ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ અને ૩૧મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે હોવાના અહેવાલો જારી કરાયાં છે. કોરોના મહામારી અને હળવા થતા લોકડાઉન વચ્ચે વડા પ્રધાન રામ જન્મભૂમિમાં રામ મંદિર શિલાન્યાસમાં પાંચમી ઓગસ્ટે ઉપસ્થિત રહ્યા હતા. કોલકત્તા અને ચૂંટણી પ્રચારાર્થે બિહારમાં મોદીનાં કાર્યક્રમો જાહેર થઈ ચૂક્યાં છે. આ બધા વચ્ચે ફેબ્રુઆરી પછી પહેલી વખત વડા પ્રધાન વતન ગુજરાતમાં આવી રહ્યાં છે.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન મોદી અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાને અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા પછી અહીં આવનારા પ્રવાસીઓને બે-ત્રણ દિવસ માટે રોકાણ કરવાનું આકર્ષણ ઊભું કરવા વિવિધ પ્રકલ્પો, આયામો હોવા જોઇએ એવું સૂચન કર્યું હતું. જેના પગલે છેલ્લા દોઢ-બે વર્ષમાં કેવડિયામાં ગાર્ડન્સ, ટેન્ટ હાઉસ, સફારી પાર્ક, બોટિંગ, ક્રૂઝ, રાફ્ટિંગ જેવા આકર્ષણ ઉમેરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હવે સરદારની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે ૧૮૨ મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અનેક આકર્ષણોના પ્રજાર્પણ માટે મોદી કેવડિયાની મુલાકાત લેવાના હોવાથી તેમના સ્વાગત માટે સંપૂર્ણ રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનની મુલાકાત માટે સમગ્ર વ્યવસ્થામાં જોતરાયેલા સોળ હજાર લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીથી સીધા કેવડિયા કોલોની
વડા પ્રધાન મોદીના સંભવિત કાર્યક્રમ મુજબ મોદી ૩૦મી ઓક્ટોબરે બપોર પછી નવી દિલ્હીથી સીધા કેવડિયા કોલોની પહોંચશે. ૩૦મીએ શુક્રવારે સાંજે મોદી જંગલ સફારી પાર્કનું વિધિવત ઉદ્ઘાટન કરશે. ત્યાંથી ક્રૂઝ બોટનું ઔપચારિક લોકાર્પણ કરી મોદી શ્રેષ્ઠ ભારત ભવન સુધી પહોંચશે. અહીં એકતા મોલની મુલાકાત લઇને તેઓ નજીકમાં આવેલા ન્યુટ્રીશન પાર્કને ખુલ્લો મુકશે. યુનિટી ગ્લો ગાર્ડનનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.
મોદી ૨૫ લાખ ચો.મી વિસ્તારમાં ૩૦ હજારથી વધુ એલઇડી લાઇટ્સની રોશનીથી સજ્જ વિસ્તારનો નજારો માણશે. વડા પ્રધાન સાથે કેટલાક મહેમાનો જોડાશે. જોકે દરેક મહેમાનોના નામ જાહેર થયાં નથી.
સી-પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી
સરદાર પટેલની જન્મજયંતીએ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન વહેલી સવારે આરોગ્ય વનની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઇ સરદારની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એકતા પરેડની સલામી ઝીલશે. આ નિમિત્તે સૈન્યના જવાનો દ્વારા પ્રસ્તુત થનારા કરતબ નિહાળશે. એ પછી આઇએએસ ઓફિસર્સ સાથે મોદી વર્ચ્યુઅલ સંવાદ કરશે. બપોરે તળાવ નંબર ૩ પર સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરશે. સી-પ્લેનમાં બેસીને વડા પ્રધાન અમદાવાદ - સાબરમતી રિવરફ્રન્ટ લેન્ડ થશે.
‘મન કી બાત’માં પ્રવાસનો સંકેત
મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં ઘણીવાર પોતાના આગામી આયોજનો વિશે સંકેત આપે છે. છેલ્લે પ્રસારિત થયેલા મોદીના ‘મન કી બાત’ ના સંબોધનમાં તેમણે ગુજરાત પ્રવાસનો સંકેત પણ આપ્યો હતો. વડા પ્રધાને જાહેર કર્યું હતું કે, સાથીઓ, આ મહિનાની ૩૧મી તારીખે કેવડિયામાં ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થવાનો મને મોકો મળશે. તમે લોકો પણ જરૂર જોડાજો.
ગંગા નદીમાં છે તેવી ક્રૂઝ બોટનું કેવડિયામાં લોકાર્પણ
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવી ક્રૂઝ બોટનું લોકાર્પણ થશે. આમ તો ૨૧મી માર્ચે આ ક્રૂઝ બોટનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. ૩૦ ઓક્ટોબરે વડા પ્રધાન મોદી સ્ટેચ્યુ ખાતે બનેલી ક્રૂઝ બોટનું જેટીએથી લોકાર્પણ કરશે અને ત્યાંથી બોટમાં બેસી ભારત ભવન બનાવેલી બીજી જેટી સુધી જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધીની આ સફર ૬ કિ.મી.ની રહેશે.
