અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૨૬મી જૂનથી છ દિવસ માટે અગ્રણી અધિકારીઓ સાથે ઈઝરાયેલ છે. ૨૮મી જુલાઈએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે તેમની બેઠક હતી. રૂપાણી અને નેતન્યાહુ વચ્ચે ૪૫ મિનિટથી લાંબી બેઠકમાં કૃષિ, સાયબર સિક્યોરિટી, વોટર મેનેજમેન્ટ અને ઈનોવેશન્સ વિશે ઈઝરાયેલ તરફથી ગુજરાતને વધુ સહકારની દિશામાં ચર્ચા થઈ હતી. આ તબક્કે વિચાર-વિનિયોગ પ્રોત્સાહન માટે જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની રચના કરવા ઈઝરાયેલી વડા પ્રધાને સૂચન કર્યું હતું. ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના નિર્ણય અંગે પણ રૂપાણીએ નેતન્યાહુને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત રૂપાણીએ સાયબર ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ અંગેના તજજ્ઞો સાથે પણ વિચાર વિમર્શ કરી પડકારોને પહોંચી વળવા તત્પરતા દર્શાવી હતી.
નેતન્યાહુએ બેઠકમાં કહ્યું કે, આજે ગુજરાત ઈઝરાયેલ આવ્યું છે તેનો આનંદ છે. રૂપાણીએ કહ્યું હતું કે, ઈઝરાયેલ અને ગુજરાત વચ્ચે કૃષિ તથા ઈનોવેશન ક્ષેત્રમાં સહયોગની વિપુલ શક્યતા છે. તેનો ફાયદો ખેડૂતો અને યુવાનોને મોટા પ્રમાણમાં મળી શકે તેમ છે. નેતાન્યાહુએ ઈઝરાયેલના સાયબર એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાતના યુવાનોને આપી શકાય તે માટે ચર્ચા કરી હતી. આ એપ્રેન્ટિસશીપ હેઠળ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરીને ૫થી ૧૦ સપ્તાહ ઈઝરાયેલી ઉચ્ચતમ ટેક્નોલોજીનો લાભ મળે તેવી ચર્ચા થઈ હતી. ઈઝરાયેલે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારીથી કામ કરવાની ખાતરી આપી હતી. આ બેઠક પછી રૂપાણીએ કહ્યું કે, ઈઝરાયેલે ઓછા કુદરતી પાણી સ્ત્રોત વચ્ચે રિસાયકલ્ડ વોટર-ડિસેલિનેશન વોટરથી પાણી જરૂરિયાત સંતોષી કરેલી કૃષિ ક્રાંતિ ગુજરાત માટે પથદર્શક બનશે.
ઐતિહાસિક ઈન્ડિયન હોસ્પિસ
રૂપાણીએ ઈઝરાયેલ ૨૯મી જૂને ઈઝરાયેલના પવિત્ર શહેર જેરૂસલેમમાં ૮૦૦ વર્ષ કરતાં વધુ સમયથી ભારતીયો માટેના વિરામ સ્થાન એવા ‘ઇન્ડિયન હોસ્પિસ’ની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ઇ.સ. ૧૨૦૦થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સૂફી સંત બાબા ફરીદે જેરૂસલેમની અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા સાધના કરી હતી. એ પછીથી જેરૂસલેમ થઈને મક્કા જતા ભારતીય શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાથી બાબા ફરીદની યાદરૂપે આ ધર્મસ્થળ ઇન્ડિયન હોસ્પિસ બન્યું હતું. ઇન્ડિયન હોસ્પિસ આજે પણ જેરૂસલેમ જતા ભારતીયો માટે ૭૦૦૦ સ્કવેર મીટરની જગ્યામાં વિરામ સ્થાન છે. રૂપાણીએ આ તકે ઈન્ડિયન હોસ્પિસમાં ૧રમી સદીમાં ૪૦ દિવસ સાધના કરનારા સૂફી સંત બાબા ફરીદીને પણ આદરાંજલિ પાઠવી હતી.
ઇ.સ. ૧૯ર૪થી ઇન્ડિયન હોસ્પિસનું સંચાલન અને જાળવણી ભારતના ઉત્તર પ્રદેશના સરહાનપુરના મોહમદ મુનિર નાઝીર અંસારી અને તેમનાં પત્ની કરી રહ્યાં છે. અંસારીના દાદા-પરદાદા શૌકત અને મોહમદ અલી ભારતમાં મહાત્મા ગાંધીની અસહકાર ચળવળ સાથે શરૂ થયેલા ખિલાફત આંદોલનના પ્રણેતા હતા.
મોહમદ મુનિર અંસારીને તેમની આ સામુદાયિક સેવાથી વિદેશની ધરતી પર ભારત દેશની અસામાન્ય સેવાઓ માટે ર૦૧૧માં પ્રવાસી ભારતીયનું સન્માન પણ પ્રાપ્ત છે.
