અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠકની પેટાચૂંટણીમાં છેલ્લા રાઉન્ડની ભારે રસાકસીના અંતે ભાજપનો વિજય થયો છે. પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ બેઠક જીતીને ભાજપે લોકસભા ચૂંટણીમાં હારનો બદલો લીધો છે. ભાજપનો વિજય ભલે ખૂબ પાતળી સરસાઈથી થયો, પણ રાજકીય નિરીક્ષકો કહે છે કે વાવ બેઠક પરથી ‘બનાસની બેન’ ગેનીબેન ઠાકોરનો જાદુ ઓસર્યો છે. જાતિ આધારિત ચૂંટણીજંગમાં ઠાકોરોએ રંગ રાખ્યો છે, અને ભાજપને સાથ આપ્યો છે. ભારે રસાકસીને અંતે વાવમાં કમળ ખીલ્યું, ગુલાબ મુરઝાયું છે ત્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્ય રહ્યા છે.
ગુજરાત ભાજપ માટે પ્રતિષ્ઠા અને કોંગ્રેસ માટે વટનો સવાલ બની ગયેલી વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે લોકસભાની હારનો બદલો લઈ લીધો છે એમ કહી શકાય. આ બેઠકમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરનો 2442 મતે વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાથે અપક્ષ માવજી પટેલને કારમી હાર મળી છે. શનિવારે મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવારની 21મા રાઉન્ડ સુધી સરસાઈ જોઈને ભાજપે હાથ ધોઈ નાંખ્યા હતા પરંતુ ત્યારપછીના ત્રણ રાઉન્ડની સરસાઈએ પરિણામ પલટી નાંખ્યું હતું. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવા માવજી પટેલ વચ્ચે જંગ હતો.
જીત્યા તો નહીં, પણ નડ્યા જરૂર
ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આખી સરકાર અને સંગઠને આકાશ-પાતાળ એક કર્યા હતા. અંતે જ્યારે તમામ 24 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતાં ભાજપને 92,176 મત, કોંગ્રેસને 89,734 મત અને અપક્ષ માવજી પટેલને 27,195 મત મળ્યા હતા. ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજના નિર્ણાયક મતો છે તેવી આ બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરીએ બન્ને મુખ્ય પક્ષના ઉમેદવારોને નુકસાન કર્યું છે.
ગેનીબેન ઠાકોરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર છેલ્લા એક મહિનાથી સત્તાધારી ભાજપ, સંગઠન અને કોંગ્રેસનું પ્રદેશ એકમ જીત માટે પ્રચારમાં ગળાડૂબ હતું. લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરને એમ હતું કે તેમની પસંદગીના ગુલાબસિંહ જીતી જશે. શરૂઆતના ટ્રેન્ડમાં એવું લાગ્યું પણ ખરૂં કે કોંગ્રેસની લીડ ભાજપના ઉમેદવાર તોડી નહીં શકે, જોકે અણધાર્યો વળાંક છેલ્લા ત્રણ રાઉન્ડમાં આવ્યો, કે જ્યારે ભાભર વિસ્તારમાંથી ભાજપને થોકબંધ મતો મળવા લાગ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસ માટે વટનો જંગ
છેલ્લા લાંબા સમયથી ગેનીબેને વાવ બેઠક પર ભાજપને ફાવવા દીધું નથી. આખા રાજ્યમાં ભલે કેસરિયો છવાયો હોય, પણ આ બેઠક પર તેમણે કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો હતો. વાવ બેઠકની પેટાચૂંટણી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ બન્યો હતો જયારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય માટે પણ લિટમસ ટેસ્ટ બની રહ્યો હતો. હવે જયારે આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે ત્યારે ભાજપના નેતાઓની ઈજ્જત સચવાઈ ગઈ છે એમ કહી શકાય.