વારાણસીમાં પણ વડા પ્રધાન દ્વારા લોકાર્પિત
જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં વડા પ્રધાને બોટ સેવા શરૂ કરી હતી તે જ રીતે અહીં નર્મદા નદીમાં પણ શરૂ કરવામાં આવશે જેના માટે ૩ જેટી બનાવાઈ છે. એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ્યારે બીજી જેટી ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ બની છે જે ઇમરજન્સી જેટી છે. જો કોઈ દુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરાશે. આ ક્રૂઝ બોટમાં આમ તો ૨૦૦થી ૨૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, પણ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર ૫૦ લોકોને જ પરમિશન અપાશે અને બોટમાં નાસ્તાની વ્યવસ્થા પણ છે. જે પ્રવાસીઓએ પોતાના ખર્ચે કરવાનો રહેશે. મનોરંજન માટેની પણ વ્યવસ્થા બોટમાં કરી છે.
ફ્લાવરવેલીમાં પાંચ લાખ ફૂલોની મહેક
કેવડિયા કોલોનીઃ વડા પ્રધાનની હાજરીમાં કેવડિયામાં એક્તા દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલે છે. જેના ભાગરૂપે કેવડિયાના વિશાળ પ્લોટમાં અંદાજે પાંચ લાખથી પણ વધુ દેશી - વિદેશી ફૂલોથી ફ્લાવરવેલીને મહેકાવવામાં આવી છે. અહીં રંગબેરંગી ગાર્ડન ઊભો કરવામાં આવી રહ્યો છે અને એ માટે બેંગલુરુ, કાશ્મીરથી માંડીને દેશ – વિદેશથી જાતજાતના ફૂલો મંગાવાયા છે.
ભારતમાં કાશ્મીરવેલી પ્રખ્યાત છે. લંડન - અમેરિકાના કેટલાક શહેરોમાં દર વર્ષે વિશાળ ફ્લાવર શો યોજાય છે તેવો આકર્ષક ફ્લાવર શો કેવડિયામાં યોજવાની તૈયારીઓ ચાલે છે. વડા પ્રધાનના આગમનના બે દિવસ પહેલાં ૨૯મી ઓક્ટોબર આ ફ્લાવર શો ખુલ્લો મુકાશે, પરંતુ ૨૭મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે તેથી ફ્લાવર શો ૩જી નવેમ્બરે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે અને દસ દિવસ સુધી તે ચાલુ રહેશે.
‘એકતા નગરી’ કેવડિયામાં રોશનીનો ઝગમગાટ
કેવડિયા: કેવડિયામાં વડા પ્રધાન મોદીના આગમન પહેલાં તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી છે. કેવડિયા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રોજેક્ટને અંદાજે રૂ. ૪૦ કરોડના ખર્ચે ૩ કરોડથી વધુ LED લાઈટથી સજાવાયાં છે. જેમાં કેવડિયા નગરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્લો ગાર્ડન અને નર્મદા ડેમનો સમાવેશ થાય છે.
લાઈટિંગ કાયમી રહેશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવેશતાં જ કોકોનટ લાઇટિંગ, લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. આ લાઈટ થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ-ઝાડ પણ બનાવાયા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન તમામ વિસ્તારની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. આ લાઈટિંગ હવે કાયમી રખાશે.
કેવડિયા કોલોનીમાં સી-પ્લેનનું આગમન
કેવડિયા કોલોનીઃ વડા પ્રધાન મોદી જેનું ૩૧મીએ લોકાર્પણ કરવાના છે તે સી-પ્લેનનું કેવડિયાના તળાવ નંબર ૩ ખાતે આગમન ૨૬મી ઓક્ટોબરે થયું હતું. એક કલાકના રોકાણ બાદ બપોરે ૨.૩૦ કલાકે સી-પ્લેન અમદાવાદ જવા રવાના થયું હતું.
માલદીવથી ૨૫મીએ બપોરે નીકળેલું સી-પ્લેન કોચીમાં ઈંધણ ભરાવી ગોવા પહોંચ્યું હતું. ગોવા રાત્રી રોકાણ બાદ ૨૬મીએ બપોરે ૧૨.૦૦ વાગે તે કેવડિયા આવ્યું હતું. સી - પ્લેનના આગમન સમયે સરદાર સરોવર નર્મદા નિગમના એમ. ડી. રાજીવ ગુપ્તા તેમના સાથી અધિકારીઓ દ્વારા સી-પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સી-પ્લેન સાથે પાંચ ક્રૂ મેમ્બર પણ આવ્યા હતા. તેઓ ગુજરાતમાં ૬ મહિના સુધી રહેશે અને અહીંના પાઇલટ્સને ટ્રેનિંગ આપશે. આ સી-પ્લેનમાં ૧૮ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે, પણ હાલ માત્ર ૧૪ મુસાફરો જ સફર કરી શકશે. ખાસ કરીને કેવડિયાથી ૧૩૬ કિ.મી.નું હવાઈ અંતર માત્ર ૪૫ મિનિટમાં જ આ સી-પ્લેન કાપશે.
દિવસમાં ચાર વખત અવરજવર
આ સી - પ્લેનની બીજી ખાસિયત એ છે કે આ પ્લેનમાં ભારત અને માલદીવ બન્નેનું નામ અને રાષ્ટ્રધ્વજની તસવીર છે. સી-પ્લેન પર ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગનો પણ સિમ્બોલ છે. ભારતમાં પ્રથમ વખત સી-પ્લેન સુવિધા પ્રવાસીઓ માટે થઈ રહી છે. હાલ પ્લેનનો ટિકિટ દર રૂ. ૪૮૦૦ છે. દિવસમાં ચાર વખત સી-પ્લેન અવરજવર કરશે. હાલમાં એક સી-પ્લેન આવ્યું છે અને બીજું સી-પ્લેન ટૂંક સમયમાં આવશે.