સુરતઃ લક્ઝરી પ્રોડક્ટ ગણાતા ડાયમંડ્સનો ઉચ્ચ વર્ગ દ્વારા અનેકવિધ રીતે વપરાશ વધી રહ્યો છે. દાંતને હીરાથી શોભાવતી ટુથ જ્વેલરીનો ટ્રેન્ડ હજુ તો પૂર્ણ થયો નથી ત્યાં હવે આઈ લેન્સ પર ડાયમંડ લગાડવાનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે. હા, તમે સાચું જ વાંચો છો... ધનાઢયોમાં હવે આંખોમાં પહેરાતાં લેન્સ હીરે મઢાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. મુંબઈના જ્વેલર્સ દ્વારા સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સને ૪૦૦ જોડી ડાયમંડ સ્ટડેડ લેન્સ તૈયાર કરવાનો ઓર્ડર અપાયો છે. આ પ્રકારના લેન્સમાં કોરિયાથી આયાત થતાં સ્પેશિયલ કેમિકલના ઉપયોગ વડે આઈ લેન્સમાં કીકીની જગ્યા છોડીને બાકીના ભાગ પર ડાયમંડ લગાડવામાં આવે છે.
સ્થાનિક જ્વેલરી મેન્યુફેક્ચરર્સના જણાવ્યા અનુસાર, મોનોપોલી આઈટેમ હોવાના કારણે મુંબઈના જ્વેલર્સ દ્વારા ખાસ ડિઝાઈનની ડિમાન્ડ સાથે સુપરફાઈન ડાયમંડ આઈ લેન્સ પર લગાડવાનું કામ અપાયું છે. જેમાં હાફ સેન્ટથી માંડીને પાંચ સેન્ટ સુધીના ઝીણા ડાયમંડ સ્ટડેડ લેન્સ માટે ઉપયોગમાં લેવાય છે.
આઇ લેન્સની એક જોડી પર આવા ૪૦ જેટલા નાના ડાયમંડ લગાડવામાં આવે છે. જેની કિંમત રૂ. ૨૬ હજારથી ૩૦ હજાર આસપાસની થતી હોઈ છે. એક જોડી આઇ લેન્સ તૈયાર કરવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગે છે. હાલ ઈન્ટરનેશનલ ડિમાન્ડની સાથે નેશનલમાં મુંબઈ અને દિલ્હીમાં ડાયમંડ સ્ટડેડ આઇલેન્સની ડિમાન્ડ વધુ છે.
આ લેન્સ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા મેન્યુફેક્ચરર્સ કહે છે કે કોઈ પણ સિઝનમાં આ લેન્સને પહેરીને ફરી શકાય છે. જોકે કીચન કે જ્યાં સીધા બર્નરની ગરમી લાગે છે ત્યાં આ લેન્સ પહેરીને જઈ શકાતું નથી. તીવ્ર ગરમીના કારણે કેમિકલથી ચોંટાડેલા ડાયમંડ લેન્સમાંથી ઉખડી જાય તેવું બની શકે છે.
એક અહેવાલમાં જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના નૈનેષ પચ્ચીગરને ટાંકીને જણાવાયું હતું કે ઘડિયાળ, ચશ્મા, પેન, ટુથ જ્વેલરી બાદ હવે લેન્સમાં ડાયમંડના ઉપયોગનો અનોખો પ્રયોગ શરૂ થયો છે. આઈ લેન્સ પર નાની સાઈઝના ડાયમંડ લગાડવાનું કામ સુરત આવી રહ્યું છે. જોકે બહુ મર્યાદિત મેન્યુફેક્ચરર્સ પાસે આ પ્રકારનું કામ આવી રહ્યું છે. આ પ્રકારના લેન્સથી આંખને કોઇ પણ પ્રકારનું નુકસાન થતું નથી
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કોરિયાથી ઇમ્પોર્ટ થતું સ્પેશિયલ કેમિકલ ડાયમંડને ચોંટાડવામાં ગુંદરનું કામ કરે છે. ડાયમંડ ચોંટાડવાની પ્રક્રિયાથી લઇને તેને મેઇન્ટેઇન કરવામાં તેમજ તેને પહેરવામાં આંખ કે લેન્સ પર કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી.