ભુજ: ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયોમાં હિન્દી-ગુજરાતી ભાષાના પ્રોડ્યુસર તરીકે કાર્યરત કચ્છી હરિતા મહેતાને તાજેતરમાં જ સેતુરત્ન અને ગાર્ગી એમ બે એવોર્ડ એનાયત કરાયા છે. ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન વડોદરા તરફથી તેમને ‘એનઆરઆઈ સેતુરત્ન એવોર્ડ’ અપાયો છે. આ સંસ્થા દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીનાં સુકાર્યોને બિરદાવીને આ એવોર્ડ અર્પણ કરાય છે.
હરિતા મહેતા ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી કે ઓસ્ટ્રેલિયા જતાં ગુજરાતી મહાનુભાવો સાથે સંકલન સાધીને રેડિયો કાર્યક્રમ બનાવીને પ્રસ્તુત કરે છે.
આ ઉપરાંત વિશ્વ મહિલા દિન નિમિત્તે, ૮મી માર્ચે હિન્દુ કાઉન્સિલ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ હરિતાને ‘ગાર્ગી એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. હરિતાએ ખાસ કરીને ઘરેલુ હિંસાનો ભોગ બનનારી એનઆરઆઇ મહિલાઓની વ્યથાને સમાજ સામે છતી કરીને પીડિત મહિલાઓના જીવનને સુધારવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી એ બદલ તેમને ગાર્ગી એવોર્ડ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હરિતા કચ્છના પૂર્વ સાંસદ-ધારાસભ્ય અને કોંગ્રેસના એક સમયના એકલવીર અડીખમ નેતા ડો. મહિપતરાય મહેતાનાં પૌત્રી તથા ભુજના નિવૃત્ત બેંક અધિકારી દીપક મહેતાના પુત્રી છે. હરિતાને આ અગાઉ યુવા પ્રવૃત્તિ અંગે પણ ભારતના રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના સન્માન મળેલા છે.