અમદાવાદ: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના પરિવારે આચરેલા 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે તેમના 21 બેંક ખાતામાં રૂ. 15 કરોડના વ્યવહાર થયા છે. વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખ આ મુદ્દે કોઈ ખુલાસો કરી શક્યા ન હોવાનું કહેવાય છે. બોગસ કંપનીઓ ખોલીને કરાયેલા નાણાકીય વ્યવહારોમાં ગોટાળો બહાર આવતા હવે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ને પણ તપાસમાં સાંકળવાનો નિર્ણય લીધો છે. તપાસ દરમિયાન વિપુલ ચૌધરીના પુત્રના નામે અમેરિકાના ટેક્સાસમાં 9 કરોડ રૂપિયાનો બંગલો ખરીદાયો હોવાનું પણ પકડાયું છે. આ અંગે ઈડીને જાણ કરાઈ છે.
કંપનીઓનું અસ્તિત્વ જ નથી
ગાંધીનગર એસીબીના ડીવાયએસપી આશુતોષ પરમારે જણાવ્યું હતું કે, તપાસમાં બહાર આવ્યું છે કે, વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન જે કંપનીઓ ઉભી કરી હતી તે પૈકી ચારના એડ્રેસ પર તપાસ કરતા ત્યાં આવી કોઈ જ કંપની અસ્તિત્વમાં જ નથી. એસીબીએ કુલ 26 પાનકાર્ડની વિગતો ઈન્કમટેકસ વિભાગ પાસે મગાવી છે.
66 બેન્ક એકાઉન્ટની તપાસ
આ ઉપરાંત એસીબીએ વિપુલ ચૌધરી તેમની પત્ની ગીતાબેન અને પુત્ર પવનના બેંક ખાતાઓની તપાસ કરતા વિપુલ ચૌધરીના પોતાના 5, તેમની પત્નીના 10 અને પુત્રના 6 મળીને 21 સહિત કુલ 66 બેંક એકાઉન્ટની આઈટી રિર્ટનની વિગતો મગાવાઈ છે. વિપુલ ચૌધરીના પરિવારના 5 બેંક એકાઉન્ટમાંથી 250 કરોડના વ્યવહાર મળ્યા હતા.
અત્યાર સુધીમાં એસીબીની તપાસમાં બોગસ કંપનીઓ અને તેના બેંકખાતાની તપાસ ચાલી છે. હજુ વિપુલ ચૌધરીના બેંક લોકરોની તપાસ બાકી છે. આ તબકકે ચૌધરી પરિવારના બેંક લોકરોની માહિતી એસીબી દ્વારા મગાવવામાં આવી છે જેથી હજુ ઘણી વિગતો બહાર આવી શકે છે.
પત્ની - પુત્ર સામે લૂકઆઉટ નોટિસ
તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીની પત્ની અને પુત્ર સામે ગુનો દાખલ કર્યા બાદ તપાસ કરતાં તેઓ તેમના નિવાસસ્થાને તથા અન્ય સંભવિત સ્થાને મળી આવ્યા નહોતા. આ દરમિયાન તેઓ વિદેશ ભાગી જાય તેવી શકયતાને જોતાં એસીબી દ્વારા વિપુલ ચૌધરીના પત્ની ગીતાબેન અને પુત્ર પવન સામે લૂકઆઉટ નોટિસ જારી કરવા કાર્યવાહી કરશે.
બારદાનથી માંડી મિલ્ક કૂલરમાં ગેરરીતિ
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને સીએ શૈલેષ પરીખના રિમાન્ડ દરમિયાન એસીબીએ સાગરદાણના બારદાન, મિલ્ક કૂલર અને રૂ. 438 કરોડના બાંધકામ ઉપરાંત અનેક બાબતોની તપાસ હાથ ધરી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે, વિપુલ ચૌધરીએ તેમના દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન જે કંપનીઓ ઉભી કરી હતી તેમાંથી ચારનું કોઈ અસ્તિત્વ જ નથી.