ગાંધીનગરઃ પાટનગરના મહાત્મા મંદીરમાં યોજાયેલી ૮મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૭૮ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ - સમજૂતી કરાર) થયા છે. જે ગત વાઇબ્રન્ટ સમિટ કરતાં ૨૫૦૦ વધુ છે. અલબત્ત, આ વખતે એમઓયુ થકી ગુજરાતમાં આવનારા મૂડીરોકાણનો આંકડો જાહેર કરાયો નથી. ગુજરાત સરકારની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસી અંતર્ગત રિલાયન્સ ડિફેન્સ સહિતની સાત કંપનીઓએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. ૭૦૦૦ કરોડના એમઓયુ કર્યા છે. વાઇબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનું હબ બની શકે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતને ૨૦ લાયસન્સ અપાયા છે. ફાઈટર પ્લેન, હેલિકોપ્ટરના ઉત્પાદનમાં ગુજરાતને સારી તક રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટથી ગુજરાતના બ્રાન્ડિંગ સાથે અન્ય દેશો સાથે બોન્ડીંગ પણ થયું છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ભારત માતા જગતજનની બને, હવે તે સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો ક્યારેય નોબેલ લોરિયેટ્સને મળ્યા નહોતા. વાઇબ્રન્ટ સમિટ થકી તે શક્ય બન્યું. નવ નોબેલ લોરિએટ્સ અહીં આવ્યા અને સ્કૂલ-કોલેજમાં જઈને યુવાનો, બાળકોને મળ્યા. તેમની પાસેથી પ્રેરણા લઈને આપણા યુવાન નોબેલ લોરિએટ્સ બનીને આવે, તેવી સ્થિતિનું સર્જન થયું છે.
અનેકવિધ ક્ષેત્રે સમજૂતી કરારઃ નીતિન પટેલ
વાઈબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ત્રણ દિવસ દરમિયાન ૨૫,૫૭૮ એમઓયુ થયા હોવાનું રિપોર્ટકાર્ડ જાહેર કર્યું હતું. જેમાં એમએસએમઇ સેક્ટરમાં ૧૮,૫૩૩, જ્યારે રૂ. ૧૦ કરોડથી વધુનું રોકાણ ધરાવતા સબ લાર્જ સેક્ટરમાં ૫,૯૩૮ અને રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું રોકાણ ધરાવતા બાવન એમઓયુ થયા છે. જમાં ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં ૧૨ પાવર, ઓઈલ અને ગેસમાં નવ કરારનો સમાવેશ થાય છે. જ્યારે મૂડીરોકાણ વગર માત્ર ટેકનોલોજી કે અન્ય સાંસ્કૃતિક સહકાર માટે સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ માટે ૧૧૦૭ એમઓયુ કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ત્રણ દિવસની સમિટમાં ૭૪,૦૧૦ ડેલિગેટ્સનું રજિસ્ટ્રેશન અને ૨,૭૩૪ ફોરેન ડેલિગેટ્સ આવ્યા હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ૨૦૦૩થી દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટના અને તેના કરારોની સંખ્યાની સાથે સેક્ટરવાઈઝ મૂડીરોકાણ અને રોજગારની તકોના આંકડાઓ પણ જાહેર કરવામાં આવતા હોય છે. જોકે આ વખતે તેમ કરવાનું સરકારે ટાળ્યું છે.
હવે વાઇબ્રન્ટની જરૂર નહીં રહેઃ પર્રિકર
સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે, હવે આ વાઇબ્રન્ટ ગુજરાત વિકાસનો એક એવો મોટો પ્રતિસાદ બની ચૂક્યો છે કે સંભવતઃ હવે વાઇબ્રન્ટ ગુજરાત કરવાની જરૂર નહીં રહે કારણ કે જેટલી ઝડપથી એમઓયુ સાઇન થયા છે તેને અસરકારકતા અને પારદર્શિતા સાથે કાર્યરત કરવા માટે ખૂબ જ શક્તિની જરૂર પડે છે.
પર્રિકરે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટનો દિવસ ગુજરાતના લાખો યુવાનો માટે રોજગારીની તકો લઈને આવ્યો છે. ગુજરાત સરકાર ઘણા કઠિન પરંતુ લાંબા ગાળે ફાયદાકારક નિર્ણયો લે છે. ગુજરાત ઉત્પાદનકર્તા રાજ્ય હોવાથી તેને જીએસટીના અમલીકરણથી ટૂંકા ગાળા માટે કોઈ લાભ નહીં થાય, પરંતુ લાંબા ગાળે ફાયદો મળશે. આમ છતાં રાજ્ય સરકારે જીએસટીના અમલીકરણનો ત્વરિત નિર્ણય લીધો. વાઇબ્રન્ટ સમિટે સંરક્ષણ ક્ષેત્રને ઔદ્યોગિક સ્વરૂપ આપવામાં એક મોટું ચાલકબળ આપ્યું છે.
આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (એએફડીબી)ના સેક્રેટરી વિન્સેન્ટ એહેલે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ વિદેશી રોકાણકારો માટે એક અનોખું પ્લેટફોર્મ બન્યું છે. આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની આવતા મે મહિનામાં યોજાનારી એન્યુઅલ મિટીંગનું યજમાન ગુજરાત બન્યું છે, જે મહાત્મા મંદિરમાં યોજાશે. ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે કહ્યું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપે વિકસી રહેલું અર્થતંત્ર બન્યું છે. ડિમોનેટાઇઝેશનના કારણે કેટલાક અવરોધ તો આવ્યા છે, પરંતુ તેણે નવી તકો પણ આપી છે, તે સારી બાબત છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, કેમિકલ-પેટ્રોકેમિકલ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રે લીડર બન્યું છે. ટોરેન્ટ ગ્રૂપના સુધીર મહેતાએ કહ્યું કે અમે સમિટમાં ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા છે અને ગુજરાત હંમેશા અમારી પ્રાયોરિટીમાં રહેશે.