અમદાવાદઃ મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર - 20 માર્ચે વહેલી સવારે 5.30 કલાકે સ્ટોર ખોલતાં જ હુમલાનો ભોગ બન્યા હતા. આ હુમલામાં 56 વર્ષીય પ્રદિપભાઈ રતિલાલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે તેમની 24 વર્ષની પુત્રી ઉર્મિ પટેલે શનિવાર - 22 માર્ચના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
વર્જિનિયા સ્ટેટમાં સ્થાયી થયેલા પ્રદિપભાઈ પટેલ ત્રણ પુત્રીના પિતા હતા. તેઓ હુમલામાં મૃત્યુ પામેલી સૌથી નાની દીકરી ઊર્મિ, પત્ની અને જમાઈ સાથે રહેતા હતા. મૃતક પ્રદિપભાઈની મોટી દીકરી વિધિ પતિ સાથે કેનેડામાં વસે છે. જયારે બીજા નંબરની પુત્રી આર્મી અમદાવાદ ખાતે રહે છે.
નિત્યક્રમ મુજબ, ગુરુવારે વહેલી સવારે પ્રદિપભાઈ અને ઉર્મિ સ્ટોર ખોલીને સામાન ગોઠવી રહ્યા હતા ત્યારે અચાનક બહારથી આવેલા જ્યોર્જ ફિઝિયર નામના અશ્વેત હુમલાખોરે પ્રદિપભાઈના માથાની પાછળના ભાગે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગંભીર ઈજાઓ પામેલા પ્રદિપભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ સમયે પુત્રી ઉર્મિ દોડીને સ્ટોરમાં આવતા જ હુમલાખોરે તેને પણ માથામાં ગોળી મારીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્ટોર ઉપર પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત ઉર્મિબેનને હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરીને માથામાંથી ગોળી બહાર કઢાઈ હતી.
અમેરિકામાં જ અંતિમવિધિ: પરિવાર
મહેસાણા જિલ્લાના કનોડાના વતની અને મૃતક પ્રદિપભાઈના કાકા ચંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રદિપભાઈના પિતા અને મારા મોટાભાઈ રતિભાઈ પટેલ ઘણા વર્ષો અગાઉ જ અવસાન પામ્યા છે. છ વર્ષ અગાઉ પ્રદિપભાઈ તેમના પત્ની અને પુત્રી અમેરિકા વિઝીટર વિઝા ઉપર ગયા હતા. ત્યારબાદ, ત્યાં જ વર્જિનિયામાં સ્થાયી થયા હતા. સ્ટોર માલિકના પિતરાઈ ભાઈ સાથે પુત્રીના લગ્ન થયા હતા. પ્રદિપભાઇ તેમના પત્ની, પુત્રી અને જમાઈ સાથે સુખેથી રહેતા હતા. કેનેડા રહેતી દીકરી મારફત આ ગોઝારી ઘટનાની જાણકારી મળી હતી. આ દુ:ખદ ઘટનાથી કનોડા સહિતના પંથકમાં શોક છવાયો છે. કેનેડા રહેતી દીકરી ત્યાં પહોંચી ગઈ છે. અંતિમવિધિ ત્યાં અમેરિકામાં જ કરવાનો નિર્ણય લેવાયો છે.