અમદાવાદઃ નવમી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ગુજરાત અને આફ્રિકા વચ્ચે વ્યાપારિક સંબંધો વધે તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે. આ વખતે દક્ષિણ આફ્રિકા અને મોરક્કો વાઈબ્રન્ટ સમિટમાં મુખ્ય કન્ટ્રીપાર્ટનર હશે. ગુજરાતમાં મૂડીરોકાણ થાય, ઉદ્યોગકારો વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, વિવિધ તકો વિશે વિચાર વિમર્શકરી શકે તે હેતુથી ૧૯મી જાન્યુઆરીએ આફ્રિકન ડે ઉજવવા પણ નક્કી કરાયું છે.
આરોગ્ય, ફાર્મા, પેટ્રોકેમિકલ્સ, ખેતી આધારિત ઉદ્યોગો, હીરા-ઝવેરાતનો વેપાર, ખાણ-ખનીજ જેવા વિષયો પર આફ્રિકન દેશોનું પ્રતિનિધિમંડળ ધ્યાન આકર્ષિત કરશે તેવો ઉલ્લેખ કરતાં અગ્રસચિવ એસ. જે. હૈદરે જણાવ્યું કે વિદેશની ખરીદદારો હશે તે જોતાં રિઝર્વ બ્રાયર-સેલર મીટનું આયોજન કરાયું છે. નાના ઉદ્યોગ અને મધ્યમ કક્ષાના સ્પેરપાર્ટસ બનાવવા ઉદ્યોગ સહિતના કામ સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠકો યોજી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કેમ વધે તેના પર ખાસ ધ્યાન દોરવામાં આવશે.
મુલાકાતીઓને પ્રથમ વાર બુલેટ ટ્રેન સિમ્યુલેટર જોવાનો ય લહાવો મળશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના રોબોટ કયા કયા કામો માટે ઉપયોગમાં આવે છે તે પણ ટ્રેડ શોમાં જોવા મળશે. કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ સહિત કુલ ૧૬ દેશોના પેવેલિયન પણ નિહાળવા મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આયુષ્યમાન જેવી યોજનાઓનું પણ પ્રદર્શન ટ્રેડ શોમાં યોજવામાં આવશે.
ગ્લોબલ ટ્રેડ શોનું ૧૭મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરાશે. ૧૮થી ૨૦ જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેનારાં ઉદ્યોગકારો, આમંત્રિતો માટે અનામત રખાશે જ્યારે ૨૦મી જાન્યુઆરીએ આ પ્રદર્શનમાં તમામ મુલાકાતીઓ ખુલ્લું મુકાશે. ગ્લોબલ ટ્રેડ શોના આયોજન માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ટ્રેડ શોમાં ૧૦૦ દેશોના ૩ હજાર આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ભાગ લે તેવી સંભાવના છે.
૧૯મીએ અમદાવાદમાં રિવરફ્રન્ટમાં ખાદીની થીમ પર ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ફાર્મ ટુ ફેબ્રિક ફેશન શોનું આયોજન કરાયું છે જે આકર્ષણ જન્માવશે.