અમદાવાદઃ અમેરિકાના મિનીયાપોલીસમાં ૨૦ વર્ષીય પટેલ યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. તેની લાશ કારમાંથી મળી આવી હતી. ડ્રાઈવરે ઉત્તર પૂર્વીય મિનીયાપોલીસમાં જઈ રહેલી કાર સ્ટોપ લાઈટના થાંભલા સાથે અથડાવી દીધી હતી અને બાદમાં ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. યુવતીને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ૧૭મી સપ્ટેમ્બરના રોજ વહેલી પરોઢે સ્ટેનસન બુલવર્ડ ઉત્તર પૂર્વ અને રિજવે પાર્કવેની વચ્ચે અકસ્માત થયો હતો. જેથી પોલીસ દોડી ગઈ હતી અને ત્યાં કાર સ્ટોપ લાઈટના થાંભલા સાથે અથડાયેલી હતી અને તેમાં રિયા પટેલ નામની યુવતી હતી. તેને કારમાંથી કાઢવામાં આવી ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી. કાર કોણ ચલાવતું હતું તે હજુ જાણી શકાયું નથી. પોલીસ આવે તે પહેલાં ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
ભરત અને દેવયાની પટેલની પુત્રી રિયા પટેલે ૨૦૧૫માં ઈડન પ્રેરીમાં ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ મિનીયાપોલીસમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. સેન્ટ થોમસ યુનિર્વિસટીમાં તે જુનિયર વિદ્યાર્થી હતી. રિયા પટેલના મોતને લઈ થોમસ યુનિ.એ બીપીએસ સ્વામીનારાયણ મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.