ગાંધીનગરઃ વાઈબ્રન્ટ સમિટની નવમી આવૃત્તિના ઉદઘાટન પ્રસંગે ગુજરાત પધારવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દિલ્હી જઈને આમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન નિવાસસ્થાને નવમીએ યોજાયેલી બેઠકમાં સમિટની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી.
આગામી વર્ષ ૨૦૧૯ના આરંભે ૧૯મી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસની વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થશે. આ વખતે પહેલીવાર વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા-ડેની ઉવજણી પણ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજયા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દર બીજા વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટની નવમી આવૃત્તિમાં વિશ્વના ૧૨ દેશો ગુજરાતની સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ૨૦ જાન્યુઆરી સુધી યોજાનારી સમિટમાં ૧૦૦થી વધુ દેશોના ૩૦ હજારથી વધારે ડેલિગેટ્સ ગુજરાત આવશે. આફ્રિકા ડેની ઉજવણી એ આફ્રિકા સાથે ઈમ્પોર્ટ સહિતના સંબંધો વિકસાવવાની દિશામાં ગુજરાત અને ભારત સરકારનો ઉદ્દેશ્ય છે.
આ મુદ્દે ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે જણાવ્યું હતું કે, આ વખતે વાયબ્રન્ટ સમિટમાં દેશ અને દુનિયાને ૨૦૨૨ના ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવશે. રાજ્યમાં ચાલતા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રચર પ્રોજેક્ટ પૂરા થયા પછી ગુજરાત કેવું લાગશે અને તેનાથી શું બદલાવ આવશે તેનું વર્ચ્યુઅલ વીડિયો પ્રેઝન્ટેશન કરાશે.
૨૦૨૨ની ગુજરાતની ઝાંખી
હાલ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચાલતા બુલેટ ટ્રેન, રેલવેના કામો, ડેજીગેટેડ સ્ટેડ કોરિડોર, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એક્સપ્રેસ વે, મેટ્રો, ધોલેરા પ્રોજેક્ટ અને વોટર ડિસેલીનેશન પ્રોજેક્ટ સહિતના વિકાસ કામો પુરા થતા ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં કેવું પરિવર્તન આવશે તે દર્શાવવામાં આવશે.
૧૫ દેશો વાઈબ્રન્ટમાં કન્ટ્રીપાર્ટનર બનશે
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, યુએઈ, ચેકરિપબ્લિક, નોર્વે, સા. કોરિયા, થાયલેન્ડ, ઉઝબેકિસ્તાન, મોરક્કો અને ઇથોપિયા સહિતના દેશો વાયબ્રન્ટમાં કન્ટ્રી પાર્ટનર છે.
આ વખતે વાઈબ્રન્ટમાં શું પહેલીવાર થશે?
• દુનિયાભરમાં બદલાતી ૧૦૦થી વધારે ફ્યુચર ટેક્નોલોજી અંગે સાયન્સ સીટિ ખાતે સ્ક્રીન શો યોજાશે.
• ૧૫થી ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન દુબઈ ફેસ્ટની તર્જ પર અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં ૧૫ હજારથી વધુ શોપ ખોલી નાના ટ્રેડર્સને વેપારની તક અપાશે.
• ગુજરાતના એક્સપોર્ટનો ૩૦ ટકા હિસ્સો આફ્રકિ જતો હોવાથી ત્યાંના સંબંધો મજબુત કરવા આફ્રિકા ડેની ઉજવણી કરાશે.
• ગ્લોબલ ટ્રેડ શોમાં બાયર-સેલર મીટમાં દેશમાંથી ૧ હજાર અને વિદેશથી ૫૦૦ બાયર્સને બોલાવશે.