જોહાનિસબર્ગ, જામનગરઃ સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર ચિંતા દર્શાવવા સાથે પ્રાણીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય સંદર્ભે સ્વતંત્ર વૈજ્ઞાનિક તપાસ માટેની હાકલ પણ કરી છે. ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દ્વારા 3000 એકરમાં ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC) એટલે કે વનતારાની સ્થાપના 26 ફેબ્રુઆરી, 2024ના દિવસે કરી હતી જ્યાં મોટા પાયે ચિત્તા, વાઘ, દીપડા અને સિંહની નિકાસ થઈ રહી છે. આ વનતારાનું સત્તાવાર ઉદ્ઘાટન 3 માર્ચના વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતોએ વનતારાના સ્થળ વિશે ચિંતા દર્શાવી છે કે આ સુવિધા સ્થપાઈ છે તે ગુજરાત ભારતના અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ગરમ છે અને ઝૂમાં બંધનાવસ્થામાં રખાયેલા અનેક જાતિના પ્રાણીઓ માટે તે યોગ્ય નથી. WAPFSAએ સાઉથ આફ્રિકાના જંગલ વિભાગ સહિત અનેક મંત્રાલયોને 6 માર્ચે પાઠવેલા પત્રમાં આ ચિંતા દર્શાવી છે. WAPFSAના વાર્ષિક રિપોર્ટ અનુસાર સાઉથ આફ્રિકાથી 56 ચિત્તા વનતારાને નિકાસ કરાયા છે. આ ઉપરાંત, જંગલી બિલાડી (52),જેગુઆર (6), સિંહ (70), વાઘ (60), દીપડા (19), આફ્રિકન જંગલી શ્વાન (20), આફ્રિકન સાબર (20), મંગૂસ વાનર (30), પૂંછદાર લેમૂર (40), માર્મઝેટ વાનર (10) તથા ઝરખ, સ્પ્રિંગબોક હરણ, વાઈલ્ડબીસ્ટ, વોર્થોગ સહિતના પ્રાણીઓની પણ નિકાસ થઈ છે.
સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે કે સિંહ અને વાઘની ખરીદી અને નિકાસ સાઉથ આફ્રિકાની બ્રીડિંગ ફેસિલિટીઝમાંથી કરાઈ છે જેનો ઉપયોગ બ્રીડિંગ મશીન્સ તરીકે થઈ શકે છે.