લંડનમાં ગાંધી’ પણ રસપ્રદ વિષય છે. હવે તેમાં પાર્લામેન્ટ ચોક પર ગાંધીપ્રતિમાનો વિષય ઉમેરાયો છે. ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં આ વિશે લખ્યું તો તેની પ્રતિક્રિયાઓનો જુમલો ખડકાયો તેના પરથી લાગ્યું કે ગાંધી હજુ એવાને એવા ‘જીવંત’ છે. પોરબંદરના કીર્તિ મંદિર કે રાજકોટના ‘કબા ગાંધીના ડેલા’ અને સાબરમતીના ‘સત્યાગ્રહાશ્રમ’ની બહાર તેનો પડછાયો શાતા આપે છે. ગાંધીની તરફેણ અને વિરોધ - બન્ને એકવીસમી સદીમાં યથાવત્ રહ્યાં છે.
લંડનથી ‘વર્લ્ડ હિન્દુ ન્યૂઝ’ બુલેટીનમાં હેમંત પાધ્યાએ એક લેખ લખ્યો તે એમણે મને મોકલી આપ્યો છે. તેમાં લંડનની ગાંધીપ્રતિમા વિશેના વિવાદનો એક ઉકેલ સૂચવ્યો છે. આ લેખમાંથી (અને ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના અહેવાલોમાંથી) અહીં ગુજરાતી વાચકોને કેટલીક રસપ્રદ વિગતો મળી શકે તેમ છે. તેમણે લખ્યું છે કે વિલિયમ હેગ અને જ્યોર્જ ઓસ્બોર્નની પહેલથી પાર્લામેન્ટ ચોકમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત થશે તેવી હલચલ શરૂ થઈ છે. ‘ગુજરાત સમાચાર’માં અગાઉ એવા અહેવાલો પણ આવ્યા કે કેટલાક બ્રિટિશ નાગરિકોએ તેનો વિરોધ કર્યો છે. વિરોધનાં કારણો એવાં કે... ગાંધીજીએ એડોલ્ફ હિટલરને વખાણ્યો હતો. વળી, પાર્લામેન્ટ સ્કવેરમાં જે બીજા પૂતળાં છે તેનાથી ગાંધી અલગ પડે છે. તેઓ બ્રિટિશ સામ્રાજ્યના વિરોધી હતા. અહીં માર્ગારેટ થેચરેની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ઇંગ્લેન્ડમાં ગાંધીજીની દસેક પ્રતિમાઓ તો છે જ તો આ વધારાની શા માટે? વગેરે વગેરે દલીલો થઈ.
‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં ખ્યાત ઇતિહાસકાર કુસુમ વડગામાની બચી કરકરિયા સાથેની મુલાકાત (૧૬ ઓગસ્ટ, ૨૦૧૪) પણ નવો વળાંક આપે છે. કુસુમબહેન તો પૂર્વે ગાંધીવિચાર સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. ‘ઇન્ડો-બ્રિટિશ હેરિટેજ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. ભારતમાં ૪૦૦ વર્ષ પહેલાં સર થોમસ રોનું આગમન થયું અને બ્રિટિશ શાસનનાં પગરણ થયાં તેની ઉજવણીનો હેતુ રહ્યો છે. બ્રિટન સુપ્રીમ કોર્ટ અંતર્ગત ચર્ચા યોજાઈ હતી કે બ્રિટિશરોનાં શાસનથી ભારતને કેવો કેટલો ફાયદો થયો હતો!
કુસુમ વડગમાનો અભિપ્રાય!
કુસુમ વડગામાનું પુસ્તક ‘ઇન્ડિયા ઇન બ્રિટન’ વાંચવાનો ત્રણેક વર્ષ પર સી. બી. પટેલે આગ્રહ કર્યો હતો તે અનાયાસ હમણાં હાથ લાગી ગયું. પૂર્વે કેન્યાનિવાસી વડગામા ૧૯૫૩થી બ્રિટનમાં રહે છે. ‘બ્રિટન ઇઝ માય હોમ, બટ ઇન્ડિયા ઇઝ માય હોમલેન્ડ’ ગણાવનારાં કુસુમબહેનનાં આ પુસ્તકમાં જેમના વિશે વિગતે લખાયું છે તે દાદાભાઈ નવરોજીની પ્રતિમા પાર્લામેન્ટ ચોકમાં કેમ ના હોઈ શકે? વાજબી પ્રશ્ન તેમણે પૂછ્યો છે. (મજાની વાત એ છે કે કુસુમ વડગામાની મુલાકાત લેનારા ‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’ના વરિષ્ઠ પત્રકાર બચી કરકરિયા પારસી-ગુજરાતી છે. તેમનાં માતા-પિતા જાલુબહેન કાંગા અને નવરોઝ કાંગાએ - વર્ષો સુધી કોલકતામાં ‘નવરોઝ’ સાપ્તાહિક ગુજરાતીમાં પ્રકાશિત કર્યું હતું. ગુજરાતી અખબારોમાં એ પણ સૌથી જૂનાં પત્રોમાંનું એક.) તેની સાથોસાથ ગાંધીજીના સ્ત્રીવિષયક વિચારો અને વ્યવહારો વિશે ગુસ્સો પણ ઠાલવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ‘ગાંધી પૌત્રી, પૌત્રની પત્ની સાથે નગ્ન અવસ્થામાં સૂવાના પ્રયોગો કર્યા હતા તે જાતીય અંકુશના પ્રયોગમાં સ્ત્રીને તો માત્ર સાધન બનાવ્યું તેનો મારો વિરોધ છે.’ (‘ઇટ ઇઝ અનફરગિવેબલ એન્ડ એઝ ઇટ ઇઝ અનબિલિવેબલ’.)
ગાંધી મારા યે ઇશ્વર હતા એવું સ્વીકારનારાં કુસુમ વડગામાનો ગાંધીવિષયક અભિપ્રાય (લોર્ડ ભીખુભાઈ, તમે આ વિધાન વિશે શું કહો છો? અમદાવાદની ગોષ્ઠિમાં આ મુદ્દે કંઈક બોલ્યા હતા એટલે પૂછયું!) જેટલો મહત્ત્વનો છે એટલો જ દાદાભાઈની પ્રતિમા સ્થાપનનો આગ્રહ પણ સમજી શકાય તેવો છે. ‘દેશના દાદા’ ગણાયેલા પારસી - ગુજરાતી દાદાભાઈ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના પ્રથમ (૧૮૯૨માં) ચૂંટાયેલા સાંસદ હતા. આયર્લેન્ડની ચળવળને તેમણે ટેકો આપ્યો હતો. મુંબઈમાં ‘રાસ્ત ગોફતાર’ અખબાર શરૂ કરેલું તે વળી પત્રકારત્વના ઇતિહાસની એક યાદગાર ઘટના ગણાય.
શ્યામજી કૃષ્ણવર્મા કેમ નહીં?
ગાંધી અને દાદાભાઈ - આ બે ગુજરાતીઓમાંથી કોની પ્રતિમા બ્રિટનમાં ‘ઐતિહાસિક સ્મરણ’ બનશે એ ચર્ચામાં ત્રીજા એક ગુજરાતી મહાપુરુષનું યે નામ જોડાયું છે તે પંડિત શ્યામ કૃષ્ણવર્માનું! માંડવી (કચ્છ)ના આ વિદ્વાન રાષ્ટ્રભક્ત ૧૯૦૫થી લંડનમાં સ્થાયી થયા. ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી, ‘હોમરુલ લીગ’ના પ્રમુખ બન્યા, ‘ઇન્ડિયન સોશ્યોલિજિસ્ટ’ અખબાર શરૂ કર્યું, વિદેશોમાં ભારતીય આઝાદીનો પ્રચાર-પ્રસાર કર્યો, ક્રાંતિકારી મંડળી ઊભી કરી (જેમાં વીર સાવરકર, મદનલાલ ધીંગરા, સરદારસિંહ રાણા, લાલા હરદયાળ, મેડમ કામા, વી. એસ. અય્યર વગેરે સામેલ હતા.), જલાવતન રહીને સશસ્ત્ર સ્વાતંત્ર્યજંગની જ્વાળા પ્રગટાવી. લંડનમાં તેમના કર્મસ્થાનોને સ્મારકમાં બદલાવવા માટે પ્રયાસ કરતા હેમંત પાધ્યા કહે છે કે પાર્લામેન્ટ ચોકમાં શ્યામજી પ્રતિમા કેમ ના હોય?
અહીં દેશમાં લોર્ડ મેઘનાદ દેસાઈ ગાંધીપ્રતિમા માટે ફંડફાળો એકઠો કરી રહ્યા છે. કુસુમ વડગામાનાં પુસ્તક ‘ઇન્ડિયા ઇન બ્રિટન’માં ક્યાંય શ્યામજી કૃષ્ણવર્મા અને તેમાનાં લંડનસ્થિત કાર્યોનો જરા સરખો ઉલ્લેખ પણ નથી તેથી નવાઈ લાગી. આવા સુજ્ઞ ઇતિહાસકારે આવું કેમ કર્યું હશે? શું તેમને આ મહાપુરુષ વિશે કોઈ જાણકારી જ પ્રાપ્ત નહીં થઈ હોય?
ભારત-ઇંગ્લેન્ડઃ અનેકરંગી સંબંધ
પ્રતિમાઓ તો આપણા ભાવજગતનું પ્રતિનિધત્વ કરે છે. ગાંધીનગરમાં ‘મહાત્મા મંદિર’ અંતર્ગત રાષ્ટ્રીય કલાકારો એક જીવંત કથાસામગ્રી રચી રહ્યા છે. ‘સંવિધાન’ જેવી દસ્તાવેજી ફિલ્મમાં શ્યામ બેનેગલના સાથીદાર અતુલ તિવારીએ તે કામ ઉપાડ્યું છે. અમદાવાદના ઇન્કમટેક્સ ચોકમાં ગાંધી લાઠી સાથે આગળ પગ મુકતા જોવા મળે છે. દિલ્હીનો રાજઘાટ એવો જ પ્રેરક છે. હવે લંડનમાં ૧૧મી પ્રતિમા ગાંધીની થશે તેને મારા જેવો ઇતિહાસ-વિદ્યાર્થી તો સ્વાતંત્ર્યજંગમાં સમર્પિત બીજા કેટલાકને અંધારપટમાં રાખવાની જાણે-અજાણે ચેષ્ટા કરવાનો પ્રયાસ પણ ગણે તો તેમાં અભિપ્રાય ભેદનો પ્રામાણિક સ્વીકાર કરવો જોઈશે.
ગુજરાત અને ઇંગ્લેન્ડનો તો અનેકરંગી સંબંધ છે. સુરત ગયો ત્યારે મારે સર થોમસ રોએ બાદશાહ જહાંગીર સાથે કરેલા કરારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પગરણ કરવાની તક આપી તે ઘટનાનો કોઈ અવશેષ છે કે નહીં તે નિહાળવાની ઇચ્છા હતી. વાસ્કો-દ-ગામાને જેમ કચ્છી માલમે ભારતનો દરિયાઈ રસ્તો બતાવ્યો, તેમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી પણ સુરતમાં થઈ. આ સુરતનો કવિ મણિલાલ ૧૮૫૭માં ફાંસીએ ચડ્યો હતો અને બ્રિટિશ સલ્તનતની સામે વિપ્લવી બનીને રંગુનમાં ફાંસી ચઢનાર કાસિમ ઇસ્માઇલ મનસૂર પણ સુરતી હતો! કુસુમ વડગામા ‘ઉદારવાદી વેડરબર્ન’ના ભારતપ્રેમને યાદ કરે છે. તેવાં બીજાં બે ભારત-ભક્ત નામો એટલે મોનિયેર વિલિયમ્સ અને હિંડમેન હતાં. ગાય-દ-અલ્ડ્રેડે તો ભારતભક્તિ માટે લંડનમાં જેલની સજા ભોગવી હતી! આ નામો ભૂલવાં ન જોઈએ.