કોંગ્રેસની ગણતરી ખોટી પડી, ભાજપની મહેનત ફળી
વાવ બેઠક જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આઠ-આઠ કેબિનેટ પ્રધાનો અને ભાજપના નેતાઓ વાવમાં પડ્યા પાથર્યા રહ્યાં હતા. ખુદ ગૃહમંત્રીએ અડિંગા જમાવ્યા હતાં. પરિણામે ભાજપને ધાર્યું પરિણામ મળ્યું હતું. આ બાજુ, બહુ ગાજેલા અપક્ષ માવજી પટેલ ગેમચેન્જર સાબિત થશે તેવી કોંગ્રેસની ગણતરી ઊંધી પડી ગઈ હતી. માવજી પટેલ ભાજપના મતોમાં ગાબડું પાડશે તે ધારણા ખોટી પડી હતી. આ ઉપરાંત ભાજપ અને માવજી પટેલ વચ્ચે રાજકીય દુશ્મનીનો કોંગ્રેસ લાભ ઉઠાવી શક્યું નહીં. લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠક પર જીત મેળવ્યા બાદ કોંગ્રેસ ફૂલફોર્મમાં હતી અને કોંગ્રેસને તેનો આ જ વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો હતો.
ભાજપે લોકસભાની હારનો બદલો લીધો
ભાજપે વાવ બેઠક કબજે કરીને લોકસભાની હારનો બદલો લીધો છે. ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથ પર 70 ટકા મતદાન થયું હતું જે ભાજપને કામ લાગ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને આ બેઠક પર સૌથી વધુ 1,02,513 મતો મળ્યા હતા અને તેમનો 15,601 મતોથી વિજય થયો હતો. 2017માં પણ ગેનીબેન ઠાકોર 6655ની સરસાઈથી અને 2012માં ભાજપના શંકર ચૌધરી 11,911 મતોની લીડથી આ બેઠક જીત્યા હતા. 1967થી આ બેઠક પર ભાજપની આ ત્રીજી જીત છે. આ પહેલાં પરબત પટેલ (2007) અને શંકર ચૌધરી (2012) ચૂંટણી જીતી ચૂક્યાં છે.
છેલ્લા ચાર રાઉન્ડમાં બાજી પલટાઇ
ગુજરાતની એક માત્ર બેઠકની ચૂંટણીમાં કેસરિયો ફરક્યો છે. અને બનાસકાંઠાની વાવ બેઠકમાં આવતાં ભાભર તાલુકાના મતદારોએ ભાજપને આ વિજય અપાવ્યો છે. કારણ કે એકથી નવ રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો જ્યારે 10થી 15 રાઉન્ડમાં સુઈગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ અપાવી હતી. જોકે 19થી 23 રાઉન્ડમાં ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસું પલટાઈ ગયું હતું, જેમાં ભાજપના ઉમેદવારને સતત સરસાઈ મળી હતી.
ભાજપે તમામ તાકાત કામે લગાડીને લોકસભાના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો હતો. આ બેઠકના ઈતિહાસમાં ભાજપમાં આ ત્રીજી જીત છે. પ્રત્યેક રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડમાં વધારો થતો રહ્યો હતો. પરંતુ પાછળના ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારની લીડ ઝડપથી કપાઈ હતી. 14મો રાઉન્ડ ચાલતો હતો ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સરસાઇ 14,102 મતોની હતી. જોકે ત્યારપછી તેમના વળતા પાણી શરૂ થયા હતા.
પ્રથમ રાઉન્ડમાં જ કોંગ્રેસને 258 મતોની સરસાઈ મળી હતી જે બીજા રાઉન્ડમાં વધીને 304 અને ત્રીજા રાઉન્ડમાં 1174 થઈ ગઈ હતી. જ્યારે 14મા રાઉન્ડ પછી કોંગ્રેસની લીડમાં ઘટાડો થઈ રહ્યો હતો. 17મા રાઉન્ડમાં 10397થી ઘટીને 18મા રાઉન્ડમાં 8166 થઇ હતી.