સુરતઃ સુરતમાં અનોખો ૪૦૦ લોકો માટેનો દીક્ષાદાન કાર્યક્રમ યોજાયો હતો. જેણે રેકોર્ડ પણ સર્જયો છે. દીક્ષાર્થીઓમાં ૬ એવા પણ હતા જેણે લક્ઝુરિયલ લાઈફ છોડીને દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. જેમાં કેનેડામાં વસતી યુવતી પણ સામેલ છે. જેમણે એમ.એસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. કેનેડામાં રહેતી હેતાકુમારી ૨૪ વર્ષની ઉંમરે જ્યારે ભારત માત્ર ત્રણ અઠવાડિયા આવવાનું થયું અને ધર્મના સંસ્કારો જાગૃત થતાં દીક્ષાનું બીજ રોપાયું અને પછી માતા-પિતાની આજ્ઞા પણ મળી જતાં સુરતમાં એક સાથે છ દીક્ષામાં તેઓ પણ એક મુમુક્ષુ હતા. આ સમયે દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૪૦૦ દીક્ષા સંપન્ન થઈ હતી. જ્યારે આ પ્રસંગે આઠ જેટલાં આચાર્ય ભગવંતો સહિત ૫૦૦ જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા રહી હતી.
આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેની પાછળનું કારણ ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેની અડગ નિષ્ઠા. અનેક રેકોર્ડ વિશ્વભરમાં થતાં હશે, પરંતુ આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ૪૦૦ મુમુક્ષુઓને સંયમના માર્ગે પ્રશસ્ત કરાવ્યું છે. જૈન શાસનમાં આ એક વિશિષ્ટ રેકોર્ડ બન્યો છે. ચારસોમી દીક્ષાના ઐતિહાસિક પ્રસંગે સુરત ઇન્ડિયા બુક, એશિયા બુક અને ગુજરાત બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે.
રજોહરણ અને દીક્ષાનો કાર્યક્રમ યોજાયો
આ દીક્ષા કાર્યક્રમમાં છ દીક્ષાર્થીઓમાં કેનેડાથી આવેલી ૩૨ વર્ષીય મુમુક્ષુ હેતાકુમારી માસ્ટર ઓફ સાયન્સ ઇન કેમિસ્ટ્રીની ડિગ્રી લઈને નોકરી કરતી હતી. પૈસા, ગાડી અને બંગલો બધું જ તેની પાસે હતું. છતાં ભારતમાં શાંતિની શોધમાં આવી હતી. ૨૫ વર્ષની મુમુક્ષુ નમ્રતા બેંગ્લોરની છે. નેહા સંસ્કૃત અને પ્રાકૃતમાં માસ્ટર છે. ૧૯ વર્ષની નિધિ સભાઓ ગજવે છે. ૬૫ વર્ષના કુમારપાલ હાંડા અને સુશીલા હાંડા તખતગઢના છે. આ છ મુમુક્ષુઓની તાજેતરમાં સવારે ૮ કલાકે શોભાયાત્રા, ૧૦ કલાકે અનુમોદના, ૩ કલાકે મામેરું, ૪ કલાકે વાયણું અને રાતે ૮ કલાકે સાંસારિક અંતિમ વિદાય હતી. ત્યારબાદ સવારે ૪ કલાકે રજોહરણ અને દીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
૪૦૦મી દીક્ષા પ્રસંગ કે જે સુરતમાં યોજાઈ હતી. જેમાં વિશ્વભરનાં અનેક દેશોમાંથી મોટી સંખ્યામાં એનઆરઆઈ આવ્યા હતા. જેમાં હેતાકુમારી- હિતાત્મરેમાશ્રીજી, નમ્રતા- ઉંત્કારેમાંશ્રીજી, નેહા- ચિદાત્મરેમાશ્રીજી, નિધી- યોગાત્મરેમાશ્રીજી, સુશીલા બેન- સદગુર્ણરેમાશ્રીજી, કુમારપાલ હાડા- કિર્તનરત્ન વિજયજી નવા નામ ગ્રણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.
એનઆરઆઈ મુમુક્ષુ હેતાકુમારીએ જણાવ્યું હતું કે, જ્યારે હું ૨૪ વર્ષની ઉંમરે ભારત ત્રણ અઠવાડિયા માટે આવી હતી ત્યારે સાધ્વીજી ભગવંત પાસે વંદન કરવા ગઈ હતી. ત્યારે તેઓના ચહેરા પર પ્રસન્નતા જોઈ અને એ સમયે સમજાયું કે, મારી પાસે ભૌતિક સંસાધનો સહિત બધું જ હોવા છતાં જે શાશ્વત સુખ કે શાંતિ જોઈએ છે તે મળતી ન હોય તેવું લાગે છે. અને આ સાધ્વીજી ભગવંત કે જેઓએ બધું જ ત્યાગી દીધું છે તેમનાં મુખની પ્રસન્નતા વિશેષ છે. બસ એ જ સમયે દીક્ષાનું બીજ રોપાયું અને પછી માતા-પિતાની સંમતિ બાદ મેં આત્માના ઉદ્ધાર માટે દીક્ષા લેવાનો સંકલ્પ લીધો હતો.