વડોદરાની નિશા 6 દેશનો પ્રવાસ પૂર્ણ કરી સાઇકલ પર રશિયા પહોંચી

Sunday 01st December 2024 08:55 EST
 
 

વડોદરા: સાઇકલ લઈને વડોદરાથી લંડન પહોંચવાના પડકારજનક લક્ષ્ય સાથે પ્રવાસે નીકળેલી નિશા કુમારીએ છ દેશોની યાત્રા પૂર્ણ કરીને સાતમા દેશ રશિયામાં પ્રવેશ મેળવ્યો છે. હજારો કિલોમીટર લાંબા, દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસના 153 દિવસ પૂરા થયા છે અને તેણે અત્યાર સુધીમાં 11,325 કિમીની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે.
નિશા કુમારી તિબેટ, નેપાળ, ચીન કઝાકિસ્તાન થઈને 23 નવેમ્બરે રશિયા પહોંચી છે. હવેની યાત્રા કઠીન રહેવાની છે કેમ કે રશિયાના માઈનસ 20 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં તેણે સાયકલ ચલાવવાની છે. રશિયામાં તે અસ્ટ્રાખાનથી પ્રવેશી છે અને વોલવોગ્રેડ વગેરે સ્થળો થઈને એ મોસ્કો જવાની છે.
નિશા કુમારીએ રશિયાથી મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે ચીન સિવાય બાકી તમામ દેશોમાં ઉષ્માભર્યો આવકાર મળ્યો છે. નિશા કુમારીએ અનુભવ વર્ણવતા લખ્યું છે કે કઝાકિસ્તાનમાં ખનિજ તેલના કુવાઓ અને રિફાઈનરીઓના 400 કિમીના વિસ્તારમાંથી પસાર થવાનું થયું ત્યારે ઉતારા અને રાતવાસો માટે યોગ્ય જગ્યા નહીં મળતા નાના કાફેમાં આખી રાત પાટલી પર બેસી રહીને આરામ કરવો પડયો હતો. અહીં માંસાહારી ભોજન જ મળતું હોવાથી કોફી પર જ દિવસો કાઢ્યા હતા, પરંતુ જ્યાં જ્યાં ભારતીય લોકો મળ્યા છે ત્યાં ત્યાં ભારતીય ભોજન જમાડીને આવકાર આપ્યો. ઉલ્લેખનીય છે કે નિશા કુમારી સાહસિક યુવતી છે અને અગાઉ તે એવરેસ્ટ સર કરી ચુકી છે. કોઇ વ્યક્તિ દ્વારા સાઇકલ પર ગુજરાત (વડોદરા)થી લંડનનો આ પ્રથમ પ્રયાસ અને પ્રવાસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter