બીલીમોરા: બીલીમોરાના લક્ષ્મી પેલેસમાં રહેતા અમ્રતભાઈ રાણાના પુત્ર ચિરાગનાં લગ્ન વલસાડના પારડીમાં રહેતા મહેશભાઈ રાણાની દીકરી ચૈતાલી સાથે ૧૩મી ડિસેમ્બરે થયાં હતાં. રાત્રે ચૈતાલી, વરરાજા ચિરાગ, જાનૈયાઓ - નિકુંજ જયંતીલાલ રાણા (વરરાજાના બનેવી, રહે. બીલીમોરા), યશવંતી અરવિંદ રાણા (વરરાજાના ફોઈ, રહે. વડોદરા), પુષ્ટિ ઉર્ફે પરી સુનીલ રાણા (૨ વર્ષ, વરરાજાની ભાણેજ, રહે. વલસાડ હાલ લંડન), જીગીશા સુધીર રાણા ( વરરાજાનાં બહેન, રહે. મુંબઈ), ઇશા સુનીલ રાણા (વરરાજાનાં બહેન, રહે. વલસાડ, હાલ રહે. લંડન), મંજુલા અરુણ રાણા (વરરાજાના ફોઈ, રહે. વલસાડ) અને શૌર્ય સુધીર રાણા (બે વર્ષ, વરરાજાના ભાણેજ, રહે. મુંબઈ) સાથે અર્ટિગો કારમાં બીલીમોરા આવવા નીકળ્યાં હતાં.
અન્ય સંબંધીઓ લક્ઝરીમાં બીલીમોરા આવવા નીકળ્યા હતા. કાર વરરાજાના બનેવી નિકુંજ હંકારી રહ્યા હતા. મળસ્કે ૩.૩૦ વાગ્યે કાર પંચલાઈ ગામ પાસે પહોંચી હતી ત્યારે હાઈવે પર ડિવાઇડર કુદાવીને રોંગ સાઇડમાં ફંગોળાઈ હતી. એ જ સમયે મુંબઈ તરફ જતો ટેમ્પો સામેથી આવતો હતો તેની સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. નિકુંજને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ચૈતાલી, યશવંતીબેન (વરરાજાની ફોઈ), પુષ્ટિ ઉર્ફે પરી અને નિકુંજ સહિત ચારનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે વરરાજા ચિરાગ, જીગીશાબેન, મંજુલાબેન, ઇશા અને શૌર્યને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
બનાવની જાણ થતાં પોલીસ અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈએ વરરાજાના ફોન પરથી લકઝરીમાં સવાર સંબંધીને ફોન કરતાં બધાને ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માતમાં નવવધૂના મોતની સાસરે અને પિયર પારડીમાં ફેલાતાં લોકોમાં શોકની લાગણી પ્રસરી હતી. પોસ્ટમોર્ટમ બાદ ચૈતાલીના મૃતદેહને તેના સાસરે બીલીમોરા લવાયો હતો. અન્ય મૃતદેહોને તેમના ઘરે મોકલી દેવાયા હતા. નવવધૂની સાસરિયામાં જ અંતિમવિધિ કરાઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજા ચિરાગને અંતિમવિધિમાં આવ્યો હતો. ચૈતાલીનો મૃતદેહ સાસરે લાવવામાં આવ્યો ત્યારે આખા ગામના લોકો આંસુ રોકી શક્યા નહોતા.
પહેલીવાર જ પિતાને મળી હતી પૃષ્ટિ
વરરાજા ચિરાગભાઈના બહેન ઈશા સુનિલ રાણા અને પૃષ્ટિ સુનિલ રાણા ખાસ લંડનથી પધાર્યા હતા. આ અકસ્માતમાં ઈશાબેન ઘાયલ થયા હતા, પરંતુ તેમની દીકરી અને વરરાજાની ભાણેજ બે વર્ષની પૃષ્ટિ કાળનો કોળિયો બની હતી. પુષ્ટિ પહેલી જ વાર વલસાડમાં તેના પિતા સુનિલભાઈને મળી હતી.