અમદાવાદઃ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. હોન્ડા કંપનીના આ ફુલ્લી ઓટોમેટેડ સ્કૂટર પ્લાન્ટનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કર્યું હતું. આ પ્લાન્ટમાં દર વર્ષે ૧૨ લાખ સ્કૂટર્સનું ઉત્પાદન થશે. તાલુકામાં હોન્ડા કંપનીનું આગમન થતાં સ્પેરપાર્ટસ બનાવતી બીજી ૨૨ કંપનીઓ અહીં શરૂ થઇ છે.
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇંડિયા (એચએમએસઆઇ) પ્રા. લિ.ના આ પ્લાન્ટનું બુધવારે ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્ય પ્રધાને તેમના પ્રવચનમાં કહ્યું કે, આ પ્લાન્ટમાં વાર્ષિક ૧૨ લાખ સ્કૂટરો તૈયાર થવાના છે. જેના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી થઈ ગઈ છે. હોન્ડા કંપની આવતાં તેના સ્પેરપાર્ટસ બનાવવાની બીજી કંપનીઓ અહીં શરૂ થઈ છે. આ વિસ્તારમાં કંપનીઓએ પ્રોજેક્ટ શરૂ કરતાં માંડલ, વિરમગામ, દેત્રોજ, અને વિઠલાપુરમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકવાને કારણે ગુજરાતમાં વધુ બિઝનેસ આવશે.
આ પ્રસંગે હોન્ડા કંપનીએ ગુજરાત સરકારના સ્વચ્છતા નિધિ અભિયાનમાં ૧૦ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. તેમજ પ્લાન્ટમાં ઉત્પાદિત પ્રથમ એક્ટિવા સ્કૂટર મુખ્ય પ્રધાનને ભેટ આપ્યું હતું. ભેટ સ્વીકારતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ એકટિવા તેઓ ગુજરાતની કોઈ જરૂરિયાતમંદ દીકરીને ભેટમાં આપશે.
૨૫૦ એકરમાં ફેલાયેલી હોન્ડાની આ ગ્રીન ફેક્ટરીને વિક્રમજનક ૧૩ મહિનામાં ઊભી કરવામાં આવી છે. હાલમાં કંપનીની પ્રથમ પ્રોડક્શન લાઇન કાર્યરત થઈ છે, જે વાર્ષિક ૬ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આગામી ત્રણ-ચાર મહિનામાં ૬ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી બીજી પ્રોડક્શન લાઇન પણ કાર્યરત થશે. કંપનીનો ચોથો નવો પ્લાન્ટ કાર્યરત થતાં એચએમએસઆઇની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૨૬ ટકા વધીને ૫૮ લાખ યુનિટ્સ પર પહોંચશે.
એચએમએસઆઇના પ્રેસિડન્ટ અને સીઇઓ કીતા મુરામાત્સુએ જણાવ્યું હતું કે, ‘ભારત સહિત સમગ્ર વિશ્વમાં સ્કૂટરાઇઝેશન વધી રહ્યું છે. અમે વિઠ્ઠલાપુર ખાતેના પ્લાન્ટમાં એક્ટિવા તથા ડિયોનું ઉત્પાદન કરીશું. ભારતમાં સ્કૂટર સેગમેન્ટમાં અમે ૫૬ ટકા બજારહિસ્સો ધરાવીએ છીએ જ્યારે ગુજરાતમાં આ સેગમેન્ટમાં અમારો બજારહિસ્સો ૬૨ ટકા છે. અમારા ૨૨ સપ્લાયરોએ પણ અહીં ફેક્ટરી સ્થાપી છે અને તેમણે પણ કુલ રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે.’
એચએમએસઆઇ કુલ ૩૦૦૦ લોકોને રોજગારી આપશે જ્યારે તેના આનુષંગિક એકમો ૬૦૦૦ લોકોને રોજગારી આપશે. આ પ્લાન્ટમાં હોન્ડાએ તેની વૈશ્વિક કામગીરીમાં પ્રથમ વખત રોબોટિક પ્રેસ શોપ સ્થાપી છે.