મુખ્ય પ્રધાને ગુજરાત ડેલિગેશન સાથે આ ઇન્ડિયન હોસ્પિસની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, જેરૂસલેમમાં અનેક દશકોથી ભારતીય સંસ્કાર, સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની સુપેરે સાચવણી કરનાર અંસારી પરિવાર અભિનંદનને પાત્ર છે. વિશ્વના કોઇ પણ ખૂણે વસતો ભારતીય પોતાના વતનની ભૂમિના મૂલ્યો જાળવીને જ્યાં વસતો હોય એ પ્રદેશના વિકાસ સાથે સકારાત્મકતાથી તાદાત્મ્ય સાધી લે છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અંસારી પરિવાર છે. એમ પણ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું કે, જેરૂસલેમ વિશ્વભરના કરોડો લોકો માટે પવિત્ર શહેર બન્યું છે ત્યારે ભારતીયો માટે ઈન્ડિયન હોસ્પિસ માદરે વતનની અનુભૂતિ કરાવતું વિશ્રામ ધામ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
યાડ વાશેમ હોલોકોસ્ટની મુલાકાત
યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામૂહિક નરસંહારના મૃતકો તથા વિપરીત સ્થિતિમાં પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવાયેલું સત્તાવાર સ્મારક છે. આ સ્મારકમાં હોલોકોસ્ટ હિસ્ટ્રી મ્યુઝિયમ, હોલ ઓફ નેમ્સ, આર્ટ ગેલેરી સહિતના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. રૂપાણીએ આ મુલાકાત દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં મોતને ભેટેલા યહૂદી પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને તથા તત્કાલીન વિપરીત સ્થિતિ અને ભયના ઓથાર વચ્ચે પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદરૂપ થયેલા દિવંગતોને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિજય રૂપાણીએ તેની વિઝિટર બૂકમાં ટાંક્યું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો સામૂહિક નરસંહાર એ વિશ્વની સૌથી ક્રૂર ઘટનાઓ પૈકીની એક હતી. આવી ઘટનાનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી દુનિયાના તમામ દેશો, સૌ ધર્મો અને સંપ્રદાયોની છે. યહૂદી કોમે કરેલા સંઘર્ષ અને અનુભવેલી પીડાનો ઉલ્લેખ કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું કે આટઆટલી પીડા અને સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ યહૂદી કોમે જે વૃદ્ધિ અને પ્રગતિ સાધી છે તે સમગ્ર દુનિયા માટે એક મહાન દ્રષ્ટાંત છે.
ઇતિહાસ આપણને શીખવે છે કે આપણી રાષ્ટ્રીયતા કે ધર્મ ભલે ગમે તે હોય, આપણે હંમેશા માનવતાના ગુણોને પોતાની જાતમાં સદાય જીવંત અને આત્માસાત રાખવા જોઇએ. માઉન્ટ હર્ઝલના પશ્ચિમ ઢોળાવ પર આવેલું યાડ વાશેમ હોલોકોસ્ટ મ્યુઝિયમ ૧૯૫૩માં સ્થપાયું છે અને તે જેરૂસલેમની વેસ્ટર્ન વોલ પછીનું ઇઝરાયલનું સૌથી વધુ જાણીતું સ્થળ છે. ઇઝરાયેલની સ્થાપના ઇતિહાસથી વર્તમાન અને ભવિષ્યની પેઢીને સતત પરિચિત રાખવા આ યાડ વાશેમ હોલોકોસ્ટ મ્યુઝિયમની સ્થાપના થઈ છે.
વાઈબ્રન્ટ સમિટનું આમંત્રણ
પ્રવાસના અંતિમ તબક્કામાં રૂપાણીએ ઈઝરાયેલના ડાયમન્ડ બુર્શની મુલાકાત લીધી હતી તેઓ ત્યાંની ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન આપી રહેલાં ગુજરાતી પરિવારોને પણ મળ્યા હતાં. જ્યાં ઈઝરાયેલના હીરા-ઉદ્યોગકારોને જાન્યુઆરી-૨૦૧૯માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે રૂપાણીએ આમંત્રણ આપ્યું હતું. મુખ્ય પ્રધાને ઈઝરાયેલ ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝ સુરતમાં પોલિશિંગ-કટિંગ જેવા ક્ષેત્રોમાં પણ સહભાગી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ઈઝરાયલમાં આવેલાં વિશ્વના સૌથી મોટા સોરેક ડિસેલીનેશન પ્લાન્ટ અને સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલમાં ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝનો જે વ્યાપ થયો છે તેમાં ગુજરાતના અહીં વસેલાં ઉદ્યોગકારોનું મહત્ત્વનું યોગદાન છે.