વાપીનાં ભાનુબહેને પોતે જ્યાં ભણીને ઉદ્યાગપતિ બન્યાં તે શાળાનું રૂ. 80 લાખના ખર્ચે નવનિર્માણ કરાવ્યું

Friday 04th November 2022 08:21 EDT
 
 

વાપી: વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ સ્થાન પર પહોચે પરંતુ પોતાના વતનને તે કદી ભુલતી નથી એવું કહેવાય છે. આ વાતને વાપીની મહિલા ઉદ્યોગપતિએ ચરિતાર્થ કરી બતાવી છે. ધરમપુર તાલુકાની જર્જરિત સ્કૂલમાં અભ્યાસ કરનાર આ મહિલાએ તાજેતરમાં રૂ. 80 લાખનું માતબર દાન આપીને વિદ્યાલયને અદ્યતન બનાવ્યું છે. અનોખી રીતે વતનનું ઋણ અદા કરતાં તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિના ઉમદા ઉદેશ્ય સાથે 1945માં શરૂ થયેલું છાત્રાલય સમયાંતરે જર્જરીત બનતા તેને નવીનીકરણની જરૂર ઊભી થઈ હતી, ત્યારે પોતાના વતન અને પોતે જે શાળામાં શિક્ષણ મેળવ્યું તેનું ઋણ ચુકવવા વાપીનાં ઉદ્યોગપતિ ભાનુબેન દિનકરભાઈ પટેલે રૂ. 80 લાખના ખર્ચે ધરમપુર નજીકના ભૂતસર ગામના રાષ્ટ્રીય વિદ્યાલય ખાતે હોસ્ટેલનું નિર્માણ કર્યું છે.
185 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કુમાર છાત્રાલયનું તાજેતરમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મહિલા ઉદ્યોગપતિ ભાનુબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1903માં ભૂતસરની બાજુમાં આવેલા બોદલાઈ ગામે શાળા શરૂ કરવામાં આવી હતી. બાદમાં અંતરિયાળ ગામના આદિવાસી બાળકો પણ શિક્ષણ મેળવી શકે તે હેતુથી 1945 માં છાત્રાલય શરૂ કરાયું હતું. જોકે 1992માં હોસ્ટેલમાં આગની ઘટના બાદ તેને 1993માં ભૂતસરમાં ખસેડાયું હતું.
અન્ય દાતાઓએ પણ હાથ લંબાવ્યો
ભૂતસર વિદ્યાલયમાં કેટલીક જરૂરિયાત અંગે વાપી વીઆઇએ દ્વારા આ સુવિધા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાનુબેન પટેલની કામગીરીને બિરદાવવા યોજાયેલા વિદ્યાલયના લોકાર્પણમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, મિકાસ ઓર્ગેનિકના સંચાલક પ્રણવ શાહ, રાજુલ શાહ, વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતિષ પટેલ, યોગેશ કાબરિયા, મિલન દેસાઇ, શિરિષ દેસાઇ, હેમાંગ નાયક હાજર રહ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter