મોડાસા, હિંમતનગર, બાયડઃ ભારતમાં વિદેશથી આયાત થનાર ડેરી પ્રોડક્ટ પર ડયુટી ફ્રી કરવાની હિલચાલ શરૂ કરાતાં દેશભરમાંથી ભારે વિરોધ ઊઠયો છે. હવે આ વિદેશી ડેરીઓને અટકાવવા માટે ઉત્તર ગુજરાતના પશુપાલકોએ પોસ્ટકાર્ડ આંદોલન પણ શરૂ કરી દીધું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતના ડેરી ઉદ્યોગને બચાવવા માગ કરવામાં આવી છે. હાલ પ્રથમ અરવલ્લી જિલ્લામાંથી ૫૦૦થી વધુ પશુપાલકોએ વડા પ્રધાનને પત્ર લખીને વિદેશી ડેરીઓને ભારતમાં પ્રવેશ ન આપવા વિનંતી કરી છે. આ અંગે ઉત્તર ગુજરાતના પશુપાલકોએ રોષ સાથે એવું જણાવ્યું હતું કે, વિદેશી ડેરીઓ ભારતમાં આવશે તો સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતના ૩૬ લાખ પશુપાલકો પાયમાલ થઈ અને ડેરી ઉદ્યોગ પણ પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે.
મુદ્દો શું છે?
વિદેશમાંથી ભારતમાં આયાત થનાર ડેરી પ્રોડક્ટ ઉપરની ડયૂટી ફ્રી કરવા સરકાર હિલચાલ કરી રહી છે.
આ પગલાંથી વિદેશમાંથી આયાત થનાર સસ્તા દૂધ પાઉડર અને ડેરી ઉત્પાદનથી પશુપાલકોની કમર તૂટી જશે. ડેરી ઉદ્યોગને અસર થવાથી બેરોજગારીમાં પણ વધારો થશે અને ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જશે. ત્યારે આરસીઈપી કરારમાં ડેરી ઉદ્યોગનો સમાવેશ ન કરવામાં આવે તેવી માગ ઊઠવાની શરૂ થઈ ગઈ છે.