વડોદરામાં એરક્રાફ્ટ પ્રોજેક્ટ, ઐતિહાસિક ક્ષણઃ વડાપ્રધાન મોદી

Wednesday 30th October 2024 05:43 EDT
 
 

વડોદરાઃ સંસ્કૃતિ નગરીમાં સાકાર થયેલા ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઐતિહાસિક ઊંચાઈઓ સર કરી રહી છે. C-295 એરક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી ભારત-સ્પેનનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે. ભારતે દસ વર્ષ અગાઉ નક્કર પગલાં લઈ ડિફેન્સ ઉત્પાદન વધારવા એક લક્ષ સાથે નવા પથ પર ચાલવાનું નક્કી કર્યું જેનું પરિણામ આજે આપ સહુની સમક્ષ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગવર્નર આચાર્ય દેવવ્રત, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટાટા કોમ્પલેક્સમાં 40 વિમાનોનું પ્રોડક્શન થશે
વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2022માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 56 એરક્રાફ્ટ માટે ભારતે વર્ષ 2021માં એરબસ સાથે રૂ. 21,935 કરોડનો સોદો કર્યો હતો. તે અંતર્ગત 56 વિમાનમાંથી 15 વિમાનો સ્પેનથી ભારત આવશે, જ્યારે બાકીનાં 40 વિમાનોનું નિર્માણ વડોદરામાં થશે. 16 વિમાનોમાંથી પહેલું વિમાન સપ્ટેમ્બર-2023માં ડિલિવર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં છ વિમાન ડિલિવર કરવામાં આવ્યાં છે. વડોદરાસ્થિત ભારતીય વાયુસેનાની 11 સ્ક્વોડ્રનમાં તેને સામેલ કરાયું છે. ભારતમાં નિર્માણ પામનારાં 40 વિમાનોમાંથી પહેલું વિમાન સપ્ટેમ્બર 2026માં વડોદરા પ્લાન્ટમાં તૈયાર થઇને બહાર આવશે.
બન્ને મહાનુભાવોએ ફાઈનલ એસેમ્બલી લાઈન પ્રોસેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશન યુનિટની મુલાકાત લઈને ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા બનાવાયેલા પ્રથમ મેક ઈન ઈન્ડિયા એરબસ સી-295 એરક્રાફટ સહિતના વિવિધ સ્કેલ મોડેલ તેમજ ભારતીય વાયુ સેનામાં સામેલ એરક્રાફટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વડોદરાના આંગણે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ.ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન એ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં આઇડિયાથી લઈને કોઈ પણ પ્રોજેક્ટનાં અમલીકરણ સુધીની ઝડપ અહીં જોઈ શકાશે. ઓક્ટોબર, 2022માં ફેક્ટરીના શિલાન્યાસ પ્રસંગને યાદ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ યુનિટ હવે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયાર છે.
પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં બિનજરૂરી વિલંબ દૂર કરવા પર ભાર મૂકતા વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળનો સંદર્ભ ટાંકતા વડોદરામાં બોમ્બાર્ડિયર ટ્રેન કોચ ઉત્પાદન એકમની સ્થાપનાની યાદ તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફેક્ટરી ઉત્પાદન માટે વિક્રમજનક સમયમાં તૈયાર થઈ ગઈ હતી અને આજે આ ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચની
અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.’ વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અહીં નિર્મિત એરક્રાફ્ટની નિકાસ પણ કરવામાં આવશે.
સંરક્ષણ ક્ષેત્રે ભારતની કાયાપલટ
વડાપ્રધાને કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કેવી રીતે ચોક્કસ યોજના અને ભાગીદારી શક્યતાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે, તેનું ઉદાહરણ પૂરું પાડે છે. વ્યૂહાત્મક નિર્ણયોએ છેલ્લા એક દાયકામાં ભારતમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ આજના કાર્યક્રમને પરિવહન એરક્રાફ્ટના ઉત્પાદનથી પણ આગળ જોઈ રહ્યા છે. છેલ્લાં એક દાયકામાં ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન થયું છે. દેશનાં સેંકડો નાનાં શહેરોને હવાઈ જોડાણ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેની સાથે-સાથે ભારતને ઉડ્ડયન અને એમઆરઓ ક્ષેત્રનું કેન્દ્ર બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા નાગરિક વિમાનો માટે માર્ગ પણ મોકળો કરશે.
એરક્રાફ્ટ ફેક્ટરીથી નવા ઉદ્યોગોને પ્રોત્સાહન
વડાપ્રધાને સ્કિલિંગ અને રોજગાર સર્જન પર ભાર મૂકતા કહ્યું કે, એરબસ-ટાટા ફેક્ટરી જેવા પ્રોજેક્ટો હજારો રોજગારીનું સર્જન કરશે. આ ફેક્ટરી ૧૮ હજાર એરક્રાફ્ટ પાર્ટ્સનાં સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે વિપુલ તકોનું નિર્માણ કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે.
સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો
આઇડીઇએક્સ (ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ) યોજનાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષમાં આશરે એક હજાર ડિફેન્સ સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને વેગ આપ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં એક દાયકામાં ભારતની સંરક્ષણ નિકાસમાં ત્રીસ ગણો વધારો થયો છે, અત્યારે દેશ 100થી વધારે દેશોમાં ઉપકરણોની નિકાસ કરે છે. આજના કાર્યક્રમથી ભારત અને સ્પેન વચ્ચે સંયુક્ત સહયોગની ઘણી નવી પરિયોજનાઓને પ્રેરણા મળશે. તેમણે સ્પેનના ઉદ્યોગ જગત અને નવીન સંશોધનકારોને આમંત્રણ આપ્યું હતું અને તેમને ભારત આવવા અને વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter