આ કમિટીના સંસદસભ્યો સહિતના મેમ્બરોએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના મુખ્ય મંત્રીશ્રી સહિત નાગરિક ઊડ્ડયન મંત્રી શ્રી સૌરભ પટેલ તથા અન્ય મંત્રીઓ સમક્ષ રજૂઆતો કરી હતી.
આ રજૂઆતને પરિણામે જુદા જુદા મંત્રીઓ અને નાગરિક ઊડ્ડયન મંત્રીએ દિલ્હીમાં રૂબરૂ અને ગુજરાતમાં ગાંધીનગર ખાતે એર ઈન્ડિયાના અને એરપોર્ટ ઓથોરિટીના હોદ્દેદારો સાથે અમદાવાદ-લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો કરી હતી.
આ બધા પ્રયત્નોને કારણે ગુજરાતના નાગરિક ઊડ્ડયન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણે દિલ્હી ખાતેના એર ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, અહીં ગાંધીનગરમાં મળેલી મિટિંગમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવે. આવી ફ્લાઈટ નહીં હોવાને કારણે મુસાફરોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આથી કેપ્ટન અજય ચૌહાણના પત્રમાં જણાવ્યાનુસાર એર ઈન્ડિયાના પ્રતિનિધિઓએ અહીંની મળેલી બેઠકમાં તેવું જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની ઓફર કરશે. આ પ્રતિનિધિઓએ એવું જણાવ્યું હતું કે, અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ અને અમદાવાદથી ન્યુ યોર્કની ફ્લાઈટ વાયા મુંબઈથી યોગ્ય સમયે શરૂ કરવાની ઓફર કરી રહ્યા છે. આ ઓફર ભારતના જુદા જુદા ભાગોમાંથી મળતાં મુસાફરોને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે.
કેપ્ટન અજય ચૌહાણે એવું પણ જણાવ્યું હતું કે, અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ માટે વધુને વધુ મુસાફરો મળી શકે તેમ છે. હાલની અત્યારની પરિસ્થિતિ બહુ જ મુશ્કેલરૂપ મુસાફરો માટે છે. આથી બે વિકલ્પ તાત્કાલિક આપવામાં આવ્યા છે કે એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ફરીને અમદાવાદ-લંડનથી શરૂ કરવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે મુંબઈ-અમદાવાદથી સીધી લંડનની ફ્લાઈટ શરૂ કરવામાં આવે.