ત્રિપોલીઃ લિબિયામાં ૨૮ દિવસ પહેલાં અપહરણનો ભોગ બનેલા ગુજરાત, આંધ્ર અને બિહાર એમ ૩ રાજ્યોના સાત શ્રમિકોને મુક્ત કરાવાયા છે. લિબિયામાં ભારતીય દૂતાવાસ ન હોવાથી અપહૃતોને મુક્ત કરાવવાની જવાબદારી ટયૂનિશિયા ખાતેના ભારતીય દૂતાવાસને સોંપાઈ હતી. ટયૂનિશિયા દૂતાવાસ અને ત્યાં ખાતેના ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે લિબિયા સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદથી ભારતીય કામદારોને મુક્ત કરાવવાના પ્રયત્નો કર્યાં હતાં. એ પછી પુનિત રોયે રવિવારે માહિતી આપી હતી કે ભારતીય શ્રમિકોને મુક્ત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, ૧૪મી સપ્ટેમ્બરે શ્રમિકો લિબિયાના ત્રિપોલી એરપોર્ટ પરથી ફ્લાઇટમાં ભારત આવવાના હતા. શ્રમિકો કંપનીમાંથી એરપોર્ટ તરફ જતા હતા ત્યારે રસ્તામાં હથિયારબંધ અપહરણકારોએ તેમનું અપહરણ કર્યું હતું. લિબિયાની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જોકે સપ્ટેમ્બર ૨૦૧૫થી ભારતીયોને લિબિયા ન જવા સલાહ - ચેતવણી આપી જ છે.