ પંચાલ અને હાર્દિક લાંગડિયા