વરસાદ વેરી બન્યો

અમરેલી પંથકમાં ૨૪ કલાકમાં ૨૭ ઇંચઃ રાજ્યમાં ૮૩નાં મૃત્યુ, કરોડો રૂપિયાનું નુકસાન

Wednesday 01st July 2015 06:07 EDT
 
 

અમદાવાદઃ જે પોષતું તે મારતું... જે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદનું વ્હાલ વરસાવીને લોકોને તરબોળ કરી દીધા હતા તે જ મેઘરાજાએ ગયા સપ્તાહે તેના રૌદ્ર સ્વરૂપનો પરચો દેખાડ્યો હતો. રાજ્યભરમાં ગયા બુધવારે વંટોળ સાથે ત્રાટકેલા ભારે વરસાદે ઠેર ઠેર તબાહી વેરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં. સ્ટેટ કન્ટ્રોલ સેન્ટરના સત્તાવાર આંકડા અનુસાર, ભારે વરસાદે રાજ્યમાં ૮૩ માનવ-જિંદગીનો ભોગ લીધો છે, જેમાંથી ૩૪ મૃત્યુ માત્ર સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં નોંધાયા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં બાંધકામ અને ખેતકાર્યમાં જોડાયેલા અનેક આદિવાસી શ્રમિક પરિવારો લાપતા હોવાથી મૃત્યુઆંક ૨૫૦થી પણ વધી જવાની દહેશત વ્યક્ત થઇ રહી છે. ૫૦૦૦થી વધુ અબોલ જીવો ધસમસતા પૂરમાં તણાઇ ગયા છે. તો માલમિલ્કતને ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
અમરેલી અને તેની આસપાસના બગસરા, ધારી સહિત ગીર પંથક ઉપર તો ૨૪ જૂને જાણે વાદળાં ફાટ્યા હોય તેમ ૨૪ કલાકમાં ૨૭ ઇંચથી વધુ વરસાદ પડતાં ચોમેર જળબંબાકાર થઇ ગયું હતું. બગસરામાં એટલા પાણી ભરાયા હતા કે લોકોને મકાનના બીજા મજલે આશરો લેવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં હેલિકોપ્ટર વડે રાહત-બચાવ કાર્ય હાથ ધરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ૧૯૯૮માં કંડલા બંદર પર આવેલાં સંકટ બાદ ગુજરાતની આ સૌથી મોટી પૂરહોનારત હોવાનું મનાય છે.
અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના અમુક ભાગોમાં આવેલાં વિનાશક પૂરમાં ૫૦૦૦ જેટલા ગાય, ભેંસ, બળદ, ઘેટાં, નીલગાય સહિતના અબોલ જીવો પણ મૃત્યુ પામ્યા છે. જ્યારે રોડ, મકાનો, જમીન અને પાકને પારાવાર નુકશાન થયું છે.
રાજ્યના કૃષિ પ્રધાન બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, ૪૦૦૦ પાલતુ પશુ અને ૧૦૦૦ અન્ય પશુ સાથે કુલ પાંચેક હજાર પશુના મોત થયા છે. આમ રૂ. ૧૨ કરોડનું નુકસાન તો પશુધન ગુમાવવાથી થયું છે. આ ઉપરાંત અમરેલી-ક્રાંકચ વિસ્તારમાં વસતા અનેક સિંહો પણ પૂરમાં મૃત્યુ પામ્યા છે. સોમવાર સુધીમાં આઠ સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે અમરેલી-ભાવનગર ૬૦૦ જેટલી નીલગાયના પણ મૃત્યુ છે.
અમરેલી, ગોંડલ, રાજકોટ અને ગીર-સોમનાથ જિલ્લામાં મેઘતાંડવમાં મૃત્યુ પામેલાં લોકોના સ્વજનોને રૂ. ચાર લાખની સહાય ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જ્યારે કુદરતી આફતના કારણે ૬૦ ટકાથી વધુ અપંગ થઇ જનાર વ્યક્તિને રૂ. બે લાખ સુધીની સહાય ચૂકવાશે.
ખેતમજૂરો ગાયબ
ખેતરમાં વાવણીની સિઝન શરૂ થઇ હોવાથી દાહોદ, ગોધરાના ૬૦૦૦ જેટલા મજૂરો અમરેલી જિલ્લામાં આવ્યા હતા. તેઓ ખેતરોમાં ઝુંપડા બાંધીને રહેતા હતા. આમાંના ઘણાં પૂર બાદ લાપતાં છે. જિલ્લા વહીવટી તંત્ર પાસે તેમના નામ-સરનામાની કોઈ નોંધ નથી. આ સંજોગોમાં ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરતાં ખેતમજૂરોની સત્તાવાળાઓને જાણ કરશે ત્યારે મૃત્યુઆંક ઘણો વધવાની સંભાવના છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ખેતરોમાં કામ કરતાં મજૂરો અને વાહનોનો કોઈ અતોપતો નથી. આથી મૃત્યુઆંક ૨૫૦થી પણ વધી જાય તેવી શક્યતા છે.
હવે રોગચાળાનો ખતરો
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે અમરેલી જિલ્લા પર મેઘરાજે વર્તાવેલા કાળા કેરની અસર જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે એમ-એમ બહાર આવતી જાય છે. ૨૩ જૂનની હોનારતના ચાર દિવસ બાદ પણ અંતરિયાળ વિસ્તારના અનેક ગામમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાયેલા જોવા મળતા હતા. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવકિચડના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જિલ્લા ક્લેક્ટર દ્વારા પશુઓના મૃતદેહો અને સડી ગયેલા અનાજનો નિકાલ શરૂ કરાવવામાં આવ્યો છે. પાણીમાં પલળી ગયેલી અને રોગચાળો ફેલાવે તેવી અનાજ-સામગ્રીને સળગાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અંતરિયાળ રેલવ્યવહાર ઠપ્પ
અમરેલી અને રાજકોટ જિલ્લામાં મેઘરાજે વરસાવેલા કેરને કારણે અમરેલી મથકથી આજુબાજુનાં ગામડાંઓને જોડતાં ટ્રેનવ્યવહારને પારાવાર નુકસાન થયું છે. વેર્સ્ટન રેલવેના સિનિયર ઓફિસર કે. ડી. વર્માના જણાવ્યા પ્રમાણે, ‘ઇન્ટર્નલ ગામડાંઓને જોડતો રેલવે રૂટ તો આવતા એક મહિના સુધી ચાલુ થઇ શકે તેવી કોઇ શક્યતા જણાતી નથી. ઓછામાં ઓછાં ૧૦૦ કિલોમીટરનો રૂટ ડેમેજ થયો છે. તો અમુક જગ્યાએ તો પાટા મૂળ જગ્યાએથી ઉખડીને પાણીમાં તણાઇને ૫૦થી ૧૦૦ ફૂટ દૂર ખેંચાઇ ગયા છે. ભારે વરસાદથી વેસ્ટર્ન રેલવેને અંદાજે રૂ. ૧૦ કરોડનું નુકસાન થયાનું મનાય છે.
વનરાજ ‘ગરીબડો’ બન્યો
અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે એશિયાટિક લાયનના એકમાત્ર અભ્યારણ્યમાં વસતાં ડાલામથ્થા સાવજોની હાલત કફોડી થઇ છે.
અમરેલી જિલ્લામાં પૂરના પાણીથી બચવા એક સિંહ ગાંગડિયા ગામમાં ઘૂસી ગયો હતો તો ઇંગોરાળામાં ભીમનાથ મંદિરમાં સિંહ ભરાઇ ગયો હતો. શેત્રુંજય નદીના કિનારે એક સિંહ કાદવમાં ખૂંપી ગયો હતો.
ગીર ફોરેસ્ટના અધિકારીઓનું માનવું છે કે વરસાદમાં બાળસિંહો પણ માર્યા ગયા હોવાની શક્યતા છે. જંગલના માર્ગો ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પણ તપાસ કરાશે. વન વિભાગે ડ્રોનની મદદથી સિંહોની ભાળ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. જ્યાં સિંહોનો મુખ્ય વસવાટ મનાય છે તેવા તમામ વિસ્તારોમાં તપાસ કરાશે.
ખોરાક-પાણીની સમસ્યા
અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ૫૮૦ ગામોમાં ત્રણેક દિવસ વીજપુરવઠો ખોરવાયેલો રહ્યા બાદ હવે અમુક ગામોમાં વીજપુરવઠો ફરી સ્થપાયો છે. એક તરફ, લોકોના ઘરમાં અનાજ પલળી ગયું હતું કે તણાઈ ગયું હતું, અને બીજી તરફ, જે કોઇની પાસે અનાજનો થોડોઘણો જથ્થો બચ્યો હતો તેઓ વીજપુરવઠાના અભાવે અનાજ દળાવી શકે તેમ નહોતા. વીજળીના અભાવે લોકો માટે બેડું એક પીવાનું પાણી મેળવવાનું પણ મુશ્કેલ બન્યું હતું. આજે પણ ઘણા અસરગ્રસ્ત ગામના લોકો વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પૂરાં પડાતાં ફૂડ પેકેટસ પર નભી રહ્યા છે. તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે અને શક્ય તેટલી જલ્દી વીજળી અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા પ્રયત્નશીલ છે.
૬૦૩ ગામના ખેતરો ધોવાયા
અમરેલી જિલ્લામાં નદીઓનો પ્રવાહ ખેતરોમાં ફરી વળતા ૬૦૩ ગામોમાં અતિ ફળદ્રુપ જમીન ધોવાઈ ગઈ છે. અનાજ અને ફળોના બગીચાની જમીનમાં ઉંડા ખાડા પડી જતાં ધરતીનો તાત ૧૦ વર્ષ સુધી ખેતી ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ૧૯૮૨ની પૂર હોનારત કરતાં પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ખેતરોનું તો જાણે અસ્તિત્વ જ મટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાતા કૃષિ અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. ફળદ્રુપ જમીન ધોવાઇ જતાં કરોડો રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડશે તેમ મનાય છે.
કપરી સ્થિતીમાંથી બહાર આવવા સરકારી મદદની સાથોસાથ સુરતના હીરાના વેપારીઓ અસરગ્રસ્ત ગામોને દત્તક લે તો જ આ સ્થિતીમાંથી બહાર નીકળી શકાય તેમ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લાના આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડાયમંડ કટીંગ અને પોલીશીંગ યુનિટ કાર્યરત છે. આ ઉપરાંત અહીંના સેંકડો યુવાનો સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે.
હવાઇ નિરીક્ષણ
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અસરગ્રસ્તોને નિયમ મુજબ પ્રારંભિક સહાય તાત્કાલિક ચૂકવવા અને માલઢોરના નુકસાનીનું વળતર-સહાય ૨૪ કલાકમાં આપવાની સાથોસાથ અસરગ્રસ્તોને એક સાથે ૧૦ દિવસનું કેશડોલ્સ અને ઘરવખરીની નુકસાની ચૂકવવા તાકીદ કરી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફાટી નીકળે તે માટે સાફસફાઈ કરીને દવાનો છંટકાવ અને પાણીના ક્લોરિનેશનની કામગીરી કરવા તંત્ર કામે લાગ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter